કાર્તિક પૂનમનો મહિમા આપણી ભારતીય સંસ્કૃતિમાં સવિશેષ છે. દેવ દિવાળીનો આ પાવન દિન. દેશમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન માંગલિક કાર્યો સ્થગિત કરી દેવાયા બાદ પુન: એનો શુભારંભ દેવ દિવાળીથી થાય છે. આ વર્ષે ૫ નવેમ્બરે દેવદિવાળી આવે છે. આ પુનિત દિને ભગવાન શિવે ત્રિપુરાસુર દાનવ પર વિજય મેળવ્યો હતો. વિજયની આ પુનિત પળો આનંદભેર ઉજવવા દેવો-દેવીઓ સ્વર્ગલોકમાં ભેગાં મળે છે.
જૈનોમાં પણ એનો ખાસ મહિમા છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ કાર્તિક પૂનમથી શત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ થાય છે. એ દિવસે જૈન યાત્રિકોની ભીડ જામે છે. મેળો ભરાયો હોય એમ હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે.
ભાવનગર ડીસ્ટ્રીક્ટમાં આવેલ તીર્થ શત્રુંજયનો મહિમા અપાર છે. કારણ, જૈનોના ૨૪ તીર્થંકરોમાંથી ૨૨ તીર્થંકરોને આ ભૂમિ પર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એનું મૂળ નામ પૂંડરિકગિરિ હતું. પુંડરિક સ્વામિ ઋષભદેવ ભગવાનના શિષ્ય હતા. પુંડરિક સ્વામિ સહિત અનેક આત્માઓ આ ભૂમિ પર સિધ્ધ ગતિને પામ્યા હતા. આ પાવનભૂમિની માટીની રજેરજમાં પવિત્રતાનો પમરાટ છે. ૧૧મી સદીમાં એનું નિર્માણ થયું હોવાનું મનાય છે. કહેવાય છે કે એની યાત્રા ભાવપૂર્વક કરવાથી ભવોભવના પાપોનો ક્ષય થાય છે અને જીવન-મરણના ચક્કરમાંથી મુક્તિ મળે છે. આ ડુંગરની પવિત્રતા જાળવવા ખાવાનું ઉપર લઇ જવાની કે રસ્તામાં ખાવાની મનાઇ છે. નીચે ઉતર્યા બાદ તળેટીમાં ભાથુ મળે છે જે ભાવિકો વાપરે છે.
પાલીતાણા એ મંદિરોની નગરી છે. જ્યાં ૮,૬૧૩ જૈન મંદિરો (દહેરાસરો) અને ૩૬,૦૦૦ તીર્થંકરોની પ્રતિમાજીઓ હોવાનો એક અંદાજ છે. શત્રુંજય પર્વતની ટોચે મૂળ નાયક પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ ( આદીશ્વર)ની સંગેમરમરની ચમત્કારી મૂર્તિ પદ્માસનમાં બિરાજમાન છે. આ તીર્થના સિધ્ધાચલ, સિધ્ધક્ષેત્ર, પૂંડરિકગિરિ આદી ૧૦૦થી વધુ નામોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. આવા પાવન તીર્થની યાત્રા ન કરી હોય એવા જૈનોની સંખ્યા જૂજ હશે! પાલીતાણાને શાકાહારી શહેર તરીકે ઘોષિત કરાયું છે. આ શહેર ધર્મશાળાઓ, ભોજનશાળાઓ અને અતિથિગૃહોથી ભરપુર છે. ધાર્મિક ઉપકરણો મેળવવાનું આ આદર્શ સ્થળ.
“સિધ્ધાચલગિરિ ભેટ્યાં રે, ધન્ય ભાગ્ય હમારા’ સ્તવનમાં એની મહત્તા ગવાઇ છે. આ પાવનતીર્થની આપણે ભાવયાત્રા-શાબ્દિક યાત્રા કરી પુણ્ય કર્મ બાંધીએ.
પાલીતાણા ગામથી ૬ કિ.મિ.ના અંતરે, શત્રુંજી નદીના તટે આવેલ આ તીર્થ હજારો વર્ષ પુરાણું છે. વૈદિક ધર્મમાં ભાગીરથી ગંગા જેટલું જ મહત્વ શત્રુંજી નદીનું છે. શત્રુંજી નદી સ્નાનનું પણ અદકેરું મહત્વ છે. “શત્રુંજી નદી નાહ્યો નહિ એનો એળે ગયો અવતાર” સ્તવનમાં એનો મહિમા વર્ણવાયો છે. હવે તો રાતના ગંગા નદીના કિનારાની જેમ શત્રુંજી નદીના કિનારે પણ હજારો દીપ પ્રગટાવી મહા આરતી થાય છે. એ દ્રશ્ય નિહાળી પાવન થયાની અનુભૂતિ થાય છે. ભાવિકોનો ઉમંગ યાત્રાના સ્થળોમાં અવર્ણનીય હોય છે.
દરિયાઇ સપાટીથી લગભગ ૨૦૦૦ ફૂટની ઊંચાઇ પર આવેલ છે. સમયે-સમયે આ તીર્થનો જીર્ણોધ્ધાર જૈન શ્રેષ્ઠીઓ દ્વારા થતો રહ્યો છે. ગુજરાત ટૂરીઝમ સાઇટ મુજબ કુમારપાળ સોલંકીએ પ્રથમ મંદિર બનાવ્યું હતું.
હજારો વર્ષો પૂર્વે જ્યારે અધતન ટેકનોલોજીનું અન્વેષણ થયું ન હતું ત્યારે આટલી ઊંચાઇ પર આવા ભવ્ય જીન મંદિરોનું નિર્માણ કઇ રીતે થયું હશે એનો વિચાર કરીએ તો એ એક ચમત્કારથી કમ નથી!
એની નવ ટૂંકો છે. આ નવેય ટૂંકોનો અદભૂત ઇતિહાસ છે. પ્રભાવ છે. આગવો શીલ્પ વૈભવ છે. એના લગભગ ૩૫૦૦ પગથિયાં અને ચાલવાનો રસ્તો સાફ-સૂથરો છે. સંવત ૧૯૫૦માં શ્રેષ્ઠી ધનપત સિંહ લક્ષ્મીપત સિંહે બંધાવ્યો હતો. પદ્માવતી માતાનું કલાત્મક મંદિર, સમોવસરણ મંદિર, હિંગળાજ માતા, અંબિકા દેવીની દેરીઓ, રામપોળ, વાઘણ પોળ, હાથી પોળ, પાંચ પાંડવો, માતા કુંતી અને દ્રોપદી સહિતની મૂર્તિઓની ટૂંક, મ્યુઝીયમ વગેરે આકર્ષણ જમાવે છે. ત્યાં પાપ-પુણ્યની બારી પણ છે જેમાંથી પસાર થાય એના માટે મોક્ષનગર જવાનો માર્ગ ખૂલે છે! સૌદર્યથી ભરપુર ટેકરીઓ પર આહ્લાદક વનરાજી, રંગબેરંગી પક્ષીઓની કિલકારી, ખુશનુમા વાતાવરણ,
શુધ્ધ તાજી હવામાં સવારના પ્હોરમાં ડુંગરના પગથિયા ચઢતાં દાદાને ભેટવાના જાગતા ભાવો અને ઊર્જાનો સ્તોત્ર તન-મનને તરબતર કરી દે ત્યારે શબ્દો ઝાંખા પડે!
શાંતિ અને હકારાત્મકતાનું વાતાવરણ સાધના અને પ્રભુ ભક્તિ માટેના ઉદ્દીપકો છે. આ ભવ્ય આદીનાથ મંદિરની ભારત સરકારે ૧૯૪૯માં સ્ટેમ્પ બહાર પાડી હતી.
મેં બારેક વર્ષની વયે પ્રથમવાર આ તીર્થની યાત્રા કરી હતી. બાળપણના એ સંસ્મરણો ક્યારેય વિસરાય નહિ! નાની ઉંમરમાં તો દોડી-દોડીને ડુંગરના પગથિયાં ચઢવાની સ્પર્ધા કરતા હતાં. દાદાના દરબારે જ્યારે પહોંચ્યા ત્યારે મનમાં જે ભાવ ઉપજ્યા હતા તેને શબ્દોમાં વર્ણવી શકાય નહિ! પૂજા માટે લાંબી લાઇનોમાં ઉભું રહેવાનું અને તમારો નંબર લાગે ત્યારે ભગવાનને કેસર-ફુલની પૂજા કરી ધન્યતા અનુભવવાની ક્ષણો અદભૂત હતી. ‘એ તો માંહી પડ્યા તે મહાસુખ માણે’ જેવું! જાત અનુભવનો બીજો વિકલ્પ નહિ! ઉતરતાં તો પગ ગરબા ગાય એટલે ત્રાંસા ત્રાંસા ચાલીને ઉતરવાનું, થોભ્યા વિના!. જ્ઞાન ઓછું પણ એની મજા કંઈક ઓર હતી. એ ઉમરની મસ્તી જ એવી કે સાચા અર્થનો નિજાનંદ.
લગભગ ૧૯૯૪માં અમે મારી સાસરીના કાન્તાબહેન રસિકલાલ શાહના પચાસેક પરિવારજનો સાથે એક બસ લઇ વડોદરાથી પાલીતાણાની યાત્રાએ ગયા હતા. એ અનુભવ પણ અનેરો હતો.
કૌટુંબિક સંપ-સહચર્ય-એકતા-આત્મીયતાનો સાદ એમાં પડઘાતો. એ સિવાય વચમાં કેટલીક વાર યાત્રા કરવાનો અવસર મળેલ.
છેલ્લે ૨૦૨૩ના માર્ચ મહિનામાં પાલીતાણાની યાત્રા મિત્ર મંડળ સાથે કરી હતી. હવે તો વયના કારણે ઉપર ચઢવું મુશ્કેલ બને એથી માત્ર તળેટીમાં જ દર્શન, સેવાપૂજા કરી મન મનાવ્યું હતું. હવે તો પૂરો ડુંગર જેનાથી ન ચઢી શકાય તેમના માટે મીની પર્વત નવ ટૂંકનો બનાવ્યો છે જેથી યાત્રા કર્યાનો સંતોષ માની શકાય!
સમગ્ર ગિરિરાજ પર ૧૨૪ જીનાલયો, ૭૩૯ દેરીઓ, ૧૧,૪૭૪ પ્રતિમાજીઓ અને ૮,૪૬૧ ભગવાનની પાદુકાઓ છે. જીવનની આ અદભૂત ક્ષણોનો સ્વાનુભવ પુણ્યનું ભાથું બંધાયાની અનુભૂતિ કરાવે છે. આ તીર્થની વાતો કરતા ન ખૂટે એવી છે.
(આંકડાઓની માહિતિમાં અલગ-અલગ રીસોર્સીસમાં થોડી વિભિન્નતા છે.)
અત્રે જૈનોનું ભારતનું પ્રથમ AI પાવર્ડ પ્લેટફોર્મ છે જે જૈન ધર્મ સમર્પિત સંપૂર્ણ માહિતી, ઇતિહાસ, ફિલોસોફી અને સિધ્ધાંતો આદી વિગતોથી અવગત કરાવે છે. Jainknowledge.com
નોંધ: તાજેતરના એક સમાચાર મુજબ ૨૪ ઓક્ટોબરે પ્રસિધ્ધ તીર્થ પાલીતાણામાં પદ્માવતી મંદિર તરફ જતા માર્ગ પર ચાર સિંહોના ટોળામાંથી બે સિંહો શ્રધ્ધાળુઓ સાથે લટાર મારતા જોવા મળ્યા હતા. સિંહોની હાજરીથી યાત્રાળુઓમાં ભારે કૂતુહલ સર્જાયું હતું. આ દ્રશ્ય જોઇને જાણે સિંહો પણ આદિનાથ ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. મહત્વની વાત એ હતી કે તેઓેએ યાત્રાળુઓને કોઇ હાનિ પહોંચાડી ન હતી. સામાન્ય રીતે અત્રે સિંહો નજરે નથી પડતા.
વડોદરામાં ૫ નવેમ્બરે જાણીતા સંગીતકારો અનરાધા પૌંડવાલ અને જૈન સંગીતકાર નરેન્દ્ર વાનીગોટા નવલખી ગ્રાઉન્ડ પર પાલીતાણાના શત્રુંજય તીર્થીની ભાવયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ૧૫,૦૦૦ થી વધુ જૈનોની હાજરી હોવાનો અંદાજ છે.


