ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવનારા ૭ સેક્સ કૌભાંડ

Wednesday 07th September 2016 06:09 EDT
 
 

૧૯૭૮માં સુરેશ રામ એક યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપાયા ત્યારથી લઈને હજુ થોડા વર્ષ અગાઉ અભિષેક મનુ સિંઘવીના સેક્સ સીડી પ્રકરણ સુધી ભારતીય રાજકારણને ફટકો પહોંચાડનારા કેટલાક સૌથી મોટા સેક્સ કૌભાંડ અત્રે રજૂ કરીએ છીએ.
આમ આદમી પાર્ટીના નેતા સંદીપ કુમારની કથિત સંડોવણીના સેક્સ કૌભાંડની જોરશોરથી ચર્ચા થઈ રહી છે ત્યારે ભારતીય રાજકારણ માટે આઘાત સમાન સૌથી મોટા સાત સેક્સ કૌભાંડની એક ઝલક અત્રે પ્રસ્તુત છે. કેટલાક કિસ્સામાં કૌભાંડથી કારકિર્દીનો અંત આવ્યો તો કેટલાકે જીવન ટૂંકાવ્યુ છે. અનૈતિકતા અને રાજકારણ વચ્ચેનો કાયમી સંબંધ જ જીવંત રહ્યો છે.

૧. સુરેશ રામ સેક્સ કૌભાંડ

ભારતના રાજકારણમાં સુરેશ રામ કદાચ જાણીતું નામ નહીં હોય, પરંતુ, તેમના પિતાને - બાબુ જગજીવન રામ- આ સેક્સ કૌભાંડને પરિણામે ખૂબ સહન કરવું પડ્યું હતું. ૧૯૭૦ના દાયકાના અંત ભાગમાં નાયબ વડા પ્રધાન સુદ્ધાનું પદ સંભાળનારા પ્રભાવશાળી દલિત નેતા જગજીવન રામને ઘણા લોકો વડાપ્રધાન પદના સંભવિત ઉમેદવાર તરીકે જોતા હતા. જોકે, ૧૯૭૮માં ‘સૂર્યા’ મેગેઝિનમાં - તે સમયે મેનકા ગાંધી તેના તંત્રી હતા - તેમના પુત્ર સુરેશ રામના એક યુવતી સાથેના બિભત્સ ફોટા બે પાના પર પ્રગટ થયા ત્યારે તેમની રાજકીય કારકિર્દીને ગંભીર ફટકો લાગ્યો હતો. તે આઘાતની જગજીવન રામને ક્યારેય કળ વળી નહીં. લોકો તેમના રાજકારણને ઓછું પણ તેમના પુત્રના ફોટાને લીધે તેમને વધારે યાદ કરતા હતા. આ ફોટા અત્યારે પણ ઈન્ટરનેટ પર જોઈ શકાય છે.

૨. મહિપાલ મેદરણા અને ભંવરી દેવી

આ કિસ્સામાં ફિલ્મ માટેની સામગ્રી હતી. ઓક્ઝિલીયરી નર્સ અને મીડવાઈફ ભંવરી દેવી સરકાર માટે બનાવાયેલી પ્રમોશનલ વીડિયોમાં ચમકી તે પછી કોંગ્રેસી નેતા મહિપાલ મેદરણાનું ધ્યાન તેની તરફ ગયું હતું. ૨૦૧૧માં તેના પતિએ ભંવરીની હત્યા કરવાનો મેદરણા પર આરોપ મૂક્યો હતો. તેની લાંબી તપાસ ચાલી હતી. તેમાં બહાર આવ્યું કે ભંવરી દેવીએ મેદરણા અને પક્ષના અન્ય નેતા મલખાન સિંહ સાથે કઢંગી હાલતના બનાવેલા પોતાના વીડિયોને આધારે તેમની પાસે કરોડો રૂપિયાની માગણી માટે તેમને બ્લેકમેલ કરતી હતી. કદાચ હજુ પણ આ કેસ કોર્ટમાં હશે. પરંતુ, તે કેસ બોલિવુડને તેના પરથી ફિલ્મ બનાવતા અટકાવી શક્યો નહીં. ‘ડર્ટી પોલિટિક્સ’ નામની આ ફિલ્મને મલ્લિકા શેરાવત એક પોસ્ટરમાં તિરંગાના ઉપયોગ બદલ અને પોતાની લજ્જા ઢાંકવા માટે ખૂબ ઓછાં વસ્ત્રોમાં દેખાઈ તેને લીધે સર્જાયેલા વિવાદ માટે વધુ યાદ કરાય છે.

૩. અમરમણિ ત્રિપાઠી અને મધુમિતા શુકલ

અમરમણિ ત્રિપાઠી ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના એક વગદાર નેતા અને મુલાયમ સિંહની કેબિનેટના એક વખતે સભ્ય પણ હતા. ૨૦૦૩ના મે મહિનામાં કવયિત્રી મધુમિતાની ખૂબ નજીકથી ઠાર કરીને હત્યા થઈ તે વર્ષે સપ્ટેમ્બરમાં તેમની ધરપકડ કરાઈ હતી. મધુમિતા તે સમયે સાત મહિનાની ગર્ભવતી હતી. અમરમણિ અને તેમના પત્ની પર તેની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકાયો હતો અને તેમાં તે દોષિત ઠર્યા હતા. આ ગુના બદલ તેમને આજીવન કેદની સજા થઈ હતી, જે તેઓ હજુ ભોગવી રહ્યા છે. 

૪. કેરળ આઈસક્રીમ પાર્લર કૌભાંડ

કોઝિકોડમાં એક આઈસક્રીમ પાર્લરનો ઉપયોગ કુટ્ટણખાના તરીકે થતો હોવાનો આરોપ સૌ પ્રથમ ૧૯૯૭માં જાહેર થયો હતો. લગભગ બે દાયકા બાદ હજુ પણ આ કેસ કોર્ટમાં છે. પરંતુ, તેની વિગતો અધૂરી છે. આ કુટ્ટણખાનું વગદાર રાજકીય નેતાઓની માલિકીનું હતું કે ત્યાંના હાઈ પ્રોફાઈલ ગ્રાહકોમાં આ નેતાઓ સામેલ હતા? કેસ ગમે તે હોય પરંતુ, IUML ના નેતા પી કે કુન્હાલીકુટ્ટી ઈચ્છે છે કે આ કેસ જ ઉડી જાય, કારણ કે આ કેસના સંદર્ભમાં જાહેરમાં જે થોડા નામ લેવાય છે તેમાં તેમનો પણ સમાવેશ થાય છે.

૫. એન ડી તિવારી સેક્સ કૌભાંડ

આ સેક્સ કૌભાંડ બધા કૌભાંડોને ટાંપી દે તેવું કહી શકાય, જેમાં ૮૦ વર્ષના તે સમયના આંધ્રપ્રદેશના ગવર્નર એન ડી તિવારીને તેમના સત્તાવાર નિવાસસ્થાને બેડરૂમમાં બેઠેલી પોઝિશનમાં ત્રણ મહિલાઓ સાથે કઢંગી હાલતમાં એક તેલુગુ ન્યુઝ ચેનલે દર્શાવ્યા હતા. ૨૦૦૯ના આ કૌભાંડને લીધે તેમનો ગવર્નર તરીકેનો કાર્યકાળ ટૂંકાવી દેવાયો હતો. પરંતુ, આ ચરિત્રહીન માણસને સંડોવતો આ પ્રથમ કિસ્સો ન હતો. તેના એક દ્રષ્ટાંતમાં રોહિત શેખર નામના માણસે તેમના પર પોતાના પિતા હોવાનો આક્ષેપ કર્યો હતો. રોહિતે જણાવ્યું હતું કે તિવારીએ તેની માતા સાથે લગ્ન કર્યા ન હતા અને અનૈતિક સંબંધોથી તેનો જન્મ થયો હતો. પિતૃત્વ અંગે કરાયેલા ટેસ્ટમાં એ પૂરવાર થયું હતું કે તિવારી જ તેના જૈવિક પિતા હતા. ત્યારબાદ તિવારીએ રોહિતની માતા ઉજ્જવલા સાથે ૨૦૧૪માં લગ્ન કર્યા હતા.

૬. ગોપાલ કંદા અને ગીતિકા શર્મા

ગીતિકા શર્મા હાલ બંધ પડેલી MDLR એરલાઈન્સની એક સમયે એર હોસ્ટેસ હતી. આ એરલાઈન્સ હરિયાણા સ્થિત રાજકારણી ગોપાલ કંદાએ શરૂ કરી હતી. ૨૦૧૨માં ગીતિકાએ જ્યારે આપઘાત કર્યો ત્યારે કંદાએ તેને કરેલી હેરાનગતિની વિગતો સાથેની બે સુસાઈડ નોટ મળી હતી. તેણે એવું પણ જણાવ્યું હતું કે કંદાને અન્ય મહિલા સાથે પણ જાતીય સંબંધો હતા. અગાઉ પરિણીત કંદાને તેનાથી એક પુત્ર પણ હતો. આ કેસ હજુ કોર્ટમાં છે. તેને લીધે કંદાને કોર્ટ જોવી પડી હતી. પરંતુ હાલ તે જામીન પર બહાર છે. 

૭. અભિષેક મનુ સિંઘવી સેક્સ સીડી

સુપ્રીમ કોર્ટની લોયર્સ ચેમ્બરમાં એક મહિલા એડવોકેટ સાથે કઢંગી હાલતમા કોંગ્રેસના તત્કાલીન પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીને દર્શાવતો એક વીડિયો બહાર આવતા તે છોભીલા પડી ગયા હતા. દેખીતી રીતે જ આ વીડિયો તેમના ડ્રાઈવરે સિંઘવીને બ્લેકમેલ કરવાના ઈરાદે ઉતાર્યો હોવાનું મનાય છે. તે વીડિયો સીડી સ્વરૂપે જાહેર થયો હતો. જોકે, બાદમાં દિલ્હી હાઈ કોર્ટે તેને કોઈ પણ પ્રકારે જાહેર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter