અભેદ માર્ગના આરાધકઃ જાનકીદાસ મહારાજ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Sunday 26th April 2020 05:44 EDT
 

સાક્ષર નગરી તરીકે નામના પામનાર નડિયાદ ભારત, અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને આફ્રિકાના સંખ્યાબંધ દેશોમાં સંતરામને કારણે વધારે જાણીતું થયું. મોટા ભાગના ધર્મસંપ્રદાયો જૂથબંધીથી પર નથી. મારા - તમારા ભેદભાવથી પર નથી. સંતરામ મંદિર નડિયાદ, તેની ગુજરાતમાં કેટલાક અન્ય સ્થળે પણ ગાદી. સંતરામની ગાદી અભેદભાવની આરાધક છે. આ ભક્ત મારા, બાકી બીજાના એવું ક્યારેય અહીં થતું નથી. માણસ માટે જ નહીં, પશુ-પંખી પર પણ એવો જ પ્રેમ એ સંતરામ મહારાજની વિશિષ્ટતા. આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં સંતરામના ગાદીપતિ જાનકીદાસજી મહારાજનું મહત્ત્વનું પ્રદાન છે.
૧૮૮૮માં જન્મેલા જાનકીદાસજીનું પૂર્વ જીવનનું નામ મંગળદાસ લલ્લુભાઈ પટેલ અને મૂળ વતન કરમસદ. ગામ છોડીને નાની વયથી તે નડિયાદ સંતરામ મંદિરમાં વસ્યા અને સમર્પિત સેવાથી ત્યારના ગાદીપતિ મહંત મુગટરામજીએ પ્રસન્ન થઈને તેમને દીક્ષા સમયે જાનકીદાસ નામ આપ્યું. પિતાંબરદાસ પંડિત સાથે નવદિક્ષીત જાનકીદાસ પ્રયાગના કુંભમેળામાં ગયા. ત્યાંથી ઉત્તર ભારતમાં ઠેર ઠેર ફરીને સિંધમાં ગયા. પછી કનખલમાં ત્રણ વર્ષ રહીને ઈશાવાસ્ય ઉપનિષદ, ગીતા અને લઘુકૌમુદીનો પૂર્વાર્ધ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. જોકે, એમનો વધુ રસ શ્રવણ અને આચરણમાં હતો. અહીંના આશ્રમની ગૌશાળા સંભાળતા. વિદ્યાર્થીઓ વચ્ચે મતભેદ નિવારતા અને સતત મહેનત કરતા. અજાચકવ્રત લીધેલું હોવાથી કોઈની પાસે માંગતા નહીં. શેરઠીનો સાંઠો ખાવાનું મન થયું પણ અજાચકવ્રતી હોવાથી અંતે ગાયોના ઘાસના પૈસામાંથી પોતાના નામે એક પૈસો લખીને લીધો અને સાંઠો ખાધો. વર્ષો પછી સંતરામના ગાદીપતિ થયા ત્યારે તેમણે તે પૈસાને બદલે એક હજાર રૂપિયા મોકલાવેલા.
આશ્રમમાં ‘ચાણક્યનીતિ’ પુસ્તક જોયું. ખરીદવા પૈસાના અભાવે સમગ્ર પુસ્તકનો સુંદર અક્ષરે ઉતારો કર્યો. આ પુસ્તકમાં અંતે તારીખ લખી ૧૫-૬-૧૯૧૮. આ પુસ્તક સંતરામ મંદિર-નડિયાદમાં છે.
દસ દસ વર્ષ તેમણે ઉત્તર ભારતમાં તીર્થાટન કર્યું અને ૧૯૨૦માં નડિયાદ પાછા આવ્યા ત્યારે સંતરામની ગાદી ખાલી પડતાં તેમને ગાદીપતિ બનાવાયા.
જાનકીદાસજીના સમયમાં સંતરામ ગાદીની પ્રતિષ્ઠા ખૂબ વધી. ગીતાના પ્રચાર માટે તે જમાનામાં શ્લોક મોંએ કરનારને તે શ્લોક દીઠ બે પૈસા તો ક્યારેક ચાર પૈસા આપતા. ૧૯૩૨માં તેમણે સંતરામ મંદિરનો પ્રથમ શતાબ્દી મહોત્સવ ઊજવ્યો. જેમાં ઉપનિષદ, અઢાર પુરાણો, રામાયણ, મહાભારત અને ભાગવતના પારાયણો યોજ્યાં. તેમાં ભારતભરના વિદ્વાનોને આમંત્ર્યા. જ્ઞાનસત્રો યોજીને તેમણે ગુજરાતમાં ધાર્મિક વિચારનો મહાનાદ રેલાવ્યો. સતત ત્રણ વર્ષ આ પ્રવૃત્તિ ચલાવી.
૧૯૨૦થી ૧૯૬૭ સુધી જાનકીદાસજીએ મહંતપદ દરમિયાન એકલા સંતરામ મંદિરનો જ નહીં પણ સમગ્ર નડિયાદનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિ કરી. મંદિર તરફથી દવાખાનાની સવલત કરી. અવારનવાર નેત્રયજ્ઞો અને રોગનિદાન યજ્ઞો યોજ્યા. તેમણે કરેલી આ શરૂઆત પછીથી ચાલુ રહી અને સમગ્ર ગુજરાતમાંથી લાભ લેનારા દર્દી આવતા થયા. મંદિર બધાને વિના ખર્ચે રાખે, જમાડે અને ઉપચાર કરે.
૪૦ ઓરડીઓનું વિદ્યાર્થીગૃહ બનાવ્યું જેમાં માત્ર લાઈટબીલ આપીને બહારગામના વિદ્યાર્થીઓ ભણી શકે. આવા વિદ્યાર્થીઓએ નડિયાદ સંતરામ મંદિરની યશપતાકા ફેલાવવામાં ભાગ ભજવ્યો. નડિયાદ મ્યુનિસિપાલિટીને પ્રાથમિક શાળા અને કન્યા શાળા બાંધીને ભેટ આપી.
શિક્ષણ, જ્ઞાન, આરોગ્ય અને ધર્મક્ષેત્રે એમની પ્રવૃત્તિઓએ સમાજની આધ્યાત્મિક, નૈતિક અને શારીરિક તંદુરસ્તી વધારી. જાનકીદાસજીને મન સમાજ એટલે સૌ માનવીઓ. તેમાં ધર્મમાન્યતા, જાતિનો ભેદ નહીં. ભેદભાવ વિના સૌ સરખા. મંદિરમાં આવતી ચીજવસ્તુઓ જરૂરિયાતવાળા માટે વપરાય તેમ કરતા. પોતે કરકસરથી જીવતા. દરેક પૈસો યોગ્ય રીતે વપરાય તે જોતાં.
જાનકીદાસજીનું બીજું મોટું કામ સંતરામ મંદિરમાં વિના નફે, લગ્નપ્રસંગે ચોરી, ચંદરવો, પાટલા, લગ્નનાં વાસણો, ખુરશી અને અન્ય સામાન પૂરો પાડવાની યોજના છે. ગરીબો માટે અત્યંત નામમાત્રના દરે ભોજનવ્યવસ્થા કરતા હતા.
બીજું કામ જે અભેદમાર્ગની આરાધના જેવું તે રાજકીય પક્ષભેદ વિના, નાતજાતના ભેદ વિના ચૂંટણી પ્રસંગે મંદિરના ચોગાનમાં સભા ભરવાની છૂટ. પછી એ કોંગ્રેસ, જનતા પરિષદ કે સ્વતંત્ર પક્ષ હોય. આવી જ રીતે જ્ઞાનવિજ્ઞાનની સભા કે પરિસંવાદ માટે રહેવા અને જમવાની સગવડ મંદિર આપે.
સંતરામ મંદિરને સાર્વજનિક અને જનઉપયોગી બનાવનાર જાનકીદાસજી ધર્મસંસ્થાઓ માટે અનુકરણીય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter