ઉલ્લાસિત ગુજરાતઃ નવરંગ ગરબો ઘૂમ્યો, હો અંબેમાત!

વિષ્ણુ પંડ્યા Thursday 11th December 2014 11:11 EST
 

ગુજરાત અત્યારે તો નવરાત્રિના ઉલ્લાસમાં છે. બદલાતા સમયે રાસ-ગરબાને નવો, આધુનિક બનાવી દીધો છે અને તેમાં ભાગ લેનારાઓને રાસ રમવા ઉપરાંત પોતાનાં સૌંદર્ય અને શક્તિનો અંદાજ પૂરો પાડવામાં યે રસ હોય છે એટલે ઝગમગતી રોશનીની વચ્ચે લાંબા રેશમી રંગીન ઝભ્ભા અને બીજાં વસ્ત્રો ધારણ કરેલા યુવકો અને સાડીથી માંડીને અનેક આકર્ષક વસ્ત્રોમાં સજ્જ યુવતીઓ, જિંદગીનાં દૈહિક અસ્તિત્વનો યે આ અવસર બની જાય છે.

નવા ગીત-ગરબા તેમાં ઉમેરાય છે. અગાઉના ડાંડિયા-રાસમાં પણ ફેરફારો આવી ગયા! ૪૦ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં કુતિયાણા, મેવાસા અને બીજી કેટલીક જ રાસમંડળીઓ વખણાતી. અદ્લ કાઠિયાવાડી ચોરણા-કડિયાથી સુસજ્જિત આ રાસધારકો દાંડિયા સાથે એવી જમાવટ કરે કે દર્શકોનાં હૈયાં થોભી જાય. રાસ રમતાં તે કૂદે, ચાર-પાંચ ફૂટ ઉપર સુધીનો અંદાજ તેય નૃત્યના ઢાળમાં અને સાથે જ કાઠિયાવાડી લહેજામાં દૂહા સાથે છંદોનો વૈભવ રચાય!
હવે તો મોટા ભાગની મંડળીઓ સંપૂર્ણપણે વ્યાવસાયિક થઈ ગઈ છે. એ વર્ષોમાં માંડ એકાદ-બે મંડળીઓ ‘રાસલીલા’નો ખાસ કાર્યક્રમ આપવા આવતી. મેકઅપના થપેડા અને દેશી ઠુમકા! પણ ક્યાંયે અશ્લીલતાનું નામોનિશાન નહીં. નવરાત્રિની યે પાંચ-સાત પેઢી બદલાઈ ગઈ!

અમદાવાદમાં શક્તિઉત્સવ
અમદાવાદનો નવરાત્રિ મહોત્સવ અલગ ચીલો પાડે છે. અગાઉ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ‘વિશ્વના સૌથી વધુ દિવસો સુધી ચાલતા પર્વ’ને વધુ અસરકારક બનાવવા પ્રયાસ કર્યો તેનાં પરિણામ ૨૦૦૩થી દેખાય છે. આ વખતે મહિલા મુખ્ય પ્રધાને તેમાં સ્ત્રી સશક્તિકરણ, સ્વાવલંબી મહિલાનો પુરુષાર્થ અને સ્વચ્છતા-અભિયાનને પણ જોડી દીધાં તે મહત્ત્વનું હતું.

ડો. હેડગેવાર અને ગાંધીજી
નવરાત્રિ જેવો જ તેનો છેલ્લો દિવસ-વિજયાદસમી-નો છે. તેનું ‘સ્વાદેંદ્રિયકરણ’ કરવામાં ગુજરાત શાનું પાછું પડે? ફાફડા, જલેબી, અને બીજી વાનગીઓ ઠેર ઠેર જોવા મળે. સાંજ પડ્યે રાવણરાજાનું દહન કરાય છે. આ દિવસે - જેના સ્વયંસેવક નરેન્દ્ર મોદી છે અને પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પણ છે - તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. ૧૮૨૫માં ડો. કેશવરાવ બળિરામ હેડગેવારે નાગપુરમાં પાંચ-સાત સ્વયંસેવકો સાથે તેની શરૂઆત કરી હતી. આજે તો તેની શાખાઓ ભારતમાં પણ છે, વિદેશોમાં યે છે. ડો. કેશવરાવ હેડગેવાર પછી માધવરાવ સદાશિવરામ ગોળવલકર, પછી બાળાસાહેબ દેવરસ, ત્યાર બાદ પ્રો. રાજેન્દ્રસિંહ, તેમના પછી કુપવલ્લી સુદર્શન અને હવે મોહનરાવ ભાગવત તેના પ્રમુખ (સરસંઘચાલક) છે. અમદાવાદ સહિત શાખાઓનાં એકત્રીકરણ સાથે તેનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે.
બીજી ઓક્ટોબરે ગાંધી-જન્મદિવસ છે. ‘સ્વચ્છતા અભિયાન’ના સ્વરૂપે તે ઊજવાશે. ૨૦૧૯માં દોઢસો વર્ષ જન્મજયંતીની ઉજવણી સાથે ગાંધીના ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાને ‘સ્વચ્છ ભારત’નાં અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરી દીધી તો અમદાવાદમાં એક સ્વૈચ્છિક મેળાવડામાં એવી વાત કરી કે જુઓ, જુઓ, આ સંઘવાળા ગાંધીજીને હાઈજેક કરીને સ્વચ્છતાના નામે પોતાનો પ્રચાર કરવા માગે છે તેનાથી સાવધાન રહેવું પડશે!

રાજકોટની પેટા-ચૂંટણી
નવ વિધાનસભા અને એક લોકસભા બેઠકની ચૂંટણી પછી હવે વારો રાજકોટનો છે. ‘રાજ કરે ઈ રાજકોટ’ એ કહેવત સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ ત્યારથી પ્રચલિત છે. રાજકોટે ઢેબરભાઈ અને કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન આપ્યા. ઢેબરભાઈ તો પછીથી રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ પ્રમુખ થયા. મીનુ મસાણી અહીંથી વિરોધ પક્ષના ઉમેદવાર તરીકે લોકસભામાં પહોંચ્યા તે બિન-કોંગ્રેસવાદની પ્રથમ નિશાની હતી. શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી રાજકોટમાં જનસંઘ-પ્રવેશ પછી તાલીમ માટે રહેલા.
જનસંઘ માટે ૧૯૫૨થી રાજકોટ ભૂ-રાજકીય (જિયો-પોલિટિકલ સેન્ટર) કેન્દ્ર રહ્યું હતું. સંઘ પરિવારની તમામ શાખા-ઉપશાખાઓ પહેલાં રાજકોટમાં મજબૂત બની. જનસંઘ પ્રમુખ હરીસિંહજી ગોહિલ રાજકોટ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા તે જનસંઘ માટે પહેલી ઘટના હતી. અરવિંદ મણિયારમાં ભાવિ મુખ્ય પ્રધાન તરીકેની શક્તિ અને સજ્જતા હતી. રાજકોટના મેયર અને નાગરિક સહકારી બેન્કના સંવર્ધનનું કામ તેમણે સફળતાથી પાર પાડેલું. વજુભાઈ વાળા - કેશુભાઈની જેમ - પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા હતા, પછી નાણાં પ્રધાન અને પછી વિધાનસભાના અધ્યક્ષ અને હવે કર્ણાટકના રાજ્યપાલ છે.
આ રાજકોટે વજુભાઈની સીટ પર પેટા-ચૂંટણી લડવાની આવી છે. ભાજપે વિજય રૂપાણીને ઊભા રાખ્યા છે તો કોંગ્રેસે પટેલ ઉમેદવાર જયંતીભાઇ કાલરિયાને. રાજકોટમાં પટેલોની સંખ્યા ઘણી મોટી છે અને પારંપારિક રીતે ભાજપ-તરફી છે. કોંગ્રેસને લાગે છે કે ડીસા અને માંગરોળ બેઠકો મળી તે રીતે રાજકોટમાં ધમાકો બોલાવી શકાય તેમ છે. ભાજપ તેના કાર્યકર્તાઓનાં સંગીન પરિબળમાં ભરોસો રાખે છે. આંતરિક અસંતોષને નેતાગીરી નિવારી શકે તો વાંધો ન આવે.

મોદી અને અમેરિકા
‘મોદી ઇન અમેરિકા’નું પ્રકરણ કંઈ પહેલવે’લું નથી. ૧૯૭૫-૭૬માં ભારતમાં આંતરિક કટોકટી અને સેન્સરશિપ લાદવામાં આવી ત્યારે ભારતથી કેટલાક જનસંઘ-નેતાઓ યુકે અને યુએસમાં પહોંચ્યા હતા. મકરંદ દેસાઈ, રામ જેઠમલાણી અને ડો. સુબ્રમણ્યમ્ સ્વામી તેમાં મુખ્ય હતા. યુએસએમાં ભારતની વિચાર સ્વતંત્રતા માટે ત્યાંના કેટલાક (બધા નહીં) નિવાસીઓ પણ સક્રિય હતા. તેમની સાથે ગુજરાતથી ભૂગર્ભવાસી નરેન્દ્ર મોદીનો સંપર્ક ચાલુ હતો.


comments powered by Disqus