ખરીદવાની અને પૈસા ચુકવવાની સરળતાએ આપણને સહુને નકામા ખર્ચ કરતા કરી મુક્યા છે ત્યારે...

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 22nd June 2021 13:03 EDT
 

ફાઇનાન્સિયલ ટાઈમ્સમાં ગયા અઠવાડિયે એક આર્ટિકલ હતો જેમાં એ વાત પર ધ્યાન દોરવામાં આવેલું કે વન ક્લિક પેમેન્ટ અને ઇઝી પેમેન્ટ પદ્ધતિઓથી આપણને કેટલું નુકશાન થઇ રહ્યું છે. તમે લોકોએ જોયું હશે કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબૂક પર સ્ક્રોલ કરતા હોઈએ કે ગૂગલ પર કૈંક સર્ચ કરતા હોઈએ ત્યારે કેવી રીતે વેબસાઈટ અને એડવર્ટાઈઝમેન્ટ આવે છે જે આપણને ન ખરીદવાની વસ્તુઓ પધરાવી દે છે. જે વસ્તુની જરૂર ક્યારેય ન પડી હોય તે પણ મોબાઈલ સ્ક્રીન પર એવી રીતે ઉભરી આવે છે કે જાણે તે ખરીદવાથી આપણું જીવન સરળ બની જશે અને તેના વિના આપણે કેટલી મુશ્કેલીઓથી જીવતા હતા. આખરે તેની ઓછી કિંમત, તેના ઉપયોગના ફાયદા અને તેનાથી જે સમય બચશે કે જે રીતે આપણું આરોગ્ય સુધરશે તે બધું વિચારીને આપણે એક ક્લિક કરીએ છીએ અને આપણા ક્રેડિટ કાર્ડમાંથી પૈસા કપાઈ જાય છે. બે દિવસમાં વસ્તુ આપણા મેઈલ બોક્સમાં આવી ગઈ હોય છે અને તેના બે મહિના પછી તે ઘરના કોઈક ખૂણામાં પડી હોય છે, અલબત્ત એકેય વખત ઉપયોગમાં આવ્યા વગર.

આવું તમારી સાથે પણ થયું છે? જો ન થયું હોય તો તમે એ લઘુમતી વર્ગના એક છો જે હજી પણ મોબાઈલ સ્ક્રીન હાથમાં હોય ત્યારે પોતાનું મગજ ચલાવી શકે છે. અથવા તો એ નસીબદાર વ્યક્તિ છો જેણે હજુ મોબાઇલ અને ટેબ્લેટના સ્ક્રીનની ગુલામી નોંધાવી નથી. પરંતુ મોટાભાગના લોકો પોતાના હાથમાં સ્ક્રીન હોય ત્યારે વિવેકબુદ્ધિ વાપરવાનું ચૂકી જાય છે અને તેમના બહેર મારી ગયેલા મગજથી ક્રેડિટ કાર્ડના બિલમાં ઉમેરો કર્યે જાય છે. તેવું થવાના બે કારણ છે - એક તો તમારે રોકડા પૈસા આપવા પડતા નથી એટલે ખિસ્સું ખાલી થયાનો હિસાબ રહેતો નથી, અને બીજું એ કે જે રીતે એક પછી એક પોપ-અપ આપણી સામે આવતા જાય છે તેનાથી બચવાની રસી હજી આપણા મગજે શોધી નથી. તેના ઉપરાંત કેટલીય કંપનીઓ તરત જ પેમેન્ટ ઓપ્શનની નીચે ત્રણ ઇઝી ઇન્સ્ટોલમેન્ટની ઓફર પણ આપતી હોય છે. ન જોઈએ તો રિટર્ન કરી દઈશું - એવી દલીલ મગજમાં બેઠેલી જ છે. પરંતુ આપણને ખબર છે કે ભાગ્યે જ કોઈ વસ્તુ આપણે રિટર્ન કરીએ છીએ.
આ રીતે આપણને લલચાવીને, આપણી ઈચ્છા ન હોય, આપણને જરૂર ન હોય તેમ છતાંય જે તે વસ્તુઓ પધરાવી જનાર કંપનીઓ પર છેતરપિંડીનો કેસ થવો જોઈએ. આપણે માંગવા તો નહોતા ગયા ને? તો પછી આપણને ભરમાવીને આપણા ખિસ્સામાંથી પૈસા ખેંચી લેવાનો શો અર્થ? પણ આવું વિચારવાની ક્ષમતા આપણે ગુમાવી બેઠા છીએ. ખરીદવાની સરળતા અને પૈસા ચુકવવાની સરળતાએ આપણને નકામા ખર્ચ કરતા કરી મુક્યા છે. આપણી પહેલાની પેઢી આવા ખર્ચ કરતા દશ વખત વિચાર કરતી. આજે જે રીતે આપણે ૧૦૦ પાઉન્ડ ખર્ચી નાખીએ છીએ તે રીતે આપણી પહેલાની પેઢી ૨૦ પાઉન્ડ પણ ન ખર્ચતી.
જો આપણે આશા ન છોડીએ તો આજે પણ આ સકંજામાંથી બહાર નીકળવાના ઉપાય છે. ના, તેના માટે કોઈ સ્પેશિયલ કોચિંગની જરૂર નથી. તેના માટે કોઈ રિહેબિલિટેશન સેન્ટરમાં જવાની પણ જરૂર નથી (જો કે એ વાતમાં બે મત નથી કે આ એક બીમારી જ છે.) કરવાનું માત્ર એટલું છે કે પહેલા તો બધી જ વેબસાઈટમાંથી પહેલાથી ક્રેડિટ કાર્ડનો ફીડ કરેલો ડેટા હટાવી દો. દરેક વખતે નવેસરથી કાર્ડ નંબર અને બીજી ઇન્ફોર્મેશન ભરવાનું રાખો. તેનાથી ખર્ચ પર ઘણું નિયંત્રણ આવી જશે.
બીજું એવું કરો કે કોઈ પણ સેવા કે વસ્તુના ઓટો-રિન્યુઅલ લેવા કરતાં દરેક વખતે અલગ અલગ પેમેન્ટ કરવાનું રાખો. ઓટો-રિન્યુઅલ ત્રણ મહિનાના સતત અને સફળ પ્રયોગ પછી જ શરૂ કરો.
ત્રીજું એવું કરો કે કોઈ પણ વસ્તુ કે જે અત્યારે જ જરૂરી ન હોય તેને ખરીદતા પહેલા તેને બાસ્કેટમાં મૂકીને વેબસાઈટ બંધ કરી દો. ત્રણ દિવસ તેના વિષે વિચારો જ નહિ. જો ત્રણ દિવસ સુધી તેની જરૂરિયાત મહેસૂસ ન થાય તો ચોથા દિવસે વેબસાઈટ ખોલીને તેને કાર્ટમાંથી કે બાસ્કેટમાંથી ડિલીટ કરી દો.
ચોથું કામ એ કરો કે જયારે પણ તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે એવી બીજી કોઈ વેબસાઈટ પર સ્ક્રોલ કરતા હોવ ત્યારે જે પ્રોડક્ટ ખરીદવાની તદ્દન આવશ્યકતા ન હોય તેની એડ્વર્ટાઇઝ કેટલી પણ મોહક કેમ ન હોય, કેટલીય વાર તેના પોપ અપ કેમ ન આવે, તેને ક્લિક કરીને ખોલવા નહિ. એડ્વર્ટાઇઝ ક્લિક કરવી એટલે બિલાડીને દૂધની તપેલીની જગ્યા બતાવવા જેવું છે. એક વાર ખબર પડી ગઈ તો દરરોજ દૂધ પી જશે.
આમ તો સૌની પોતાની વિવેકબુદ્ધિ હોય છે અને બધાને ખબર હોય છે કે પોતાના માટે શું સારું છે અને શું નથી, પરંતુ તેમ છતાંય વાત ધ્યાનમાં આવી તો કહી દીધું. આમ તો લખનાર પોતે પણ ક્યારેક ક્યારેક આ રીતે ભૂલ કરી બેસે છે પરંતુ બટેટાવડાં ખાતા ગરમ ગરમ બટેટાને કારણે આંખમાં આંસુ આવે તો બીજી બાજુ જોઈને લૂછી નાખવાને બદલે બીજાને કહી દેવું સારું કે હજી ગરમ છે, થોડું સાચવીને ખાજો - એ ન્યાયે આ સલાહ આપી દીધી છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકનાં અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter