ભારતીય હાઈ કમિશનની બહાર હુમલો અસ્વીકાર્ય છે

સાદિક ખાન, લંડનના મેયર Wednesday 02nd October 2019 03:53 EDT
 
 

લંડન ઘણા લાંબા સમયથી સમગ્ર વિશ્વમાં આશા, ખુલ્લાપણાં અને વૈવિધ્યતાની દીવાદાંડી બની રહ્યું છે. બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી લંડનની જીવંતતા અને સાતત્યપૂર્ણ સફળતાના સર્જનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતીય મૂળના લંડનવાસીઓએ ઉદ્યોગસાહસિકતાના મિજાજ થકી આપણા અર્થતંત્રને મજબૂતી બક્ષવામાં મદદ તેમજ આપણા NHS વર્કફોર્સનો આવશ્યક હિસ્સો બની રહેવા સહિત આપણા શહેરને વિશાળ અને અમૂલ્ય યોગદાન આપ્યું છે. વિશેષતા તો એ છે કે, તેઓ લંડનના પોતનું અવિભાજ્ય અંગ છે. હોળી હોય કે નવરાત્રિની ઉજવણી હોય, ભારતીય મૂળના લંડનવાસીઓએ હંમેશા પોતાના સાથી લંડનવાસીઓને પોતાના જીવનમાં આવકાર્યા છે. આથી, ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી અને તે પછી લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધો દરમિયાન કેટલાક દેખાવકારો દ્વારા હિંસા, આક્રમણ અને શત્રુતા વિશે મેં સાંભળ્યું ત્યારે હું ઘણો પરેશાન થયો હતો. મેં આ ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

હું સંપૂર્ણપણે સહમત થાઉં છું કે જે થયું તે તદ્દન અસ્વીકાર્ય હતું. મહત્ત્વના સામુદાયિક ઉત્સવની ઉજવણી કરી રહેલાં પરિવારોને ઈરાદાપૂર્વક નિશાન બનાવાયા હતા અને આ બાબત ભયાવહ છે. આપણી લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર મહત્ત્વપૂર્ણ અને મૂલ્યવાન હિસ્સો છે પરંતુ તે હંમેશાં શાંતિપૂર્ણ રીતે કાયદાની મર્યાદામાં રહીને થવો જોઈએ. ભારતીય હાઈ કમિશનની બહાર જે પ્રકારનું ધમકીપૂર્ણ વર્તન કરાયું તેને કદી સહન કરી શકાય નહિ

હું સમજું છું કે ઘણાં લંડનવાસીઓ માટે ભારતીય સ્વાતંત્ર્ય દિન કેટલું વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. આથી, મેં તત્કાળ આ બાબત મેટ્રોપોલીટન પોલીસ સમક્ષ ઉઠાવી હતી. મારી પાસે કૂચ અથવા દેખાવો પર પ્રતિબંધ લાદવાની કોઈ સત્તા નથી. જોકે, પોલીસની સાથે કામ કરતા રહીને હું આવી કોઈ પણ ઘટનાઓનું પુનરાવર્તનને અટકાવવામાં મારી સત્તામાં આવતું તમામ કરી છૂટીશ.

હું ૨૦૧૭માં ભારતના પ્રવાસને હું કદી ભૂલીશ નહિ. હું ત્યાં લંડનના મેયરના હોદ્દાની ક્ષમતાએ ગયો હતો પરંતુ, મારા બંન્ને ગ્રાન્ડપેરન્ટ્સ અને પેરન્ટ્સનો જન્મ અને ઉછેર ભારતમાં જ થયો હોવાથી અંગત રીતે પણ મને વિશેષ લાગણી થઈ હતી તે હું નકારી શકું નહિ.

એક મેયર તરીકે, ભારતવંશી લંડનવાસીઓનો હંમેશા આદર જળવાય, તેમનું મૂલ્ય અંકાય અને સલામતીની લાગણી જળવાઈ રહે તેની ચોકસાઈ અર્થે સમક્ષ મૈત્રીનો હાથ લંબાવેલો રાખીશ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter