તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ખાસ યાદ રાખજો પહેલું સુખ તે જાતે નર્યા

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 15th December 2020 03:07 EST
 
 

ધેર ઇઝ નો અનધર ડે - આજનો દિવસ અંતિમ છે અને ફરી નવો દિવસ નહિ આવે, ધેર ઇઝ નો ટુમોરો - ની વિચારસરણી આપણને શું શીખવે છે? જેટલું હોય તેટલું ખાઈને ખતમ કરો, કાલે કોના માટે બચાવવાનું છે? કે પછી આજે જ બધો આનંદ કરી લો, કાલ કોણે જોઈ છે? આવા કેટલાય અર્થઘટન આ વાક્યો કે શબ્દસમૂહોના કરી શકાય પરંતુ કોઈ જ રીતે તેનો કોઈ પોઝિટિવ અર્થ નીકળતો નથી. મોટા ભાગે આ ફ્રેઝ નેગેટિવ સેન્સમાં જ વપરાય છે.

તેનો એક દાખલો તો આપણે લંડનમાં પણ જોઈ લીધો. ડિસેમ્બરની શરૂઆતમાં જેવું લોકડાઉન ખુલ્યું કે લોકો એવી રીતે બજારમાં નીકળ્યા જાણે કે ખરેખર જ કાલ થવાની નથી - ધેર ઇઝ નો ટુમોરો. ઓક્સફર્ડ સ્ટ્રીટ, રિજેન્ટ સ્ટ્રીટ અને બીજી હાઈ સ્ટ્રીટ્સ પર લોકો ખાંડ નાખી હોય ત્યાં મકોડા આવે તેમ ઉભરાય જોવા મળ્યા. રેસ્ટોરન્ટ્સ, પ્રાઇવેટ ક્લબ્સ, શોપિંગ સેન્ટર્સ, પબ્સ અને બીજી બધી જ જગ્યાએ જાણે કીડિયારું નીકળ્યું હોય તેવી લોકોની ભીડ ઉમટી હતી. તેમાં પણ માસ્ક પહેર્યા વિના, સોશ્યિલ ડિસ્ટન્શીન્ગની પરવા કર્યા વિના લોકો નીકળી પડેલા.
તેનું પરિણામ એવું આવ્યું કે થોડા દિવસમાં જ સરકાર મજબુર થઇ અને લંડન પર વધારે પ્રતિબંધો મુકવાનું વિચારવું પડ્યું. ક્રિસમસના મોટા તહેવાર માટે કદાચ આ મહિનો સરકારે છૂટછાટ આપવાનું નક્કી કર્યું હશે, પરંતુ તેમાં પણ જો ટીઅર-થ્રી લગાવવું પડે તો તેના માટે જવાબદાર કોણ? બહાર નીકળીએ અને ચેપ લાગે તો શું કરવાનું? ઘણા સમયથી લોકોને જાગરૂક કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે કે કેવી રીતે કોવિડથી બચી શકાય. લોકોને પૂરી જાણકારી છે કે આ વાઇરસ સામે ઢીલું મુકવા જેવું નથી. તેમ છતાં પણ કેટલીક વાર એવી ચૂક થઇ જતી હોય છે કે આપણને ખબર પણ ન હોય તેવી રીતે આ ચેપ લાગી જતો હોય છે.
તેનાથી બચવાના જેટલા પ્રયત્નો થઇ શકે તેટલા કરવા જરૂરી છે. હવે કોરોનાના કેસ વધવા લાગ્યા છે અને જ્યાં જોઈએ ત્યાં એકાદ-બે કિસ્સા તો સામે આવી જ રહ્યા છે ત્યારે આપણે થોડું વધારે જાળવવાની જરૂર છે. ક્રિસમસ અને નવા વર્ષની સિઝનમાં લોકોને જોઈને મનમાં પ્રલોભન તો થવાના કે બહાર નીકળીએ પરંતુ તેનાથી બચવાના જે ઉપાયો શક્ય હોય તે કરવા જરૂરી છે. બહાર નીકાળવામાં વાંધો નહિ પરંતુ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્શીન્ગ જાળવવું જરૂરી છે. શક્ય હોય તો ગ્લોવ્સ પણ પહેરવા. હેન્ડ સેનિટાઇઝેશન નિયમિત વાપરવું. આ બધું કહેવાની હવે તો શી આવશ્યકતા હોય પરંતુ તેમ છતાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે દર્શાવે છે કે ક્યાંક ચૂક થઇ ગઈ છે.
યુકેમાં માર્ચમાં જયારે પહેલીવાર લોકડાઉન કરવામાં આવેલું ત્યારે રોજના છએક હજાર જેટલા કેસ આવતા હતા. બીજી વાર નવેમ્બરનું લોકડાઉન એટલે કરવું પડ્યું કે સેકન્ડ વેવમાં પચીસેક હજારથી વધારે કેસો રોજ આવતા હતા. તેના પર નિયંત્રણ આવતા યુકે સરકારે લોકડાઉન ખોલ્યું પરંતુ હવે ફરીથી વીસેક હજાર જેટલા કેસ આવવાનું શરૂ થયું છે અને એટલે લંડન અને બીજા કેટલાક વિસ્તારોમાં ટીઅર-થ્રી લગાવવાની વિચારણા થઇ.
ક્રિસમસ અને નવા વર્ષના તહેવારને માણવો હોય તો તંદુરસ્ત રહેવું જરૂરી છે અને તેના માટે સાવચેત રહેવું વધારે જરૂરી છે. બીજો કોઈ જ ઉપાય નથી આ રોગથી બચવાનો, તે આપણે સૌ જાણીએ છીએ. ભલે હવે કોરોના પહેલા જેટલો જીવલેણ ન રહ્યો હોય અને રસી મળવાનો સમય નજીક આવી ગયો હોય પરંતુ કાંઠે આવીને વહાણ ન ડૂબે એટલા માટે આ સમયે થોડું સાચવી લેવું જરૂરી છે.
ચેતતો નર સદા સુખી અને પહેલું સુખ તે જાતે નર્યા જેવી જૂની કહેવતોને યાદ કરીને ધ્યાન રાખજો જેથી કરીને તહેવાર સારા જાય.

(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter