આપણો સાંસ્કૃતિક વારસોઃ જેટલું સમજાય અને સચવાય તેટલું સારું

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 06th July 2021 05:14 EDT
 

વાર્તા રે વાર્તા

ભાભો ઢોર ચારતાં
ચપટી બોર લાવતા
છોકરાવને સમજાવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભીંસાણો
કોઠી પડી આડી
છોકરાએ રાડ પડી
અરરર માડી...

સાંભળ્યું છે નાનપણમાં આ બાળગીત? કેવા સુંદર અને સરળ ગીત સાંભળીને આપણે મોટા થઇ ગયા અને તેની મૃદુતા, સહજતા હજી પણ આપણા મનમાં ક્યાંક પડી હોય છે. આમ તો દરેક પેઢીના પોતાના બાળગીત હોય છે અને તેમાં તેમને મજા આવે છે. આજના જમાનામાં યુકેમાં ઉછરતા છોકરાઓ માટે કદાચ ગુજરાતી બાળગીતોનું મહત્ત્વ ન પણ હોય અને કદાચ ગુજરાતમાં ઉછરતા બાળકો માટે પણ આ 'વાર્તા રે વાર્તા' બહુ જૂનું થઇ ગયું હોય અને તેમને શીખવવામાં ન આવતું હોય તેવું બને. પરંતુ આ નોસ્ટાલજીએ એટલે કે જુના સમયની યાદો તાજી કરીને કેટલો આનંદ થાય છે નહિ?
ભાભાનું પણ ગામડાઓમાં ખુબ મહત્ત્વ હતું. ચોરણી અને આંગડી પહેરેલા ભાભાઓ કાંખમાં લાકડી ભરાવીને, ખંભે ધાબળો નાખીને ભેંસો ચરાવતા 'ઓહે, ઓહે' કરતાં ગામના સીમાડાઓ પર ફરતા દેખાતા અને ગામમાં આવે ત્યારે ખોંખારો ખાતા ખાતા પ્રવેશતા. અડધા ગામની બાયું તો તેમની લાજ કાઢતી હોય એટલે તેમણે તો ખોંખારતા ખોંખારતા નીચા ઘાલીને ચાલ્યા આવવાનું થાય. તેઓ જેવા ગામમાં પ્રવેશે કે તરત જ નવી વહુઓ લાંબી લાજ કાઢીને ઘરમાં ઘુસી જતી અને ભાભા પોતાની મૂછોને તાવ દેતા દેતા 'હે રામ રામ, રામ રામ' કરતા આગળ વધતા. વચ્ચે વચ્ચે ગાય કે ભેંસને સીધી ચલાવવા કાંઇક અવાજ કરતા જાય.
યુકેમાં પણ ગામડાઓ તો છે પણ ક્યાંય આવા વાર્તા કહેવા વાળા ભાભાઓ જોવા મળે છે ખરા? કોઈએ પોતાના બાળકોને કે પૌત્ર-પૌત્રીઓને આવી જૂની વાર્તાઓ કે બાળગીતો સંભળાવ્યા છે? કેટલાય લોકો યુકેમાં આફ્રિકા થઈને આવેલા. શક્ય છે તેઓએ આફ્રિકાની સંસ્કૃતિમાંથી આવી બાળવાર્તાઓ અને બાળગીતો શીખ્યા હોય અને બાળકોને શીખવ્યા હોય. પરંતુ આ આપણો સાંસ્કૃતિક ખજાનો ખરેખર અનમોલ છે અને તે સમય સાથે વિસરાઈ રહ્યો છે. કોઈએ મહેનત કરીને આવા સમયના વહેણમાં ખોવાઈ ગયેલા સરસ રત્નો શોધીને, તેમને મજબૂત દોરીમાં પરોવીને માળા બનાવીને સાચવી લેવા જોઈએ. ક્યારેક ક્યારેક આવા જૂના અને ગુજરાતની સંસ્કૃતિની યાદ અપાવતા મણકાઓને સંભારવા પારિવારિક કાર્યક્રમો યોજવા જોઈએ.
જોકે ક્યારેક એવું બને કે નવી પેઢીને આ બધી બાબતોમાં રસ ન પડે પરંતુ જેટલું સમજાય અને સચવાય તેટલું ખરું તેવું વિચારીને પણ પ્રયત્ન કરવામાં કંઈ ખોટું નથી. શક્ય છે કે નવી પેઢીના બાળકોને આવા જૂના જમાનાના ગીતો કે વાર્તાઓ સાંભળવા જઈએ તો તૈયાર ન થાય પરંતુ તેમનું એક ગીત સાંભળીએ અને આપણું જમાનાનું એક ગીત તેને સંભળાવીએ તો આવી આપ-લે વાળી રમત કદાચ તેમને ગમે. ગુજરાતમાં પણ આવી કેટલીક ઝુંબેશો ચાલી રહી છે અને લોકો પોતપોતાની રીતે પ્રયત્નશીલ છે. જે રીતે અહીં ગુજરાતની ગરીમા ધમધમતી જોવા મળે છે તે જોતા લાગે છે કે અહીંના લોકોએ પણ આવા પ્રયત્નો કર્યા હશે.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકનાં અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter