ભોપાલઃ આગામી શુક્રવાર - ૧૮ સપ્ટેમ્બરથી અધિક માસ શરૂ થઇ રહ્યો છે. અધિક માસ દર ત્રણ વર્ષે એક વાર આવે છે, પણ ૧૯ વર્ષ પછી અધિક આસો મહિનો આવ્યો છે એટલે કે આ વર્ષે બે આસો મહિના થશે. અગાઉ ૨૦૦૧માં આવો સંયોગ થયો હતો. આ અધિક માસમાં અનેક દુર્લભ યોગ બની રહ્યા છે જે વૈભવ-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનારા છે. આમ તો અધિક માસ ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની આરાધનાના મહિના છે પણ આ વખતે આસો મહિનો હોવાને કારણે તે લક્ષ્મીની કૃપા મેળવવાનો પણ મહિનો છે. આ રીતે આ મહિનો લક્ષ્મી અને વિષ્ણુ બંનેની આરાધનાનો છે.
આસો માસની પૂર્ણિમા લક્ષ્મીના પૃથ્વી પર આગમનની મનાય છે. તેને આપણે શરદ પૂર્ણિમા પણ કહીએ છીએ. આ કારણે આસો મહિનાને લક્ષ્મીની આરાધનાનો મહિનો માનવામાં આવે છે. હિન્દુ ધર્મગ્રંથો કહે છે કે અધિક માસમાં કરાયેલા જપ, તપ, વ્રત અને દાન અક્ષય ફળ આપે છે. આ મહિનામાં વિષ્ણુ સાથે લક્ષ્મીની પ્રસન્નતા માટે કરાયેલા ઉપાયો પણ અક્ષય ફળ આપે છે.
અધિક માસ શુક્રવારથી શરૂ થઇ રહ્યો છે અને આ દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રહેશે. કાશીના પંડિતોના મતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર તીવ્ર ફળ આપનારું હોય છે. આ નક્ષત્રમાં મહિનાની શરૂઆત શુભ અને ત્વરિત ફળ આપનારી રહેશે. ઉત્તરા ફાલ્ગુની સન્માન-સમૃદ્ધિ પણ ઝડપથી વધારે છે. અધિક માસમાં વૈભવ સંબંધિત કાર્ય ઝડપી પરિણામ આપનારાં રહેશે. તે સમયે શુક્લ નામનો યોગ પણ રહેશે. આ યોગ તેના નામની જેમ જ પ્રકાશ અને ઠંડક આપે છે. આ મહિનામાં સોના-ચાંદીથી લઈને મશીન અને વાહન ખરીદીના અનેક મુહૂર્ત અને શુભ યોગ બની રહ્યા છે.
અધિક માસના બીજા દિવસ - ૧૯મી સપ્ટેમ્બરે દ્વિપુષ્કર યોગ છે તો ૨૦મીએ સ્વાતિ નક્ષત્ર, ૨૧મીએ વિશાખા નક્ષત્ર રહેશે. ૨૬મીએ સર્વાર્થ સિદ્ધિ યોગ તથા ૨૭મી સપ્ટેમ્બરે કમલા એકાદશી છે. તેને લક્ષ્મીજીનો દિવસ કહેવાય છે. એકાદશી ભગવાન વિષ્ણુને પણ પ્રિય છે.
અધિક માસને ધર્મગ્રંથોએ વ્યાજનો સમય કહ્યો છે. તે એક વર્ષના ૧૨ મહિનામાં વધારાનો મળેલો સમય છે. તેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. ભગવાન વિષ્ણુને સૃષ્ટિના સંચાલક મનાય છે. તે ગૃહસ્થ જીવનના દેવતા છે. તે ગૃહસ્થોને જ સંપૂર્ણ વૈભવ આપે છે.
(અધિક માસના પ્રારંભે વાંચો વિશેષ લેખઃ ‘અધિક માસના અધિષ્ઠાતા ભગવાન પુરુષોત્તમ’ - પાન ૨૮)