જે હૈયે હામ રાખીને શરૂઆત કરે છે, ડગલું ભરે છે તે જીવનપથ પર અચૂક આગેકૂચ કરે છે

આરોહણ

રોહિત વઢવાણા Wednesday 28th April 2021 01:24 EDT
 

નવું પ્રયાણ કરવામાં આપણે કેટલો સંકોચ કરીએ છીએ. પહેલું પગલું ભરવું હંમેશા મુશ્કેલ હોય છે અને તેમાં મુશ્કેલી ડગલું ભરવાની નહિ પરંતુ તેનો નિર્ણય લેવાની હોય છે. ક્ષમતા હોવા છતાં નિશ્ચય કરવામાં જે અવઢવ થાય છે તેણે કારણે ઘણી વાર બસ છૂટી જાય છે. બસ છૂટી જવાનો અર્થ ખરેખર ચાર પૈડાં વાળી બસ નહિ પરંતુ જિંદગીમાં નવી સફરની શરૂઆત. કેટલીય વાર વિચારીએ કે હવે તો એક નવી દિશામાં આગળ વધવું છે, પરંતુ એટલા તો વિચારો મનમાં આવે છે કે આખરે નિર્ણય કરી શકાતો નથી. કેવા કેવા પ્રશ્નો આપણને નવું પ્રયાણ કરતા ક્યાં કારણો આપણને રોકે છે તે જાણીએ.

૧) સ્થિર થયા હોઈએ તે સ્થાન છોડવાનો ભય: જડતા - એક સ્થળ ન છોડવાનો ગુણ - આપણા સ્વભાવમાં હોય છે. જડતાને અંગ્રેજીમાં ઇનર્શીયા કહેવાય - ભૌતિક વિજ્ઞાનનો નિયમ છે કે જો પદાર્થને બળ આપીને ખસેડવામાં ન આવે તો તે જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં ટકી રહે છે. આવી જ જડતા આપણા મનમાં હોય છે. જો ધક્કો મારીને, એટલે કે થોડું જોર લગાવીને આપણે નિર્ણય ન કરીએ તો તે આપણને જે સ્થિતિમાં હોય તે જ સ્થિતિમાં ટકાવી રાખવા મથે છે. દેડકાના સ્વભાવ વિષે તો તમે વાંચ્યું જ હશે કે જો તેને ઠંડા પાણીમાં રાખ્યો હોય અને પછી ધીમે ધીમે તે પાણીને આપણે ગરમ કરીએ તો દેડકો કોશિશ કરે છે કે તે પોતાના શરીરનું તાપમાન તેની સાથે સંતુલિત કરી લે. હમણાં ઠીક થઇ જશે તેવું વિચારીને તે પાણીમાંથી બહાર આવતો નથી અને ધીમે ધીમે પાણી એટલું ગરમ થઇ જાય છે કે તેના રામ રમી જાય છે. આવી જ સ્થિતિ આપણા મનની પણ છે. તે આપણે જ્યાં હોય એ ત્યાં ટકી રહેવાની કોશિશ કરે છે.
૨) ખોટો નિર્ણય લેવાનો ડર: બીજું કારણ એ છે કે આપણે હંમેશા ડરીએ છીએ કે ક્યાંક નવો લીધેલો નિર્ણય ખોટો નીવડશે તો? નવી દિશા કેવી હશે અને ત્યાં શું મળશે તેનો અંદાજ ન હોવાથી આપણે હંમેશા ડરીએ છીએ કે ભૂલ કરી બેસીશું તો લોકો શું કહેશે. આપણું શું થશે તેના કરતાં પણ બીજા લોકો શું કહેશે તેની ચિંતા આપણને વધારે થતી હોય છે. તેને કારણે આપણે લોકોના પરિપ્રેક્ષયથી આપણો નિર્ણય ચકાસીએ છીએ અને હંમેશા ખોટો નિર્ણય ન લેવાઈ જાય તેવા ભયમાં રહીએ છીએ.
૩) નવેસરથી મહેનત કરવાની આળસ: નવું પ્રયાણ કરીએ તો નવેસરથી મહેનત કરવી પડે છે. અત્યાર સુધી સાધેલી પ્રગતિ ઘણી વાર નવા ક્ષેત્રમાં કામ લગતી નથી અને ફરીથી એકડો ઘુંટવો પડે છે. આપણું મન આળસ કરી જાય છે અને સમજાવે છે કે આટલી નવી મહેનત કરવા કરતા તો જ્યાં છીએ ત્યાં જ સારા છીએ. આખરે કેટલાક લોકો તો પડતું મૂકે છે અને નવો નિર્ણય કરતા નથી. જેમ કે, કોઈને નવી નોકરીમાં જવું હોય અથવા નવો બિઝનેસ શરૂ કરવો હોય પરંતુ તે શક્ય બનતું નથી કેમ કે નવેસરથી મહેનત કરીને ત્યાં સફળ થવાની ધગશ બચતી નથી.
૪) નવા ક્ષેત્રની અનિશ્ચિતતા: જયારે નવી દિશામાં પ્રયાણ કરવાની શરૂઆત કરીએ ત્યારે અજાણ્યા અને નવા ક્ષેત્રમાં કેટલીય અનિશ્ચિતતા અને અજાણી ચેલેન્જ રહેલી હોય છે, જેનો સામનો કરવા માનસિક રીતે અને આર્થિક તેમજ શારીરિક રીતે તૈયાર હોવું જરૂરી છે. આવી તૈયારી ન હોવાને કારણે આપણે કેટલીય વાર આપણે આવું સાહસ કરતા અચકાઈએ છીએ. કેટલાક લોકો આરંભે શૂરાની જેમ શરૂઆત તો કરી દે છે પરંતુ પછી જયારે અનિશ્ચિતતાઓ અને પ્રતિકૂળતાઓ જુએ છે ત્યારે તેમણે લાગે છે કે જ્યાં હતા ત્યાં ઠીક છીએ. 
આવા કારણોને લીધે આપણે નવું પ્રયાણ કરવામાં હંમેશા મુશ્કેલી અનુભવીએ છીએ અને આ મુશ્કેલીઓથી ડરીને આપણે નિર્ણય કરવામાં અચકાઈએ છીએ. કેટલાય મોટા પ્રયોગો એટલા માટે જ શરૂ થતા નથી કેમ કે તેને શરૂ કરનાર વ્યક્તિ આ ચાર પૈકીના કોઈ કારણથી શરૂઆત જ કરતી નથી. પરંતુ જે શરૂઆત કરે છે, ડગલું ભરે છે તેને સફળતા મળે કે ન મળે પરંતુ નવો અનુભવ જરૂર થાય છે અને તે અનુભવ તેને કેટલીય રીતે સમૃદ્ધ બનાવે છે. આવી સમૃદ્ધિ બીજા કોઈને દેખાય કે ન દેખાય, તેને અંદરથી મહેસુસ જરૂર થાય છે. તો તમે પણ કોઈ નવું પ્રયાણ કરવાનું વિચારતા હોય તો વિનાસંકોચે શરૂઆત કરી ડો - આ ચાર પૈકી એકેય કારણને મનમાં આવવા દેશો નહિ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter