આત્મવિશ્વાસ માટે અનિવાર્ય છે સ્વમાનનું જતન

આરોહણ

રોહિત વઢવાણા Monday 27th July 2020 07:50 EDT
 

આત્મવિશ્વાસ માટે વ્યક્તિનું સ્વમાન જળવાઈ તે જરૂરી છે. સંબંધોની માયાજાળમાં ઘણીવાર એવું બને કે કોઈ આપણી કદર કરવાનું, તમારા મહત્ત્વને સમજવાનું ભૂલી જતા હોય. તે આપણને ‘ફોર ગ્રાન્ટેડ’ લેતા હોય તેવું બની શકે. આમ તો સમજમાં આવી જવું જોઈએ કે આપણી સાથે સંબંધ રાખનાર કોઈ વ્યક્તિને આપણી લાગણીનો અહેસાસ નથી અથવા આપણી જરૂરિયાત નથી. પરંતુ કેટલાક સંકેત નિશ્ચિત રીતે આપણને બતાવે છે કે સંબંધની ગરિમા જળવાઈ નથી. આ સપ્તાહાંત માટે એક વિશ્લેષણાત્મક પ્રવૃત્તિ આદરીએ અને કેટલાક પરિમાણોથી ચકાસીએ કે કોઈ આપણને ‘ફોર ગ્રાન્ટેડ’ તો નથી લઇ રહ્યું ને? નીચે દસ પેરામીટર્સ આપ્યા છે. દરેક પરિમાણને એક એક પોઇન્ટ આપીને તમારા દરેક સંબંધોને ચકાસો.

૧) તમારી સાથે સહજ આદરભાવવાળું વર્તન ન કરવામાં આવતું હોય તેવું જણાય તો સમજવું કે પ્રથમ સંકેત મળી ચુક્યો છે.
૨) તમને પોતાના જીવનની અંગત બાબતોમાં સામેલ ન કરે અને તમારી અંગત બાબતોથી બેનિસ્બત રહે તે બીજો સંકેત ગણી શકાય.
૩) સમય આવે ત્યારે તમારી પાસે પ્રયત્ન કરાવે, પરંતુ પોતાના તરફથી કોઈ પ્રયત્ન ન કરે તો સમજવું કે તેમને સંતુલનવાળા સંબંધમાં રસ નથી.
૪) તમને વફાદાર ન હોય, તમારી પીઠ પાછળ તમારા અંગે વાતો કરે અને ખરાબ બોલે તો નિશ્ચિતપણે જ તમારું મહત્ત્વ અને મર્યાદા જળવાયા નથી તેમ સમજવું.
૫) એવા પ્રયત્નો કે પ્રવૃત્તિ કરે કે જેથી તમારું સ્વમાન ઘવાય અને આત્મવિશ્વાસ નબળો પડે તો તેવી વ્યક્તિથી તરત જ દૂર થઇ જવું સારું.
૬) તમારી લાગણીઓનો ફાયદો ઉઠાવીને તમારી પાસે પોતાનું કામ કઢાવે અથવા તમારું શોષણ કરે.
૭) તેમની પ્રાથમિકતામાં તમારું નામ ક્યાંય દેખાતું ન હોય, તેમના વર્તનમાં પણ તમને કોઈ પ્રાથમિકતા ન મળતી હોય તો ચેતી જવું જોઈએ.
૮) તમારી જરૂરિયાતો કે ઈચ્છાઓ માટે તેમના તરફથી કોઈ ઉત્સાહિત પ્રયત્ન ન દેખાય તો તેનાથી વધારે સ્પષ્ટ સંકેત મેળવવાની રાહ ન જોશો.
૯) તમારા મતને સમજવાનો પ્રયત્ન કર્યા વિના, તમારા અભિપ્રાયને નકારી કાઢે અને દલીલબાજી કરે તો તેને ફ્રેન્ક ડિબેટ નહિ પરંતુ અવગણના જ કહી શકાય.
૧૦) તમારી સલાહ ક્યારેય ન લે, અને તમે કોઈ મંતવ્ય આપો તો તેનાથી ઉલટું જ કરે અને તમારી ક્ષમતાને નકારે.
આ ૧૦ પરિમાણો પર તમારા સંબંધોને એક વાર ચકાસી જુઓ કે તેઓ કેટલા પોઇન્ટ મેળવે છે? જેના પોઇન્ટ પાંચથી વધારે થાય તે નિશ્ચિત રીતે જ તમારી કદર કરતા નથી તેવું કહી શકાય. દરેક સંબંધોમાં કઈંક સારું-ખરાબ હોય. પરંતુ જો ઉપર જણાવેલા સંકેતો પૈકી પાંચથી વધારે સંકેત કોઈ સંબંધમાં દેખાતા હોય તો તેના અંગે ફરીથી વિચારવા જેવું છે. જો સામેવાળી વ્યક્તિ કોઈ જ રીતે બદલવા અને તમને સમાન સ્થાન આપવા તૈયાર ન હોય તો તમારે જલ્દી નિર્ણય કરી લેવો જોઈએ કે લાગણી, શરીર, સમય અને સંપત્તિની બાબતમાં શા માટે પોતાનું શોષણ થવા દેવું? (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter