આશાભર્યા માહોલમાં જીવવાની તક ફરી એક વાર મળી છે તો જરા સંભાળી લઇએ

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 13th April 2021 04:41 EDT
 

આ સપ્તાહની શરૂઆતથી રેસ્ટોરન્ટ, પબ, જિમ અને એવી બીજી સેવાઓ શરૂ થઇ ગઈ. સોમવારથી જ રસ્તામાં ચાલતા બંને બાજુની પગદંડીઓ પર રેસ્ટોરન્ટ્સની બહાર ખાણીપીણીના ટેબલ-ખુરસીઓ ગોઠવાઈ ગયા હતા. પબની બહાર લોકો બિયરના મગ લઈને મિત્રો સાથે જોવા મળ્યા. લોકોમાં ઉત્સાહ અને આશા દેખાઈ રહ્યા હતા. રસીકરણ સારી રીતે ચાલ્યું અને તબક્કાવાર ખોલવામાં આવેલા લોકડાઉનને સરકારે ઉલટાવી ન શકાય તેવું - અફર ગણાવ્યું હોવાથી હવે કદાચ લોકોમાં ડર ઘટ્યો છે. ખાસ કરીને મોટી ઉંમરના કે નબળી તબિયત વાળા લોકોને સૌને રસીના એક-એક ડોઝ (કેટલાકને તો બે ડોઝ) મળી ગયા હોવાથી હવે ચિંતા ઓછી થઇ ગઈ છે. આવા આશાભર્યા માહોલમાં જીવવાની તક ફરીથી એક વાર મળી છે તો તેને સાંભળીને વાપરીએ, લાપરવાહી ન વર્તીએ અને માસ્ક તથા સોશ્યિલ ડિસ્ટન્સિંગ દ્વારા સુરક્ષિત રહીએ તે પણ જરૂરી છે. ભારતમાં તો કોરોનાના કેસ રાફડામાંથી કીડિયારું નીકળે તેમ વધી રહ્યા છે અને તેને કારણે સ્થિતિ કથળી ગઈ છે. લોકોમાં ફરીથી ભય પેઠો છે અને સરકારે પણ કેટલાય સ્થળોએ રાત્રી કરફ્યુ, મેળાવડા પર પ્રતિબંધ અને એવા બીજા કેટલાક નિયમો લાગુ કર્યા છે. સ્થિતિ ફરીથી કાબુમાં લેવા પુરા પ્રયત્નો થઇ રહ્યા છે અને આશા રાખીએ કે જલ્દીથી બધું સારું થઇ જાય.

પરંતુ આ સપ્તાહ દરમિયાન લોકોનો ઉત્સાહ અને આનંદ જોઈએ તો એક વાતનો અહેસાસ જરૂર થાય કે લોકો બહાર નીકળવાની, મિત્રોને મળવાની અને રેસ્ટોરન્ટમાં જવાની એવી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે મોટા ભાગના રેસ્ટોરન્ટ્સ બુક થઇ ગયા છે અને ટેબલ મળતાં નથી. લોકોને કેટલાય દિવસ સુધી ન મળ્યાનો વસવસો હવે પૂરો થઇ રહ્યો છે. ડોપામાઈન નામનું એક કેમિકલ હોય છે આપણા મગજમાં સ્ત્રવે છે ત્યારે ખુશી અને આનંદનો અનુભવ થાય છે. આ કેમિકલનો સ્ત્રાવ ખોરાક ખાતી વખતે, કોઈ કર્યા પૂરું કરવાથી, પોતાની સારસંભાળ કે કાળજી લેવાથી કે પછી જીવનના નાના નાના પડાવોને પાર કરવાથી થાય છે. આ બધી પ્રવૃતિઓ ડોપામાઇનનો સ્ત્રાવ મગજમાં કરે છે અને આપણને આનંદની, ખુશીની લાગણી આપે છે. આ સમય લગભગ એવો જ છે કે બહાર જે લોકો ભોજનનો, મળવાનો કે પછી જીમમાં જવાનો આનંદ માણી રહ્યા છે તેમના મગજમાં જરૂર ડોપામાઇનનો સ્ત્રાવ થતો હોવો જોઈએ.
કેટલાક લોકોના તો અધૂરા કામ હવે પુરા કરવાની તક મળી હશે. જેમ કે કોઈને વાળ કપાવવાના હતા તો હવે સલૂન ખુલશે અને તેઓ પોતાના કેશને કપાવી શકશે. કોઈની કાર ધોવાની બાકી હશે અને હેંડ કાર વોશ બંધ હોવાને કારણે ધોવાની નહિ હોય તો હવે તેમની ગાડીને પણ હાથેથી ઘસી ઘસીને, સાબુ અને શેમ્પુથી નાહવા મળશે. શક્ય છે કદાચ તેમની ગાડીને પણ પોતાની કાળજી લેવાતી હોવાની ભાવના જાગે અને ગાડી પણ ડોપામાઇનનો સ્ત્રાવ કરીને ખુશ થાય! જીમમાં જઈને લોકો લોઢા ઉઠાવી શકશે અને પોતાના ઢીલા પડી ગયેલા સ્નાયુઓને ચુસ્ત બનાવશે. કેટલાક લોકોના શરીરમાં વધી ગયેલા પાંચ-સાત કિલો વજનને ઘટાડવા માટે તેઓ પણ હવે જીમના પગથિયા ચડશે. સ્વિમિંગ પૂલનો ઉલ્લેખ તો રહી જ ગયો. એવું નથી કે લોકો લોકડાઉનમાં નહાતા નહિ હોય, પરંતુ હવે તો સ્વીમિંગપુલના ધુબાકા પણ શરૂ થઇ જશે.
આખરે લોકડાઉન ખુલવાથી, રસીકરણની ઝડપ વધવાથી અને બહાર આવવા જવાની છૂટછાટ વધવાથી લોકોમાં ખુશી, આનંદ અને સકારાત્મકતાની લાગણી આવી છે તે ખરેખર જ આવકાર્ય છે. કેટલાય લોકોને ઘરમાં બેસી બેસીને પરિવારમાં વિવાદો ઉભા થયા હશે તે પણ હવે હળવા થશે અને ધીમે ધીમે લોકોના તન દૂર થવાથી - થોડી વાર ઘરની બહાર નીકળો એ રીતે - તેમાં મનદુઃખ ઓછા થઇ જશે તેવી આશા રાખી શકીએ. તો સૌને અનલોકના આ નવો તબક્કો મુબારક અને સૌ ખુશીથી અને તેમ છતાંય સાંભળીને તેનો આનંદ માણે તેવી શુભેચ્છા. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter