અમદાવાદઃ જાણીતા ઈતિહાસકાર, કટારલેખક, સંપાદક પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા દ્વારા લિખિત પુસ્તક ‘મિસાવાસીની જેલ-ડાયરી’નું તાજેતરમાં સ્પોર્ટ્સ ક્લબ ખાતે વિમોચન કરાયું હતું. આંતરિક કટોકટી અને સેન્સરશિપની અર્ધશતાબ્દિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો.
કટોકટીકાળમાં ભાવનગર અને વડોદરાની જેલમાં 11 મહિના જેટલો સમય ગુજારનાર ‘સાધના’ સામયિકના તત્કાલિન તંત્રી વિષ્ણુભાઈની આ જેલ ડાયરીના વિમોચન પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સ્પોર્ટ્સ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ ચિરંજીવ પટેલ, ‘નવગુજરાત સમય’ તથા ‘અમદાવાદ મિરર’ના ગ્રૂપ એડિટર અજય ઉમટ તેમજ આર.આર. શેઠના પ્રકાશક ચિંતનભાઈ શાહ ઉપસ્થિતિ રહ્યા હતા.
આ પ્રસંગે ‘ગુજરાત સંઘર્ષ કથા’ (1975-1977) ફિલ્મનું પોસ્ટર લોન્ચિંગ ફિલ્મના નિર્માતા જીયા શૈલેષ પરમાર તથા દિગ્દર્શક મનીષા શર્માની ઉપસ્થિતિમાં કરાયું હતું. પુસ્તક વિમોચન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જેમાં સૌ વક્તાઓએ કપરા કટોકટી સમયની વાતો વાગોળી હતી. વિષ્ણુભાઈએ ચાવીરૂપ પ્રવચન કરતા કહ્યું હતું કે, એક ખરા અર્થમાં ઈતિહાસની સાથે અનુબંધ રચતો આ સંવાદ આજે રચાયો છે. લોકતંત્ર બિચારું મરતું થઈ ગયેલું, પ્રજાએ તેને ફરીથી ઊભું કર્યું છે. સંજીવની પ્રજા જ છે. પ્રજા જ સર્વસ્વ છે અને પ્રજા માટે બંધારણ છે અને બંધારણને કારણે લોકતંત્ર છે.