કોન્ફિડન્સ સાઇલન્ટ હોય છે પણ ઈનસિક્યુરિટી લાઉડ હોય છેઃ માનવસહજ મર્યાદાઓથી બચવા માઇન્ડને ટ્રેઇન કરવું જરૂરી

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 06th April 2021 04:31 EDT
 

કેટલીયવાર જીવનમાં આપણે અસલામતી અને ઈનસિક્યુરિટી અનુભવીએ છીએ અને તેનું કારણ એ હોય છે કે બીજું કોઈ આપણા કરતા આગળ નીકળી ગયું હોય છે અથવા તો નીકળી જવાનો ડર હોય છે. ક્યારેક આપણે ઈચ્છી હોય તેવી પરિસ્થિતિ ન સર્જાય, ધાર્યું પરિણામ ન મળે, પરિવાર કે ઓફિસમાં આપણી અપેક્ષા પ્રમાણે ન ચાલતું હોય ત્યારે આવી ઈનસિક્યુરિટી ઉભી થાય છે. આ અસલામતીને કારણે આપણને ઇંટિમિડેશન - ડર, ધાકધમકી જેવો અનુભવ થાય છે. આવા ઈનસિક્યુરિટી અને ઇંટિમિડેશનથી આપણી રાતની ઊંઘ ઉડી જાય, આપણી માનસિક શાંતિ ખોરવાય જાય અને આપણે કોઈક રીતે નાસીપાસ થઈએ, નિરાશ થઈએ તેવું ઘણી વાર બનતું હોય છે.

એક વખત મહેન્દ્રસિંહને પોતાની ટ્રાન્સફર થવાના સમયે ખુબ નકારાત્મક વિચારો આવતા હતા. ખબર નહિ હવે ક્યાં બદલી થશે. પોલીસની નોકરી અને તેમાં પણ જો કોઈ નાના સ્થળે બદલી કરી નાખી તો છોકરાઓના ભણતરનું શું થશે તેની ચિંતા તેમને સતાવી રહી હતી. બદલીનો સમય આવ્યો ત્યારે સૌની સાથે તેમને પણ ફોર્મ ભર્યું અને પોતાની પસંદગીની જગ્યાઓ દર્શાવી. આમ તો વહીવટી વિભાગ નક્કી કરે ત્યાં જવું પડે પરંતુ તેમ છતાંય નવા અધિકારી સૌ પાસેથી તેમની પસંદગી પૂછી લેતા. મહેન્દ્રસિંહને પોતે માંગેલી જગ્યા પૈકીની એક મળી ગઈ, પરંતુ તેમના બીજા સાથીને તેનાથી સારી જગ્યા મળી એટલે મહેન્દ્રસિંહ પોતાની પસંદગી મળ્યાના આનંદ કરતા બીજા કોઈને મળેલી સારી જગ્યાને લીધે આખી સ્થિતિનું વિશ્લેષણ ફરીથી કરવા મંડ્યા. તેને શા માટે આટલું સારું પોસ્ટિંગ મળ્યું? મને તો ત્યાં ન આપ્યું. પણ તેઓ એ ભૂલી ગયા કે પોતે ત્યાં ટ્રાન્સફરની અરજી કરી જ નહોતી.
કોન્ફિડન્સ સાઇલન્ટ હોય છે પણ ઈનસિક્યુરિટી લાઉડ હોય છે એટલે તે છાપરે ચડીને બોલે છે. આપણા કાનમાં બરાડા પડે છે, ચીસો નાખે છે. પરિણામે આવા સમયે આપણે વધારે ઉગ્ર બનીએ, વધારે નિંદક, ટીકાખોર બનીએ તેવું પણ થાય છે. આપણો સ્વભાવ ચિડચિડો બને અને તેનાથી આપણી સામાજિક સંબંધો કેળવવાની અને જાળવવાની ક્ષમતા પણ ઘટે છે. આપણા મિત્રો અને સગાસંબંધીઓ સાથેના આપણા સંબંધો ધીમે ધીમે બગડે છે. એક તો આ સમયે માનસિક શાંતિ હણાયેલી હોય છે અને તેમાં પણ જો લોકો સાથે લડાઈ, ઝઘડા કરીએ અને ટેંશન વધારીએ તો આપણું તો આવી જ બને ને? એટલે શાંતિ જાળવી રાખવી જરૂરી હોય છે ખાસ કરીને જયારે મન ઉદ્વેગમાં હોય.
પરંતુ આવા સમયે એક વાત યાદ રાખવી જોઈએ કે જીવનની એક સૌથી મહત્ત્વની પરંતુ આકરી સફર છે આવી ઈનસિક્યુરિટીને જીતવી, આવી પરિસ્થિતિ અને લાગણી પર વિજય મેળવવો. તેના માટે મન ખુબ મક્કમ કરવું પડે છે. આવી ચડેલી સ્થિતિમાં કઇંકને કઈંક તો સારું પણ હોય છે - તેને શોધી કાઢવું પડે છે. આપણો સ્વભાવ આમ તો વાંકદેખો છે, એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં ખોડખાંપણ, વાંક અને ક્ષતિ પહેલા નજરે છે. તેને આપણે વિવેચક દ્રષ્ટિ કહી શકીએ પરંતુ તે સકારાત્મક નથી તે તો ચોક્કસ. માટે, જો ઇનસિક્યુરિટીનો ભોગ ન બનવું હોય તો જાણીજોઈને, મહેનત કરીને આપણી દ્રષ્ટિને વિવેચક નહિ પણ સકારાત્મક બનાવવી જોઈએ. ગુણદર્શક આંખે કઈંક ઉપયોગી, મહત્ત્વપૂર્ણ પાસું શોધીને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જે લોકો આવી લાભશોધક દ્રષ્ટિ કેળવી જાણે છે તેમને કોઈ પણ કપરી સ્થિતિમાં પણ કંઈક પોઝિટિવ દેખાય છે. તેઓ જલ્દીથી નાસીપાસ થતા નથી. તેઓ જલ્દી અસલામતી અનુભવતા નથી.
આપણે માનવસહજ મર્યાદાઓથી બંધાયેલા છીએ અને તેનો સ્વીકાર જેટલો જલ્દી કરીએ તેટલું આપણા માટે સારું છે. આપણા સ્વભાવમાં જ એવા રંગસૂત્રો હોય છે કે આપણે નેગેટિવ જલ્દી પકડીએ અને પોઝિટિવ અવગણીએ. તેવું ન થવા દેવું હોય તો માઇન્ડને ટ્રેઈન કરવું પડે, સક્રિય રીતે એક અનુકૂલન સાધવું પડે અને એવી દૃષ્ટિ વિકસાવવી પડે. તો હવે પછી ક્યારેય પણ આવી અસલામતી કે ઈર્ષ્યા અનુભવો ત્યારે એક વાર પુરી પરિસ્થિતિનું ગુણદૃષ્ટિએ અવલોકન કરી લેજો. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter