પ્રતિકૂળ સંજોગોમાં ટકવા માટે જરૂરી છે દૃઢ મનોબળ

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 29th September 2020 05:10 EDT
 
 

બીજી ઓક્ટોબર ૨૦૨૦ એટલે ગાંધીજીની ૧૫૧મી જન્મ શતાબ્દી. ગાંધીજી લંડનની ઇનર ટેમ્પલ કોલેજમાં કાયદો ભણવા આવેલા. નવેમ્બર ૧૯૮૮માં તેમણે કોલેજ જોઈન કરી અને તેના એક સપ્તાહ બાદ તેમના ભાઈ લક્ષ્મીદાસ ગાંધીને પત્ર લખેલો ત્યારે લંડનની ઠંડી અંગે લખતા જણાવેલું કે વાતાવરણ ખરાબ છે પરંતુ સારી વાત એ છે કે તે લાંબો સમય ટકતું નથી. વળી તેઓ લખે છે કે આવી ઠંડી છતાં મને માંસ કે દારૂની આવશ્યકતા જણાતી નથી. આ વાતની ખુશી પણ તેઓ પત્રમાં જાહેર કરે છે.

ગાંધીજી તેમની ડાયરીમાં નોંધે છે કે તેઓ લંડન આવ્યા તેની પહેલા કેવલરામભાઈને મળવા ગયેલા ત્યારે તેમણે કહેલું કે તેને વિલાયતમાં લગભગ ૧૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થઇ પડશે. આ બાબતથી ગાંધીજીને ચિંતા થઇ આવેલી. ઉપરાંત કેવલરામભાઈએ એવું પણ કહેલું કે વિલાયત જઈને તેમને જો ધર્મને લગતા કોઈ પૂર્વગ્રહો હોય તો તે ત્યજવા પડશે. તેમને માંસ ખાવું પડશે અને દારૂ પીવો પડશે. તેના વિના રહી શકાશે નહિ. તે જેટલો વધારે ખર્ચ કરશે તેટલા વધારે બુદ્ધિશાળી બનશે. કેવલરામભાઈની આવી વાતથી તેઓ આંશિક રીતે નાસીપાસ થયેલા તેવી કબૂલાત ગાંધીજીએ પોતાની ડાયરીમાં કરી છે. પરંતુ ગાંધીજી પોતાનો દ્રઢ નિશ્ચય બતાવતા લખે છે કે એક વાર નિર્ણય કરી લીધા પછી હું તેને આસાનીથી છોડી દઉં તેવો માણસ નથી. એટલે તેમના મનમાં લંડન અંગે આ એક ડર રહી ગયો હશે અને અમુક સમયથી લંડનમાં હોવા છતાં અને વાતાવરણ ઠંડુ હોવા છતાં તેમને માંસ-મદિરાનું સેવન કરવાની આવશ્યકતા જણાઈ નથી તે વાતથી ગાંધીજી સંતોષ અનુભવે છે.
આજના સમયમાં માંસ-મદિરાના સેવનની વાત તો ખુબ સામાન્ય ગણાય. પરંતુ ગાંધીજી વિલાયત ભણવા આવવાની તૈયારી કરતા હતા ત્યારે તેમને પૈસાની વ્યવસ્થા કરવામાં અને ઘરેથી માતા અને મોટા ભાઈની મંજૂરી મળવામાં મુશ્કેલીઓ આવતી હતી. કોઈએ તો તેમની માતાને એવી સલાહ આપેલી કે બહાર મોકલશો તો છોકરો બગડી જશે. આ ડર તો જોકે તેમની માતાના મનમાં હતો છતાં ગાંધીજી ક્યારેય માંસ મદિરાનું સેવન નહિ કરે તેવું વચન લઈને માતાએ પુત્રને વિલાયત જવાની પરવાનગી આપેલી. આવી પશ્ચાદ ભૂમિકા સાથે લંડન આવેલા યુવાન મોહનદાસ ગાંધીને માટે માંસ-મદિરાનું સેવન ન કરવું અને છતાંય લંડનમાં ટકી રહેવું એક મહત્ત્વપૂર્ણ ચુનૌતી હતી અને માત્ર તેમાં સફળ થવું જ નહિ પરંતુ તેના પરિવારને બતાવવું કે તેઓ માંસ-મદિરાથી દૂર રહે છે તે પણ જરૂરી હતું. પછીથી તો ગાંધીએ લંડનમાં વેજીટેરિયન સોસાયટીની સ્થાપના પણ કરેલી.
ગાંધીજી તેમના વચનપાલનમાં પાકા હતા એ વાત સૌ જાણે છે અને તે મનોબળ સૌથી મોટું જમા પાસું હતું જેને કારણે તેઓ પ્રતિકૂળ સંજોગોમાં પણ ટકી શક્યા અને જ્યાં વિજયની ખુબ ઓછી શક્યતા હોય તેવી ચળવળો પણ હાથ ધરીને તેને સફળતા સુધી પહોંચાડી શક્યા હતા. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter