નાનપ રાખો, નિરાભિમાની રહો, સાથે સાથે જ પોતાની જાતમાં અતૂટ ભરોસો પણ રાખો

રોહિત વઢવાણા Tuesday 21st April 2020 01:53 EDT
 
 

આર. કે. લક્ષમણ ભારતના વિખ્યાત કાર્ટૂનિસ્ટ હતા. તેમનો એક જોક વાંચો:

એક મિકેનિક ડોક્ટરની ગાડી રિપેર કરી બોનેટ બંધ કરતા ત્યાં હાજર બધા લોકો સાંભળે તેમ મોટેથી બોલ્યો, ‘ડોક્ટર સાહેબ, આ લો તમારી ગાડી તૈયાર. ચલાવો એન્જીન. હમણાં જ ઘર્રાટી કરશે. પણ મને એક વાત સમજાતી નથી કે તમે પણ વાલ્વ બદલો છો અને હું પણ વાલ્વ બદલું છું. તો તમારું બિલ તો બહુ મોટું હોય છે અને અમારા જેવા ગરીબોનું તો માંડ ઘર ચાલે છે.’
તે સાંભળી આસપાસ ઉભેલા લોકોએ સમર્થનમાં ડોક હલાવી એક બીજા સાથે ગુસપુસ શરૂ કરી. મિકેનિકને લાગ્યું કે આજે ડોક્ટરને સારું સંભળાવ્યું. બહુ લૂંટે છે લોકોને.
ડોક્ટરે ધીમેથી જવાબ વાળ્યો, ‘ક્યારેક ચાલુ એન્જીને વાલ્વ બદલવાનો પ્રયત્ન કરી જોજે એટલે સમજાઈ જશે.’
અહીં જોક લખવાનો અર્થ માત્ર એટલો જ કે આપણે જ્યાં સુધી પરિસ્થિતિને તેના ખરા પરિપ્રેક્ષ્યમાં ન જોઈએ ત્યાં સુધી તેમનો તફાવત ન સમજાય. આપણને ક્યારેક મિકેનિક જેવો મોહ થાય કે આપણું કામ બીજા કરતા ચડિયાતું છે ત્યારે એટલું યાદ કરી લેવું કે આપણે તેમની પરિસ્થિતિ જોઈ નથી. ત્યાં સુધી નાહકની સરખામણી કરવાનો કોઈ અર્થ નથી.
બીજી મહત્વની બાબત એ છે કે દરેક વ્યક્તિનું કામ પોતાની જગ્યાએ મહત્વનું જ હોય છે. ખેડૂતથી લઈને રિક્ષાવાળા, વડા પ્રધાનથી લઈને પોલીસ હવાલદાર, શિક્ષકથી લઈને વૈજ્ઞાનિક. બધા પોતપોતાની જગ્યાએ સારું અને મહત્વનું કામ કરતા હોય છે. સમાજની આર્થિક વ્યવસ્થાએ કેટલાક લોકોને વધારે અને કેટલાકને ઓછું વળતર આપ્યું છે એ વાત સાચી પરંતુ તેનાથી એકબીજા સાથે ચડસાચડસી કરવાની કોઈ જરૂર નથી. આવી સરખામણીથી અને ચડસાચડસીથી મનમાં અસંતોષની લાગણી જન્મે છે. પોતાની જાતને કોઈ કરતા નીચી ગણવી નહિ અને કોઈની સેવાને પણ બિનઉપયોગી માનવી નહિ.
એક મિત્રએ કહ્યું કે, ‘મેં ઘણા અનુભવ પરથી શીખ્યું છે કે ‘ક્યારેય નહિ’ એવું ક્યારેય ન બોલવું. શું ખબર ક્યારે શું પરિસ્થિતિ આવી ચડે અને પોતાનું મન કે સંજોગ બદલાય.’ ખુબ સાચી વાત છે. પોતાની જાતને ક્યારેક ખુબ મોટી કે ખુબ નાની ગણવી નહિ. હું ‘એવું ક્યારેય નહિ કરું’ એવું મોટું વેણ ન બોલવું. આવતીકાલે કઈ પણ કરવું પડી શકે છે. મોટા મોટા બાદશાહોના વખત બદલાય છે. તેવી જ રીતે પોતાની ક્ષમતાને ઓછી આંકીને ‘હું એવું ક્યારેય ન કરી શકું’ તેવું પણ ન બોલવું. સમય બદલાઈ શકે અને સફળતા આપણા કદમ ચૂમતી આવી શકે.
ટૂંકમાં, આપણે નાનપ રાખવાની, કુણા રહેવાની અને નિરાભિમાની રહેવાની વધારે જરૂર છે અને સાથે સાથે વિનમ્રતાપૂર્વક પોતાની ક્ષમતા પર પૂરો વિશ્વાસ રાખવો. અંતે રહીમનો દુહો ટાંકીને વાત પુરી કરીએ:
रहिमन देख बड़ेन को, लघु न दीजिये डारि।
जहाँ काम आवै सुई, कहा करै तलवारि॥

(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter