અજ્ઞાનનાં અંધારાં ઉલેચનારઃ ધનાભાઈ વકીલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 04th July 2020 06:59 EDT
 

ગુજરાતમાં એક કહેવત જાણીતી હતીઃ ‘ઉતર્યા મહી તો થયા સહી’. મહી નદીનાં કોતરો પસાર કરો તો સહીસલામત રહો. આ કોતરોમાં માથાભારે લોકો સંતાઈને શાસકોની પરવા વિના કરવું હોય તે કરતા. આને કારણે બોરસદ તાલુકો જે મહીકાંઠાનું મથક તે બોરસદમાં અંગ્રેજ અમલમાં ફોજદારી વકીલોની બોલબાલા રહેતી. સરદાર પટેલ સફળ વકીલ તરીકે અહીંથી જાણીતા થયા હતા. એમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ અહીં વકીલ હતા. સરદારના એક સાથીદાર તે ધનાભાઈ વકીલ. સરદાર કરતાં સાત વર્ષ નાના. તેમણે મેટ્રિક પછી વકીલાતની પરીક્ષામાં ઝળહળતી ફત્તેહ મેળવી. આ પછી હાઈ કોર્ટની પરીક્ષામાં મુંબઈ રાજ્યમાં પ્રથમ નંબરે આવેલા. મુંબઈ રાજ્યમાં ત્યારે સિંધ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનનો કેટલોક ભાગ આવતો.

ધનાભાઈએ તે જમાનામાં કાયદા અંગે બે પુસ્તક લખેલાં. હાઈ કોર્ટના વકીલો તે પોતાની પાસે રાખતા અને ઉપયોગ કરીને ફાવતા. આવા ધનાભાઈ જાહેર જીવનમાં ના પડ્યા હોત તો ભારતના જાણીતા વકીલોમાં નામના હોત!
ધનાભાઈ પૈસાના પૂજારી ન હતા. તેઓ પ્રજાને બેઠી કરવા માગતા હતા. માનવતાના પૂજારી ધનાભાઈ રોગ મટાડનાર ડોક્ટર ન હતા. ફરીથી રોગ જ ના થાય તેવું કરવામાં માનતા હતા. કાયદાનો ઉપયોગ કરીને સરકારી અમલદારોથી તેઓ પ્રજાને બચાવવાને બદલે પ્રજાને સમર્થ, સજાગ અને જાણકાર બનાવવા ઝંખતા હતા. શિક્ષણ દ્વારા જ આ થઈ શકે એમ માનીને એમણે એમાં ઝંપલાવ્યું.
ભારતમાં ત્યારે બ્રિટિશ રાજ. સાતમા એડવર્ડનું અવસાન થતાં એમના સ્મારક માટે શોકસભા ભરાઈ. કાયમી સ્મૃતિ માટે એક હાઈસ્કૂલ કરવા એડવર્ડ મેમોરિયલ ટ્રસ્ટ રચાયું. ૧૯૦૮માં આ ટ્રસ્ટે એડવર્ડ મેમોરિયલ હાઈસ્કૂલ સ્થાપી. આ ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ સરદાર પટેલ હતા. સરદાર ત્યારે બોરસદમાં વકીલ હતા.
આ ટ્રસ્ટના પ્રમુખ તરીકે ૧૯૨૧થી ૧૯૨૫ અને ૧૯૩૦થી ૧૯૬૧ એમ કુલ ૩૫ વર્ષ ધનાભાઈ રહ્યા. આ હાઈસ્કૂલ મારફતે બોરસદ તાલુકામાં શિક્ષણ વિકસ્યું. ૧૯૨૧માં ગાંધીજીએ અસહકારની લડત જાહેર કરતાં, ગાંધીજીને માન આપવા પ્રમુખ ધનાભાઈએ સરકારી માન્યતા અને ગ્રાંટનો ત્યાગ કરીને હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં દેશદાઝ વિક્સાવી. નાણાંની મુશ્કેલી સર્જાતાં ધનાભાઈએ પોતાના પૈસા રોક્યા. પછી ખૂટતાં ઉછીને લઈને રોક્યા. પછી પણ નાણાં ખૂટતાં શિક્ષકોને સમજાવીને બાકી પગારે કામ લીધું. વખત આવ્યે શિક્ષકોને ચૂકવી દીધા.
ધનાભાઈ વકીલ પાછળથી ધનાકાકા તરીકે જાણીતા થયા. એ માત્ર વિદ્યાર્થી, શિક્ષકો કે બોરસદમાં જ નહીં પણ સમગ્ર બોરસદ તાલુકામાં વડીલ અને કાકા તરીકે જાણીતા અને માનીતા થયા. તેમનો અંગ્રેજી પરનો ગજબ કાબૂ હતો. અંગ્રેજી વ્યાકરણના અભ્યાસી હતા. શિક્ષકો અને વિદ્યાર્થીઓને કહેતા કે અંગ્રેજી વ્યાકરણમાં પાવરધા થાવ અને અંગ્રેજી બરાબર આવડશે તો ક્યાંય અથડાશો નહીં.
ધનાકાકાએ ૩૫ વર્ષ શિક્ષણનું સંચાલન કર્યું. તેઓ શિક્ષકોની સાથે સ્વજન બનીને વર્તતા. લગ્ન, મરણ, માંદગી બધામાં સહાયરૂપ થયા. તેમણે ક્યારે કોઈ શિક્ષકને નોકરીમાં છૂટા નથી કર્યાં.
તેઓ બ્રિટિશ કાયદા સુધર્યે સુખ નહીં આવે પણ શિક્ષણ હશે તો સુખ અને સુધારા આવશે એમ માનતા. તેમણે ઈ. એમ. ટ્રસ્ટનો વહીવટ લીધો ત્યારે માંડ ૨૫૦ વિદ્યાર્થીઓની હાઈસ્કૂલ હતી. તેમણે સગવડો, મકાનો વગેરે વધારતાં સંખ્યા વધી અને અનુગામીઓએ આર્ટ્સ, કોમર્સ અને બી.એડ. કોલેજો ઊભી કરી. તેમના મરણ પછી તેમની સ્મૃતિમાં ‘ધનાકાકા વકતૃત્વ સ્પર્ધા’ની ટ્રસ્ટે યોજના કરી. ગુજરાતની સંખ્યાબંધ કોલેજના વિદ્યાર્થીઓ એમાં ભાગ લે છે.
ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ અને દાંડીકૂચ વખતે એમનાં આગઝરતાં ભાષણોએ પ્રજામાં જુસ્સો પ્રેરીને લડતને મજબૂત કરી. વ્યવસાયે વકીલ, સ્વભાવે શિક્ષક એવા ધનાકાકાએ શિક્ષણ દ્વારા અજ્ઞાનનાં અંધારાં ઉલેચ્યાં. બ્રિટિશ શહેનશાહની સ્મૃતિમાં રચાયેલા ટ્રસ્ટના વડા બનીને એ ટ્રસ્ટ દ્વારા બ્રિટિશ રાજને વિદાય આપવામાં ભાગ લેનારા પેદા કર્યાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter