પ્રશાંત મહાસાગરના ટાપુઓમાં પ્રથમ પટેલઃ દુર્લભભાઈ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Wednesday 15th April 2020 04:52 EDT
 
 

૧૯૨૯માં ગોવિંદભાઈ અને ઈચ્છીબહેનને ત્યાં પુત્ર દુર્લભ જન્મ્યો. મહેનતકશ પરિવારમાં ઉછરતો દુર્લભ પાંચ વર્ષનો થતાં મા ઈચ્છીબહેનનું અવસાન થયું. મા વિનાના પુત્રને નાનીમાએ રાખ્યો અને પછી નાના મામા રણછોડભાઈ ફિજીથી પરણવા આવતાં તેમની સાથે દુર્લભને ફિજી મોકલ્યો. દુર્લભ ફિજીમાં ઉછરવા લાગ્યો અને શાળામાં દાખલ થવાનું થતાં મોટા મામા કેશુભાઈનું નામ પિતા તરીકે લખાવ્યું. આથી મામા દુલર્ભના પિતા બન્યા.

દરજીકામ કરતાં મામાએ ભાણાને સાત ધોરણ સુધી ભણાવ્યો. મામા દરજીકામ છોડીને કાપડના વેપારી બનતાં ભાણાને એમાં પલોટ્યો. એક જ ઘરમાં ૧૬ વ્યક્તિ રહે. આમાં દુર્લભનો સમાવેશ થયો. ઝાઝાં માણસ સાથે રહેવાનું થતાં બાંધછોડની, બીજા માટે ઘસાવાની અને અનુકૂળ થવાની ભાવનાથી ઘડાયો. ભાવિ જીવનમાં આ અનુભવે પ્રગતિપથને સરળ અને ઝડપી બનાવ્યો. મામાના ધંધામાં માહેર બનીને તેઓ દુર્લભભાઈ બન્યા. ૧૯૫૦માં ૨૧ વર્ષની વયે દુર્લભભાઈ પરણવા માટે ભારત પહોંચ્યા. શિક્ષક પિતાની, સાત ધોરણ સુધી ભણેલી દીકરી સુમિત્રાબહેન સાથે લગ્ન થયાં.
ભારતથી પરણીને પાછા આવ્યા ત્યારે બંને મામાના દીકરાઓએ પોતાની અલગ અલગ કંપની કરીને વેપાર શરૂ કરતાં દુર્લભભાઈએ પણ પોતાની ડી. કે. પટેલ કંપની શરૂ કરીને જીવનજરૂરી ચીજો થાઈલેન્ડ, જાપાન, હોંગ કોંગ, ચીન, ભારત, કોરિયા અને ઈન્ડોનેશિયાથી મંગાવીને વેપાર શરૂ કર્યો. માલ ખરીદવા જાતે જાય અને બૂટ, કપડાં, રમકડાં, છત્રી, કટલરી વગેરે કસીને ખરીદે. માલની ગુણવત્તા અને ભાવની ચકાસણી કરીને લાવે. ટકાઉ અને સસ્તો માલ લાવે. માત્ર ફિજીમાં વેચીને બેસી રહેવાને બદલે નજીકના નાના ટાપુ કિરબાતી, સમોઆ, નૌરુ, તાહિલી, ટોગા, નોમિયા, કુક આઈલેન્ડ વગેરે પર હોડીમાં બેસીને માલ સાથે પહોંચે. હોડી પવન પ્રમાણે ચાલે તેથી પહોંચાવાનો સમય નક્કી નહીં. ગયા પછી રહેવાને હોટેલ ના હોય. સાથે લઈ ગયા હોય તે ખાય. સગવડ હોય તો ખીચડી અને શાક બનાવીને ખાય. આવા નાના ટાપુઓ પર વેપાર માટે જનારા તે પ્રથમ પાટીદાર હતા. ટાપુઓ પર બેંકો ન હતી તેથી ઉઘરાણી માટે જાતે જવું પડતું. વર્ષમાં આ રીતે ત્રણ-ચાર વાર ઉઘરાણી અને માલ વેચવા જવાનું થતું.
નાની વયે મા ગુમાવીને મામા-મામી સાથે રહેવાનું થતાં બીજાને અનુકૂળ થઈને રહેવાની અને સામાને મદદરૂપ થવાની ભાવના વિક્સી હોવાથી જ્યારે કોઈ ટાપુ પર માલ વેચવા જાય ત્યારે નાના વેપારીની આર્થિક અટવામણ જાણતા હોવાથી વિશ્વાસ રાખીને ઉધાર માલ આપતા. આવા દુર્લભભાઈ ટાપુઓના વેપારીઓમાં લોકપ્રિય બન્યા. નિરાભિમાની, નમ્ર અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને જીવતા. તેમને બધા આદરભાવથી જોતા.
દુર્લભભાઈ વિદ્યાનુરાગી હતા. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના ચાહક હતા. દીકરીઓને તેમણે ભારતમાં રાખીને ભણાવી. લગ્ન પછી બંને જમાઈને ફિજી બોલાવીને, સાથે રાખીને ધંધામાં ઘડ્યા. બંને જમાઈ ધંધાના પૂરા જાણકાર છે અને દુર્લભભાઈની દોરવણીમાં ધંધો સંભાળે છે.
નાના જમાઈ જીતેન્દ્રભાઈના લઘુબંધુ રાજેશભાઈએ ફોન કરીને જણાવ્યું, ‘બીએપીએસના સંતો સાથે ડોક્ટરસ્વામીને ધર્મપ્રચાર માટે ન્યૂ ઝિલેન્ડ આવવું છે.’ ૧૯૮૭માં ફિજીમાં થયેલા લશ્કરી બંડ પછી દુર્લભભાઈ ફિજી છોડીને સપરિવાર ઓકલેન્ડ વસીને વેપાર-ધંધો કરતા હતા. આ ફોનના અનુસંધાનમાં અમદાવાદથી ડોક્ટરસ્વામી છ સહિત ઓકલેન્ડ આવ્યા. દુર્લભભાઈએ તેમની બધી વ્યવસ્થા કરી. સંતોના વર્તનથી દુર્લભભાઈ અને પરિવારમાં સંતો પ્રત્યે આદરભાવ અને પ્રેમ જન્મ્યો. આ પછી ૧૯૯૬માં દુર્લભભાઈ ભારત ગયા ત્યારે શાહીબાગ મંદિરે પ.પૂ. પ્રમુખસ્વામીને મળતાં પ્રભાવિત થયા. બાપાને તેમણે કહ્યું, ‘આપ ઓકલેન્ડ આવો તો સત્સંગ ખૂબ વધે.’
૧૯૯૬માં પ્રમુખસ્વામી મહારાજ ઓકલેન્ડ પધાર્યા અને સતત બાર દિવસ તેઓ દુર્લભભાઈને ત્યાં રહ્યાં. દુર્લભભાઈને આ સહવાસે બાપામાં રહેલી દિવ્યતાની અનુભૂતિ થઈ. બાપા ઓકલેન્ડ અને આસપાસના વિસ્તારોમાં ફર્યા અને ભારતીયોની વસતી જોઈને કહ્યું, ‘અહીં મંદિર કરો તો સારું!’
બાપાના કારણે દુર્લભભાઈએ અહીં મંદિર કરવાનો સંકલ્પ કર્યો. પોતે મોટી રકમ દાનમાં આપી. ફિજી જઈને સારાં દાન મેળવ્યાં. ન્યૂ ઝિલેન્ડમાંથી પણ સારાં દાન મળ્યાં. અમેરિકા અને બીજેથી બાપાના સત્સંગીઓના દાન મળતાં ૬૫ લાખ ડોલરના ખર્ચે ભવ્ય શિખરબંધ મંદિર થયું.
મંદિરના કારણે હિંદીઓ પશ્ચિમી સંસ્કૃતિના પ્રવાહમાં ખેંચાતાં બચ્યાં. હિંદીઓમાં એકતા આવી. ગુજરાતી અને હિંદી ભાષાના વર્ગો શરૂ કર્યાં. નવા જમાનામાં દીકરાઓ બાપનું માનતા નથી ત્યારે દુર્લભભાઈના બંને જમાઈ દુર્લભભાઈ કરતાં ય ધાર્મિક આચાર અને ભક્તિમાં સવાયા થઈને જીવે છે. સસરાનો સાંસ્કૃતિક વારસો જીવતો રાખવા સ્પર્ધા કરતા હોય તેવા જમાઈઓ દુર્લભભાઈની મોટી સિદ્ધિ છે. પ્રશાંત મહાસાગરના ટાપુઓમાં પહેલાં પહોંચેલાં પાટીદારોમાંના એક દુર્લભભાઈ બીએપીએસ સત્સંગની શોભા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter