વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની કાર્યશૈલી, વિઝન માટે જાણીતા છે એટલા જ તેમની શિસ્તબદ્ધ જીવનશૈલી માટે પણ જાણીતા છે. આથી જ દિવસના કલાકો સુધી કામ કરવા છતાં તેમના ચહેરા પર ક્યારેય થાક વર્તાતો નથી. સવારે ૭ વાગ્યે તેઓ ઓફિસકામ શરૂ કરી દે છે તો છેક મોડી રાત સુધી તેઓ સતત વ્યસ્ત રહે છે. અહીં મોદીની લોકપ્રિયતાના ૧૦ કારણો રજૂ કર્યા છે.
• શિસ્તબદ્ધતાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ શિસ્તબદ્ધ જીવન જીવે છે. તેઓ રાત્રે ગમેતેટલા મોડા સૂવે તો પણ સવારે વહેલાં નિયમિત રીતે યોગ કરવાનું ચૂકતા નથી.
• કર્મઠઃ વડા પ્રધાન મોદીના જીવનમાં થાક નામના શબ્દને કોઇ જ સ્થાન નથી! ચૂંટણીની રેલીથી લઇને વડા પ્રધાન કચેરીના કામકાજ સુધી અને વડા પ્રધાનની ભૂમિકાથી લઇને સોશિયલ મીડિયા સુધી દરેક સ્થળે દરેક સમયે તેમના જેવી સક્રિયતા બીજા કોઇ નેતામાં દેખાતી નથી.
• નિર્ણયશક્તિઃ નોટબંધી હોય કે સર્જિકલ સ્ટ્રાઇક, આવાં પગલાં ભરવા કોઇ સરળ કામ નથી. આ જ કારણ છે કે તેમની છબી નક્કર પગલાં લેતા વડા પ્રધાન તરીકેની છે. કાળા નાણાં, ભ્રષ્ટાચાર અને બેનામી સંપત્તિ અંગે તેમની સરકારે કેટલાય મહત્ત્વના નિર્ણય લીધા છે.
• સ્વચ્છતાપ્રેમીઃ વડા પ્રધાન સ્વચ્છતાના મુદ્દે બેહદ જાગૃત છે. સરકાર રચાઇ કે તે સાથે જ તેમણે દેશભરમાં સ્વચ્છતાની ધૂણી ધખાવી હતી. દેશની પ્રજાને ખૂબ જ સામાન્ય લાગતા આ મુદ્દા અંગે વિચારવાની તક મળી અને હવે તેના પરિણામ જોવા મળી રહ્યા છે. બે ઓક્ટોબર ૨૦૧૪ના રોજ તેમણે સ્વચ્છ ભારત મિશનની જાહેરાત કરી હતી.
• ટેક્નોલોજી સમર્થકઃ ડિજિટલ ઇન્ડિયા હોય કે મેક ઇન ઇન્ડિયા. વડા પ્રધાન દેશને વધતી જતી ટેક્નોલોજીની સાથે આગળ વધતો જોવા ઇચ્છે છે. કેશલેસ પેમેન્ટથી લઇને જ્યાં જ્યાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે, તેને અપનાવવામાં તેઓ વિલંબ કરતાં નથી.
• વિકાસ પર ફોકસઃ વડા પ્રધાનનું ફોકસ દેશનો વિકાસ છે. પછી તે આર્થિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર કે ટેક્નોલોજી. દરેક ક્ષેત્રમાં સરકાર તરફથી એવા પ્રયાસ કરાય છે કે જે દેશને વિકાસના માર્ગ પર લઇ જવાય. ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે તેમણે વિકાસનું જે મોડેલ અપનાવ્યું હતું, દેશ આજે પણ તે મોડેલ પર આગળ વધતો જણાય છે.
• શ્રેષ્ઠ વક્તાઃ વડા પ્રધાનની સૌથી મોટી ખાસિયત તેમની વાક્છટા છે. વિદેશી સંસદ ગૃહોથી લઇને જાહેર રેલીમાં જ્યારે તેઓ બોલે છે, લોકો તેમને મંત્રમુગ્ધ થઇને સાંભળતા જ રહે છે. વાણી અને તર્ક ઉપર તેમની પકડ એવી છે કે વિરોધીઓના દરેક હુમલાનો જવાબ એવો જડબાતોડ આપે કે સામેવાળાની બોલતી બંધ થઇ જાય.
• વિઝનઃ સ્ટાર્ટ અપ ઇન્ડિયા હોય કે સ્કિલ ઇન્ડિયા કે પછી નોટબંધી. વડા પ્રધાનની આ પહેલથી એ સમજાય જાય છે કે તેઓ ભવિષ્યનું વિચારે છે. સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપીને તેમણે દેશમાં એક નવા યુગની શરૂઆત કરી તો શાળાના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાાનીઓની શોધને પ્રોત્સાહન આપવા માટે પણ તેમણે પગલાં ઉઠાવ્યા છે.
• ભારત અને હિન્દીઃ વડા પ્રધાનના ભાષણોમાંથી તેમની રાષ્ટ્રીયતાની ભાવના તથા ભાષા પ્રત્યેનો તેમનો પ્રેમ ઝળકે છે. હિન્દીમાં ભાષણ આપવાના કારણે તેઓે દરેક વર્ગના લોકો સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ બીજા દેશોમાં પણ હિન્દી બોલે છે. ‘મન કી બાત’ હેઠળ તેમણે મોટી વસતી સાથે પોતાની જાતને જોડી છે.
• વસ્ત્ર પરિધાનઃ સમય પ્રમાણે પોશાકની પસંદગી તેમને સ્ટાઇલ સ્ટેટમેનનો પ્રભાવ આપે છે. ક્યારેક બંધ ગળાનો સૂટ તો ક્યારેક હેટ સમાચારમાં ચમકતા રહ્યા છે. તેમના એક સૂટને તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તે સૂટનું ઓક્શન વિક્રમસર્જક ૪.૩૧ કરોડ રૂપિયામાં થયું હતું.