આપણે સહુ જેમને આર્યસમાજના સંસ્થાપક અને ક્રાંતિકારી વિચારસરણીના મશાલચી તરીકે ઓળખીએ છીએ તેવા મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીજીનું માતાપિતાએ નામ રાખ્યું હતું મૂળશંકર. બાળપણમાં તેના આદરણીય પૂજ્ય વડીલ કાકા અને વ્હાલસોયી નાની બહેનનું મૃત્યુ જોઈને મૂળશંકરમાં વૈરાગ્યની ઊંડી, ઘેરી, ગંભીર લાગણી જન્મી.
મહા શિવરાત્રીની રાત્રે ટંકારાના એક શિવાલયમાં શિવલીંગ પર ધરાવેલો પ્રસાદ ખાવા માટે ઉંદરો દોડાદોડી કરતા હતા. ઉંદરો જ્યાંત્યાં મળમૂત્ર કરીને શિવલીંગને અપવિત્ર કરી રહ્યા હતા. આ જોઈને બાળ મૂળશંકર અત્યંત દુઃખી થયો. તેણે મહાશિવરાત્રીનું વ્રત ચુસ્તપણે અને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક રાખ્યું હતું, પણ શિવલીંગને અપવિત્ર થતું નિહાળીને બાળ મૂળશંકરની શ્રદ્ધા જડમૂળથી હચમચી ગઈ.
એ અરસામાં હિંદુ સમુદાય ખૂબ જ અવદશા, અધોગતિ અને ધર્મના નામે ઘણી સ્વાર્થી, પાખંડી ધર્મગુરુઓ, સાધુ, પુજારીઓ વગેરેની કુરિતીની જાળમાં અત્યંત આઘાતજનક રીતે સપડાયેલો હતો. દોરાધાગા, નજર લાગવી, વ્હેમ, શુકન-અપશુકન વગેરેના અંધવિશ્વાસ, અંધશ્રદ્ધામાં ગળાડૂબ ખૂંપેલો હતો. આ તક જોઈને ઈસાઈ પાદરીઓ અને ઇસ્લામ મૌલવીઓ ભારતના હિંદુઓની અજ્ઞાનતાનો, મૂર્ખાઈનો લાભ લઈ સીધા-સાદા, અજ્ઞાની, અણસમજ હિન્દુઓનું સહેલાઈથી ધર્મપરિવર્તન કરાવતા હતા.
મૂળશંકર આ બધું જોતાં ત્યારે તેમનો અંતરાત્મા કકળી ઉઠતો. આથી સાચા શિવની શોધમાં અને સત્યનું જ્ઞાન પામવા તેઓ શ્રેષ્ઠ સત્યજ્ઞાની ગુરુની શોધમાં નીકળી ગયા. સ્વામી પૂર્ણાનંદ સરસ્વતી પાસેથી દિક્ષા લઈ શુદ્ધ ચૈતન્ય મૂળશંકર ‘સ્વામી દયાનંદ સરસ્વતી’ કહેવાયા.
દયાનંદે થોડા ગુરુ કર્યા, તનતોડ તપશ્ચર્યા કરી. કેટલીય આકરી કસોટીઓમાંથી પસાર થયા પણ તેમને પૂર્ણ સંતોષ થયો નહીં. અને સાચા પૂર્ણજ્ઞાની ગુરુની શોધ કરતા તેમને ૩૬ વર્ષની ઉંમરે મથુરામાં રહેતા વયોવૃદ્ધ પ્રજ્ઞાચક્ષુ, વૈદિક જ્ઞાનસમ્રાટ સ્વામી વિરજાનંદજી ગુરુ પાસેથી સંપૂર્ણ વૈદોક્ત જ્ઞાન પ્રાપ્ત કર્યું. છેવટે વિદાય વેળાએ ગુરુ વિરજાનંદજીએ ગુરુદક્ષિણા માગતા કહ્યુંઃ ‘દયાનંદ, આ દુઃખી સંસારને વેદોનો સંદેશ આપો. કૃણ્વંતો વિશ્વમાર્યમ્ ભારત દેશને સ્વતંત્ર કરાવો, તમારી પાસેથી મને આ ગુરુદક્ષિણા જોઈએ છે.
આ પછી દયાનંદ સરસ્વતીએ ભારતના સમાજનો ગૌરવપૂર્ણ ઉત્કર્ષ કરવા સત્યપ્રચાર કાર્ય શરૂ કર્યું. એ જમાનામાં મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી ભારતના - આર્યાવર્તના પ્રથમ મહાક્રાંતિકારી સમાજ સુધારક હતા. ભારતને ‘સ્વરાજ્ય’ શબ્દ સર્વપ્રથમ સ્વામી દયાનંદે આપ્યો. વિરાટ માનવ મહેરામણને સંબોધતી વેળા તેઓ સિંહ જેવી ગર્જનાથી ભાષણ કરતા ત્યારે એમ લાગતું કે તેઓ ખરેખર સિંહ છે. મહર્ષિ દયાનંદ લોખંડી પુરુષ હતા એમ કહેવામાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી.
સમાજ સુધારણા માટે સ્વામી દયાનંદે કેટલાયે સૂચનો કર્યા, તેમાંના કેટલાક અંશોઃ
• ભારત દેશને પરદેશી રાજ્યશાસન, રાજ્યકર્તાઓની સત્તામાંથી મુક્ત - સ્વતંત્ર કરાવવો અને ભારતની રાષ્ટ્રીય ભાષા હિન્દી રાખવી.
• પુત્ર-પુત્રીઓને કેળવણી માટે સમાન તક આપવી.
• સતી પ્રથા, બાળવિવાહ, ગૌવધ, બલિ પ્રથા, આભડછેટ, નવજાત પુત્રી હત્યા વગેરે પર નિષેધ લાદવો - પ્રતિબંધ લાદવો.
• વિધવા થયેલી નિરાધાર બાલિકાઓને, સ્ત્રીઓને ફરીથી બીજા લગ્ન, પુનર્લગ્ન કરવાની છૂટ આપવી.
• મૂળ હિન્દુઓ કે જેમણે વિવશતાથી પરવશ થઈને ઈસાઈ કે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોય, પણ પછી તેમની ભૂલ સમજાતાં તેણે ફરી હિંદુ ધર્મ અપનાવવો હોય તો તેમની શુદ્ધિકરણ વિધિ કરી ફરીને હિન્દુ સમાજમાં અવશ્ય અપનાવી લેવા.
• અછૂત ગણી કોઈનો પણ બહિષ્કાર કરવો નહીં.
સ્વામીજીના સૂચનો ખરા અર્થમાં ક્રાંતિકારી હતા, પરંતુ તે સમયના ટૂંકી દૃષ્ટિવાળા સ્વાર્થી, ઘમંડી, પાખંડી, અજ્ઞાની, જોહુકમી પંડિતો, પુરોહિતો, ધર્માચાર્યો, ગુરુઓ, પૂજારીઓ અને કહેવાતા ઉચ્ચ વર્ગના અહંકારી લોકો પોતાની મમત છોડવા તૈયાર નહોતા. આ બહોળો વર્ગ તેમની નજરમાં અછૂત હલકી કોમ પ્રત્યે અત્યંત નિર્દય, અપમાન અને તિરસ્કારભર્યો વર્તાવ કરતો રહ્યો. પરિણામે અસંખ્ય અછૂતો - પીડિતો લાચારીથી ધર્મપરિવર્તન કરતો રહો. તો આ માટે જવાબદાર કોણ? હિંદુઓ જ ને?! અને આજ સુધી એ અત્યાચારો, કઠણાઈઓ, મુસીબતો વગેરે ભારતને નડે જ છે ને? સમસ્ત ભારત દેશમાં તકસાધુ વિધર્મી ધર્મગુરુઓ, પાદરીઓ જાળ ફેલાવીને બેઠા જ છે ને? અને કેટલીય લાલચોથી લોભાવી, આકર્ષી ભોળા અણસમજ અને કેટલાક તો વળી ભણેલા - સુધરેલા હિન્દુઓનું આજ સુધી ધર્મપરિવર્તન કરાવતા જ રહ્યા છે ને? આથી જ તો રોમન કેથલિકના એક સમયના પોપ – મૂળ પોલેન્ડ દેશના પોલીશ પોપ બેનડિક્ટે ભારતની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે ‘સમસ્ત ભારત દેશને ખ્રિસ્તી બનાવવાની હાલ આ સારી તક છે.’
કેટલાક ભણેલા સુધરેલા ઉચ્ચ વર્ગના હિન્દુઓ કે જેમણે ખ્રિસ્તી કે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાથી જાણે કે મોટી ધાડ મારી હોય, જાણે કોઈ પ્રશંસનીય કાર્ય કર્યું હોય એવો ગૌરવપૂર્ણ દેખાવ અને વર્તન કરી રહ્યા છે. આને તેમની અજ્ઞાનતા અને મૂર્ખાઈની ચરમસીમા જ ગણવી રહી.
મહર્ષિ સ્વામી દયાનંદજીએ કરેલી ‘સત્યાર્થ પ્રકાશ’ની રચનાથી વૈચારિક ક્રાંતિનું આંદોલન વેગીલું બન્યું. અનેક નવયુવકો વૈદિક ધર્મમાં દિક્ષિત થઈને સ્વસંસ્કૃતિ, સ્વરાજ્યના સંઘર્ષ માટે તૈયાર થવા લાગ્યા. તેમાંના થોડાક આ હતાઃ સ્વામી શ્રદ્ધાનંદ, પંડિત ગુરુદત્ત વિદ્યાર્થી, શ્યામજી કૃષ્ણવર્મા, પંડિત લેખ રામ, લાલા લજપતરાય, ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર વગેરે...
વિદેશી ઇસાઈ પાદરીઓ તથા નર્તકી નન્હીજાનના ષડયંત્ર-કાવત્રાથી મહર્ષિ સ્વામી દયાનંદજીને તેમના રસોઈયા જગન્નાથ મારફતે ત્રણ-ત્રણ વખત દૂધમાં ઝેર ભેળવીને અપાયું હતું. બે વખત તો સ્વામીજીએ યોગના પ્રયોગ દ્વારા શરીરમાંથી ઝેર કાઢી નાખ્યું, પણ ત્રીજી વાર વધુ કાતિલ ઝેર અપાયું હતું. તેથી સ્વામીજીના સમસ્ત શરીરમાં એ ઝેર ફૂટી નીકળ્યું. સ્વામીજીની આ સ્થિતિ જોઈને રસોઈયા જગન્નાથને પોતાની અજ્ઞાનતા અને મૂર્ખાઈભરી ભૂલ સમજાઈ. તેણે પોતાની ભૂલ કબૂલીને અત્યંત દુઃખી હૃદયે સ્વામીજીની માફી માંગી.
ક્ષમાસાગર અને નામ પ્રમાણે દયાના દરિયાદિલ દયાનંદજી કહ્યું, ‘જગન્નાથ! આ તેં શું કર્યું? વેદ પ્રચારનું મારું કાર્ય અધૂરું જ રહી ગયું! આ પૈસા લે અને બને તેટલો જલ્દી, તાબડતોડ અહીંથી ચાલ્યો જા નહીં તો અહીંના રાજા - રાજસ્થાન અજમેરના શાસક - તને મૃત્યુ દંડ આપશે.’
મુસ્લિમ ડોક્ટર અલી મર્દાનખાંએ ઇન્જેક્શન તથા અન્ય દવાઓ દ્વારા મહર્ષિજીના શરીરમાં વધારે વિષ પ્રવેશ કરાવી દીધો. અત્યંત અસહ્ય અને અતિકષ્ટદાયક સ્થિતિ હોવા છતાં શાંત અને પ્રસન્ન ચિત્ત યોગમુદ્રામાં મહર્ષિ દયાનંદજીને પ્રાણત્યાગતા જોઈને નાસ્તિક શિષ્ય યુવક ગુરુદત્તનું જીવન જ પલટાઈ ગયું. અને વૈદિક ધર્મનો દિવાનો પંડિત ગુરુદત્ત વિદ્યાર્થી કહેવાયો.
અસહ્ય વેદના અને અત્યંત કષ્ટદાયક સ્થિતિ છતાં મહર્ષિ દયાનંદજીને શાંતચિત્ત જોઈને ડોક્ટર લક્ષ્મીદાસે કહ્યું હતું કે ‘ધૈર્યનો આવો ધણી આ ધરતી પર મેં આજ સુધી નથી જોયો.’
સ્વામીજીએ મંત્રપાઠ કર્યો અને ‘ઓ...ઓ...ઓ...મ્’નો પ્રચંડ ધ્વનિ ગુંજાયમાન કરીને શ્વાસને સદાને માટે શરીર બહાર કાઢી નાખ્યો. ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર આ મહાન તેજસ્વી વિરક્ત સન્યાસીના અંતિમ શબ્દો હતાઃ ‘હે પ્રભો, તારી ઈચ્છા પૂર્ણ થાઓ!’ અને દિવાળીની અંધારી રાતે બ્રહ્મતેજના પ્રકાશપુંજ કિરણોથી ઝળહળતો દૈદીપ્યમાન, ચમકતો ભારત માતાનો તેજસ્વી સિતારો હંમેશને માટે અસ્ત થઈ ગયો!
ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીજીનું જીવન અમાનુષી અને અત્યંત હૃદયદ્રાવક ષડયંત્રથી ટૂંકાઈ ગયું ન હોત તો તેઓ આદર્શ ‘ભારત ભાગ્યવિધાતા’ અવશ્ય બની શક્યા હોત.
• જન્મઃ વિક્રમ સંવત ૧૮૮૧, મહા વદ દસમ, ઈસ્વી સન ૧૮૨૫, ૧૫ ફેબ્રુઆરી મનાય છે.
• જન્મસ્થળઃ મોરબી પ્રાંતના ટંકારા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કરશનજી ત્રિવેદીને ત્યાં.
• મહાપ્રસ્થાનઃ વિક્રમ સંવત ૧૯૩૯, આસો વદ અમાસ, દિવાળી - ઈસ્વી સન ૧૮૮૩, ૩૦ ઓક્ટોબર.
‘આર્ય સમાજ’નો અર્થ
‘આર્ય સમાજ’ બે શબ્દનો બનેલો છેઃ આર્ય + સમાજ.
આર્યનો અર્થ છે સુશિક્ષિત, સંસ્કારી, સુસંસ્કૃત, કેળવાયેલ શુદ્ધ સદાચરણ વાતો. જ્યારે સમાજ એટલે લોકોનો સમૂહ. સંસ્થા, વર્ગ.
અગાઉની ક્ષત્રિય, રજપૂત, રાણીઓ પોતાના પતિદેવોને ‘આર્યપુત્ર’ કહીને જ સંબોધતી હતીને?!
આર્ય સમાજ એ ધર્મ નથી. અમુક લોકોની આ બિલકુલ ખોટી માન્યતા છે. તદ્દન ખોટો ખ્યાલ છે.
અગાઉના ઋષિ-મુનિઓઓએ સખત સાધના, આકરી તપશ્ચર્યા અને ઊંડા અંતરધ્યાનથી અધ્યાત્મ જ્ઞાન મેળવી ‘વૈદિક ધર્મ’ સ્થાપ્યો હતો, અને એ પ્રમાણેની જીવનશૈલી અપનાવી હતી. એવી જ જીવનશૈલી, પ્રણાલિકા અને નિયમોનું જીવનમાં આચરણ કરતા લોકોનો સમૂહ-વર્ગ એ છે ‘આર્ય સમાજ.’
‘આર્ય સમાજ’ એ સમાજ નથી. તેથી આર્ય સમાજની વિધિથી લગ્ન કર્યા એમ કહેવું એ બિલકુલ – તદ્દન ખોટું છે. પરંતુ વૈદિક વિધિથી લગ્ન કર્યા એમ કહેવાય.
અગાઉ સિંધુ નદી અને ગંગા નદી વચ્ચેનો પટ ‘આર્યાવર્ત’ તરીકે ઓળખાતો હતો.
સૌથી પહેલા આર્ય સમાજ મંદિરની સ્થાપના મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ મુંબઈમાં ૧૦ એપ્રિલ ૧૮૭૫માં કરી હતી.


