નવા વર્ષે નવી શરૂઆત કરવાનો સોનેરી અવસર

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 02nd November 2021 08:55 EDT
 
 

આ સપ્તાહ દરમિયાન દિવાળી અને નવા વર્ષના પર્વ આવ્યા.
નવું વર્ષ શરૂ થાય એટલે આપણે કૈંક નવું કરવાનું પ્રણ લઈએ. કોઈક નવા સંકલ્પો કરીએ અને આવનારા વર્ષમાં વધારે પ્રગતિ થાય, સુખ - સમૃદ્ધિ અને આરોગ્ય વધે તેવી પ્રાર્થના કરીએ. આ વર્ષે પણ સૌએ એવું જ કૈંક વિચાર્યું હશે, કેટલાક નવા નિયમો બનાવ્યા હશે અને કોઈક નવા લક્ષ્યો નિર્ધારિત કર્યા હશે. આમ તો દર વર્ષે આ પ્રક્રિયા ચાલતી હોય છે અને તેમાં આપણે થોડા ઘણા અંશે સફળ પણ થતા હોઈએ છીએ. ધીમે ધીમે આપણે પ્રગતિ કરતા રહીએ છીએ, ધારેલા લક્ષ્યો હાંસલ કરતા રહીએ છીએ.
આ વર્ષે એક અલગ પ્રકારનો પ્રણ લઈએ અને તેને જીવનભર વળગી રહીએ. આ પ્રણ વ્યક્તિગત પ્રગતિ કે વૈભવ માટે નહિ પરંતુ સંસારના સર્વે જીવજંતુઓના ભલા માટે. સૌને જો કંઈ સમાન રીતે અસર કરતું હોય તેવું હોય તો તે છે પર્યાવરણ. આ પર્યાવરણને લઈને આજે વિશ્વભરમાં ચિંતા છવાયેલી છે. ગ્લાસગોમાં કોપ-૨૬ ચાલી રહ્યું છે અને તેમાં વિશ્વભરના નેતાઓએ પોતપોતાની રીતે પર્યાવરણની સુરક્ષા માટે પગલાં ભરવાના સંકલ્પો કર્યા છે.
દિવાળી અને બીજા પર્વો પર આપણે મીઠાઈ કે ચોકલેટની ભેટ આપતા હોઈએ છીએ. પશ્ચિમી દેશોમાં વાઈન અને બીજા કોઈ ડ્રિન્ક પણ ભેટમાં આપવામાં આવે છે. ક્યારેક એવું બનતું હોય છે કે આપણી પાસે પણ આ પ્રકારની ભેટ એકથી વધુ થઇ જાય છે અને પરિણામે આપણે રોજબરોજની આદત કરતાં વધારે મીઠાઈ કે ચોકલેટ ખાઈ લેતા હોઈએ છીએ. આ પ્રકારના સુગર સ્પાઇકને કારણે આપણા આરોગ્ય પર ખરાબ અસર પડે છે.
આ વર્ષે આપણે સૌ એક નિયમ બનાવીયે કે આવનારા વર્ષ દરમિયાન કોઈને પણ ભેટ આપીશું તો તે પર્યાવરણને નુકશાન ન થાય તેવી હશે. ઉપરાંત વ્યક્તિ અને પરિવારની તંદુરસ્તીને ધ્યાનમાં લઈને પણ એવું નક્કી કરી શકાય કે અંગત ભેટ પણ એવી આપવી કે જે પરિવાર માટે ઉપયોગી તો હોય જ પરંતુ બિનનુકસાનકારક હોય. આ વર્ષ દરમિયાન જો આપણે કોઈને ભેટમાં મીઠાઈને બદલે છોડ આપીએ તો તેનાથી ઘરની શોભા તો વધશે જ પરંતુ સાથે સાથે વ્યક્તિના આરોગ્યને નુકશાન પણ નહિ થાય. લોકોને વાઈનની બોટલ આપવા કરતા પણ વધારે સારું એ રહેશે કે કોઈ સસ્ટેઈનબલ મટિરિયલમાંથી બનેલ ગૃહોપયોગી વસ્તુ આપવી.
આ વર્ષની, એક વર્ષની, ભેટને લઈને આ સંકલ્પ કરી લો અને પૃથ્વીની સુરક્ષામાં જ નહિ પરંતુ પોતાની અને પોતાના સ્નેહીઓની લાઈફસ્ટાઈલને બદલવામાં મદદરૂપ બનો. આપણા મિત્રો અને સંબંધીઓના હિત માટે, સમગ્ર સંસારના સુખ માટે આવા નાના નાના પરિવર્તનોથી અને પોતાની સ્વૈચ્છિક પહેલથી ઘણું પરિવર્તન આવી શકશે. એક વ્યક્તિ શરૂઆત કરશે પછી બીજા પણ તેનું અનુસરણ કરશે જ. આખરે સૌ કોઈ પોતાના માટે, સ્નેહીઓને માટે અને સંસારને માટે સારું જ કરવા ઇચ્છતા હોય છે, પરંતુ સામાજિક પરંપરાઓ અને ટ્રેન્ડને કારણે નવી પહેલ કરી શકતા નથી. જો તમે વ્યક્તિગત રીતે આ પહેલ કરશો તો નવા આંદોલનના પ્રણેતા બનશે.
આ નવા વર્ષથી જ નવા આંદોલનની શરૂઆત કરો, નવી પહેલ કરો. પોતાની લાઇફસ્ટાઇલ પર્યાવરણને અને માનવકલ્યાણને સુસંગત બનાવો.

નૂતન વર્ષાભિનંદન. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter