અનુભવ અને ઉત્સાહનો સમન્વય થયો તો સમજો સોનામાં સુગંધ ભળી

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 19th October 2021 00:53 EDT
 

અનુભવ અને ઉત્સાહ વચ્ચે શું ફરક? શું જે સફળતા અનુભવથી મળે તે ઉત્સાહથી મળી શકે ખરી?

કેટલાક લોકો અનુભવથી કસાયેલા હોય છે અને તેના આધારે જે આવડત વિકસાવી હોય તેનો સાથ લઈને દરેક કામ કરે છે. કામ કરતાં કરતાં વધારે શીખે છે અને પોતાના કામમાં પાવરધા બને છે. કારીગરો આ પ્રકારે પોતાનો ધંધો અનુભવ અને આવડતથી ચલાવે છે. કડિયો મકાન ચણવામાં પોતાનો અનુભવ વાપરે છે. મિસ્ત્રી ફર્નિચર બનાવવામાં પોતાની વર્ષોની આવડતનો નિચોડ લગાવે છે. સોની ઘરેણાના ઘાટ કારીગરીના અનુભવથી આપે છે. દરેક વ્યવસાયીનો હાથ અનુભવથી જ સાફ થાય છે અને તેની અસર તેના કાર્યમાં જોવા મળે છે. વર્ષોથી જે વ્યક્તિ એક કામ કરતો હોય તેના હાથમાં એક ફાવટ અને સફાઈ આવી ગઈ હોય છે. તેનું કરેલું કામ નવશિખીયાના કરેલા કામ કરતા અલગ તરી આવે છે.
તેવી જ રીતે ઉત્સાહી વ્યક્તિ એવી ઝડપથી કામ પૂરા કરી નાખે છે કે લોકોને માનવામાં જ ન આવે. એક માણસ કામ કરવું પડતું હોય એટલે કરતો હોય અને બીજો પોતાના ખંત અને ઉત્સાહથી કરતો હોય તો તેમના બંનેના કામના પરિણામમાં ઘણો ફરક હોય છે. જે કામને જવાબદારી સમજીને, પોતાની મજબૂરીથી કરવામાં આવે તેમાં અંગત ગરિમા ઉમેરાતી નથી, પરંતુ જે શોખ અને ઉત્સાહથી કામ કરે છે તેનો પોતાનો રસ પણ સામેલ હોવાથી કામનું પરિણામ ઉત્તમ આવે છે. આવી ઉત્સાહી વ્યક્તિમાં અનુભવની કમી હોઈ શકે, તેની પાસે પૂરા સંશાધનો ન હોય તેવું બને, તેની પાસે જરૂર હોય તેટલા ઉપકરણો પણ ન હોય તેમ છતાંય તે કામ કરી બતાવે છે. જયારે આખી દુનિયા કહેતી હોય કે આ રીતે કામ ન થાય ત્યારે પણ જે પોતાના ખુદના ઉત્સાહ અને ખંતને કારણે કામ કરી બતાવે તે વ્યક્તિ અલગ જ હોય છે.
બંને પ્રકારની વ્યક્તિઓમાં લાક્ષણિક તફાવત હોય છે. જે વ્યક્તિ કામ અનુભવના આધારે કરે છે તેના મગજમાં કેટલાક નિયમો નિશ્ચિત થયા હોય છે. તેણે વર્ષોના અનુભવથી શીખ્યું હોય છે કે કામ કરવાનો સાચો તરીકો શું છે અને એટલા માટે તે અમુક પ્રકારે જ કામ કરશે. તેને બીજી કોઈ રીતે કામ કરવાનું કહેશું તો તે કદાચ ના કહી દેશે. તેની નિષ્ફળ જવાની શક્યતા ઓછી છે. પરંતુ ઉત્સાહી વ્યક્તિને આવો અનુભવ હોતો નથી. તેણે કામ પહેલા કર્યું હોતું નથી એટલે કોઈ ટ્રાયલ અને એરરના પાઠ ભણ્યા હોતા નથી. તે જે કઈ કરે છે તે ખંત અને મહેનતથી સફળ થવાની ઉમ્મીદમાં કરે છે અને પરિણામે નવી રીતે પણ કામ કરી શકે છે. જોકે તેના નિષ્ફળ જવાની શક્યતાઓ પણ વધારે હોય છે, પરંતુ તે સમય અને પરિણામના પરિમાણોને બદલી શકે છે. તે નિશ્ચિત સમય કરતાં ઘણા ઓછા વખતમાં પરિણામ આપી શકે છે. તે અત્યાર સુધી ચાલતું આવ્યું હોય તેના કરતા અલગ પરિણામ લાવી શકે છે.
એકંદરે જોઈએ તો અનુભવ અને ઉત્સાહ બંનેની પોતપોતાની ખાસિયતો છે અને વ્યક્તિના અનુભવથી કોઈ કામમાં ચોક્કસાઈ અને નિયતતા સ્થાપિત થાય છે જયારે ઉત્સાહથી પરંપરાગત નિયમો અને માન્યતાઓ બદલાય છે અને નવા ઉકેલ પ્રાપ્ત થાય છે. જો અનુભવ અને ઉત્સાહ બંનેનો સમન્વય થઇ જાય તો કેવું ઉત્તમ પરિણામ આવે? અપ્રતિમ. આવું નિરાકરણ લાવવા માટે દરેક અનુભવી વ્યક્તિની સાથે કેટલાક ઉત્સાહી વ્યક્તિઓને જોડીને એક ટીમ બનાવી શકાય. આ ટીમ વરિષ્ઠના અનુભવથી આગળ તો વધે પરંતુ તેની મર્યાદાઓના વશમાં ન થાય. ઉત્સાહી લોકો આ મર્યાદાઓને દૂર કરે અને પરિણામને વધારે વિશેષ રીતે સફળ બનાવે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter