પાકિસ્તાનના રાષ્ટ્રપતિઃ મહંમદઅલી ઝીણા (ભાગ-૨)

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 28th March 2020 08:44 EDT
 
 

(ગતાંકથી ચાલુ)

મહંમદઅલી ઝીણા જેવા રાષ્ટ્રવાદી અને હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી મુસ્લિમ આગેવાનો ૧૯૨૦ પહેલાં ખૂબ જ થોડા હતા અને મહંમદઅલી ઝીણા એમાં આગેવાન હતા. ૧૯૧૬માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પરસ્પર સહકારના કરાર કર્યા ત્યારે તેમણે આ કરારને આવકારતાં કહ્યું હતુંઃ ‘અભિનવ ભારતની ઉન્નતિ અને પ્રગતિ માટે નાની-મોટી વાતો છોડી દેવી જોઈએ. બંનેએ પરસ્પર દ્વેષ અને ભાગલાવાદી પ્રવૃત્તિ અને વૃત્તિ છોડી દેવાં જોઈએ. કજિયા, કંકાસ, મિથ્યાભિમાન છોડી દેવાં જોઈએ. ગેરસમજો છોડવી જોઈએ. આવો ત્યાગ ખુદાને ખૂબ ગમશે.’

સરોજિની નાયડુ અને બીજા રાષ્ટ્રવાદી નેતાઓએ ઝીણાના આવા વિચારને આવકારીને તેમને હિંદુ-મુસ્લિમ એકતાના એલચી તરીકે બિરદાવ્યા હતા. ઝીણાના આવા વલણથી બ્રિટિશ શાસકોની ચિંતા વધી અને તેમને પોતાનું શાસન જવાનો ભય લાગ્યો.
૧૯૧૯ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાને ભારતના મધ્યમમાર્ગી નેતાઓ અને મુસ્લિમ આગેવાનોએ જનતાની લાગણી અને માગણીની માન્યતાની શરૂઆત તરીકે જોયા હતા. આના પરિણામરૂપે આવેલા કાયદા રોલેટ એક્ટને વખોડીને ઝીણાએ કાળા કાયદા તરીકે ઓળખાવીને વિરોધમાં તેમણે કેન્દ્રીય ધારાસભામાંથી રાજીનામું આપી દીધું અને સરકારને ચેતવતા કહ્યું હતું, ‘જો આ ખરડો પસાર થશે તો દેશના એક છેડાથી બીજા છેડા સુધી તમે કદી ના જોયું હોય તેવું આંદોલન અને અસંતોષ ફાટી નીકળશે.’
૧૯૧૯માં તેઓ હોમરુલ લીગને મજબૂત કરવા મથ્યા ત્યારે ગાંધીજીએ તેને સ્વરાજ સભામાં ફેરવી નાખી અને ગાંધીજીનો તેમાં પ્રભાવ વધ્યો. ઝીણાને આ ના ગમ્યું. તેઓ માનતા કે ગાંધીજીની પદ્ધતિ દેશને સર્વનાશના માર્ગે લઈ જશે અને અંધાધૂંધી સર્જાશે. આથી તેઓ ગાંધીજીથી આઘા રહ્યા.
તેઓ ૧૯૨૧માં અસહકારની લડતથી છેટા રહ્યા અને તેની નિષ્ફળતા પછી ૧૯૨૪માં તેઓ મુસ્લિમ લીગમાં સક્રિય થયા. હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગ વચ્ચે સહકાર સધાવાનાં સ્વપ્ન જોવા લાગ્યા. પ્રાંતિક ધારાસભામાં તેમણે પોતાના જૂથના ૨૪ સભ્ય અને મોતીલાલ નેહરુ, વિઠ્ઠલભાઈ પટેલ, દેશબંધુ દાસના જૂથના ૪૨ સભ્યોનો સાથ લઈને રાષ્ટ્રવાદી પક્ષ તરીકે વડી ધારાસભામાં જોરે વિરોધ પક્ષ બનાવીને મોરચો માંડ્યો. ૧૯૨૪ સુધી આવા રાષ્ટ્રવાદી હતા મહંમદઅલી ઝીણા. તો અખંડ ભારતના ભાગલા પાડવામાં કેમ આગેવાન બન્યા? કેમ બદલાયા? સંભવિત કારણો આ રહ્યાં.
૧૯૨૭માં કોંગ્રેસ અને મુસ્લિમ સંયુક્ત મતદાર મંડળ સ્વીકારશે એવી ઝીણાની માન્યતા હતી. મુસ્લિમો સંયુક્ત મતદાર મંડળમાં જોડાવા સ્વીકારે બદલામાં કેટલાક લાભ પામે તેવી સમજ હતી. કોંગ્રેસમાંના હિંદુવાદીઓ અને હિંદુ મહાસભા આના સ્વીકારના વિરોધમાં હોવાથી જો કોંગ્રેસ મુસ્લિમોને લાભ ના આપે તો એ લાભ સરકાર આપે એમ માનીને ઝીણા સરકારની નજીક અને કોંગ્રેસથી આઘા થતા ગયા. તેઓએ વાઈસરોય લોર્ડ ઈરવીન તરફ નજર માંડી.
કોંગ્રેસ મુસ્લિમ લીગને મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે સ્વીકારતી ન હતી. તે મુસ્લિમ લીગના ઉમેદવાર સામે પોતાના ઉમેદવાર ઊભા રાખતી આથી ઝીણા કોંગ્રેસના નેતાઓથી દૂર થતા ગયા.
મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુની ખૂબ નજીક હોવાથી દેશ આઝાદ બને તો જવાહરલાલ અને કોંગ્રેસમાંના મુસ્લિમોને જ સત્તા મળે. મુસ્લિમ લીગ અને ઝીણા સત્તા વિનાના રહે. મહંમદઅલી ઝીણાને ત્યારે એવું લાગ્યું હોવાનો સંભવ છે કે, ભારતીય રાજકારણમાં પોતે મહાત્મા ગાંધી કરતાં ય એક દસકો સિનિયર છે. જવાહરલાલ નેહરુ કરતાં તેર વર્ષ મોટા અને રાજકારણમાં દસકાઓ સિનિયર છે, તો પણ સત્તાથી વંચિત રહેવું પડે? સત્તા મેળવવા હવે કોંગ્રેસ અને ગાંધીજીને બદલે અંગ્રેજો જ ઉપયોગી થાય તેમ છે. કોંગ્રેસને બદલે કોમવાદ અને મુસ્લિમ લીગ જ સાધન તરીકે ઉપયોગી છે. આ રસ્તે તેઓ ભારતના ભાગલા પાડીને સત્તા મેળવીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા (બાવા એક કોમ) અને ગવર્નર જનરલ બન્યા.
કોમવાદ અને બ્રિટિશ સરકારને સાધન તરીકે વાપરીને સફળ થયા પછી પાકિસ્તાનની આઝાદી પછીના પ્રથમ પ્રવચનમાં તેમણે કહ્યું હતું, ‘હવે ગઈગુજરી ભૂલી જઈને પાકિસ્તાનમાં બધા જીવે એ જ પાકિસ્તાનની આબાદીનો રાજમાર્ગ છે. પાકિસ્તાનમાં રહેનાર બધી કોમના લોકોને પોતાના ધર્મનું પાલન કરવાનો અને શાંતિથી જીવવાનો હક્ક છે. પાકિસ્તાનમાં સૌ કાયદાની નજરે સરખા છે.’
મહંમદઅલી ઝીણા પાકિસ્તાનની સ્થાપના પછી અગિયાર માસમાં અવસાન પામ્યા. તેમના મરણથી તેમની ઈચ્છાની દુનિયા ડૂબી ગઈ. છતાં મહંમદઅલી ઝીણા દરિયાપારના શ્રેષ્ઠ ગુજરાતી હતા તે નકારી શકાય તેમ નથી. (સમાપ્ત)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter