ભારતની લોકશાહીનો આત્માઃ ભારતીય બંધારણ

પ્રજાસત્તાક પર્વ વિશેષ

Wednesday 21st January 2026 04:27 EST
 
 

‘અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ અને બિનસંપ્રદાયિક સમાજવાદી લોકશાહી બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દૃઢ સંકલ્પ કરીને આ બંધારણ સભા આજે 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવે છે અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ.’
ભારતના બંધારણની શરૂઆત પંડિત જવાહરલાલ નેહરુએ લખેલા આ આમુખથી થાય છે. તેમાં આખા બંધારણનો સાર છે. બંધારણના મુખ્ય પાના પર ચાર સિંહની આકૃતિવાળું રાષ્ટ્રીય ચિહન તથા દેશનું નામ ‘રિપબ્લિક ઓફ ઇન્ડિયા’ અને તેની નીચે દેવનાગરી લિપિમાં ‘સત્યમેવ જયતે’ લખેલું છે. સત્યમેવ જયતે આપણું રાષ્ટ્રીય સૂત્ર છે. રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ છે અને તે 66 સેકન્ડમાં ગાવું અનિવાર્ય છે. ‘જન ગણ મન’ રાષ્ટ્રગીત અથવા રાષ્ટ્રગાન છે તે 52 સેકન્ડમાં પૂરું થઇ જવું જોઇએ. બંધારણ મુજબ ‘જય હિન્દ’ આપણો રાષ્ટ્રીય નારો છે. કેરી રાષ્ટ્રીય ફળ, વડ રાષ્ટ્રીય વૃક્ષ, રોયલ બેંગાલ ટાઈગર રાષ્ટ્રીય પ્રાણી, ગંગા રાષ્ટ્રીય નદી, ગંગા નદીની ડોલ્ફિન રાષ્ટ્રીય જળચર પ્રાણી, કમળ રાષ્ટ્રીય પુષ્પ અને મોર રાષ્ટ્રીય પક્ષી છે. ચા રાષ્ટ્રીય પીણુ અને જલેબી રાષ્ટ્રીય મીઠાઈ છે.
દુનિયાનું સૌથી લાંબુ બંધારણ
ભારતનું બંધારણ દુનિયાનું સૌથી લાંબું 502 પાનામાં ફેલાયેલું છે. 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી, ત્યારે તેમાં ભાગલા પહેલાંના ભારતના 389 અસ્થાયી અને સાત સ્થાયી સભ્ય હતા. ડો. રાજેન્દ્રપ્રસાદ સ્થાયી અધ્યક્ષ હતા. બી.એન. રાવ બંધારણીય સલાહકાર હતા, જ્યારે ખરડા, પ્રારૂપ, ડ્રાફ્ટિંગ અને કાયદા સમિતિના અધ્યક્ષ ડો. ભીમરાવ આંબેડકર હતા. સાત સ્થાયી સભ્યમાં ક.મા. મુનશી એક માત્ર ગુજરાતી અને સરોજિની નાયડુ એકમાત્ર મહિલા સભ્ય હતાં. બંધારણ ઘડવાની શરૂઆત નવમી ડિસેમ્બર 1946ના રોજ થઈ હતી. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, બંધારણ સભાની કુલ 166 બેઠક મળી હતી. બંધારણ ઘડવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા અને રૂ. 64 લાખનો ખર્ચ થયો હતો. 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલી થયું અને ભારત પ્રજાસત્તાક દેશ બન્યો.
અનેક દેશના બંધારણનો અભ્યાસ કરીને ઘડતર
આપણે 26 જાન્યુઆરીએ 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીશું. ભારતનું બંધારણ વિશ્વના અન્ય અનેક દેશના બંધારણનો અભ્યાસ કરીને ઘડવામાં આવ્યું છે. સંસદ, સ્પીકરનો હોદ્દો, વડાપ્રધાન અને મંત્રીમંડળની જોગવાઇઓમાં ઇંગ્લેન્ડના બંધારણનો પ્રભાવ હતો. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનાં પદ તેમજ આમુખનો વિચાર અમેરિકા પાસેથી મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી મૂળભૂત અધિકારો, આયર્લેન્ડમાંથી રાજકારણના માર્ગદર્શક સિદ્ધાંતો અને રશિયા પાસેથી મૂળભૂત ફરજો જેવી બાબતો સ્વીકારાઇ. કટોકટીની જોગવાઈ જર્મનીના બંધારણમાંથી, મજબૂત કેન્દ્ર ધરાવતા સમવાયી તંત્રનો વિચાર કેનેડા
પાસેથી, બંધારણમાં સુધારા-વધારા કરવાની જોગવાઇ દક્ષિણ આફ્રિકા પાસેથી, પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા ફ્રાન્સ પાસેથી અને
કાયદાકીય જોગવાઇઓ જાપાનના બંધારણમાંથી મેળવાઇ છે.
બંધારણના કેન્દ્રમાં ભારતનો નાગરિક
બંધારણ અમલી થયા પછી અત્યાર સુધીમાં 101 બંધારણીય સુધારા કરાયા છે. 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક ગણરાજ્ય કહેવાયું. બંધારણમાં સંસદ અને વિધાનસભાથી લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની ફરજો, હક્કો, શાસન વ્યવસ્થા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિથી માંડીને રાજ્યપાલ, વડાપ્રધાન, મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ તેમજ ન્યાયતંત્રની ફરજો, હક્કો અને મર્યાદા નક્કી કરાયાં છે. બંધારણના કેન્દ્રમાં ભારતનો નાગરિક છે. બંધારણમાં કહેવાયું છે કે નાગરિકના મૂળભૂત અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. ભારતના બંધારણ મુજબ દરેક નાગરિકને સમાનતાનો હક છે. કાયદો બધા માટે સમાન છે. દરેક નાગરિકને કાયદાનું સમાન રક્ષણ મેળવવાનો અધિકાર છે. કોઇ વ્યક્તિ કે વર્ગને વિશેષાધિકાર નથી. વડાપ્રધાન અને પટાવાળાને એક સરખો કાયદો લાગુ પડે છે.
દરેક અધિકારની ચોખવટ
બંધારણના ઘડવૈયાઓએ દરેક અધિકારની પણ ચોખવટ કરી છે. તમામ નાગરિકોને દુકાનો, હોટેલ, રેસ્ટોરન્ટ અને જાહે૨ મનોરંજનના સ્થળે પ્રવેશની, જાહેર સ્થળના ઉપયોગની તેમજ જાહેર રસ્તા, તળાવો કે કૂવાનો વપરાશ કરવાની એક સમાન છૂટ અપાઇ છે. બંધારણે દરેક નાગરિકને છ પ્રકારની સ્વતંત્રતા આપી છે. તેમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થઇને સભા ભરવાની, મંડળો કે યુનિયન રચવાની, ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમેત્યાં મુક્તપણે હરવા-ફરવાની અને સ્થાયી થવાની તેમજ ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે.
ભારતનો નાગરિક પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા, લેખિત, મૌખિક કે અભિનય દ્વારા વ્યક્ત કરી શકે છે. જોકે તે સાથે જ કોઇને અમર્યાદિત કે નિરકુશ રીતે વર્તવાની છૂટ નથી. ભારતનું સાર્વભૌમત્વ, અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો કે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી જોખમાય તેવા કિસ્સામાં તેમજ અદાલતનો તિરસ્કાર, કોઈની બદનક્ષી કે હિંસા માટે ઉશ્કેરણી જેવા કિસ્સામાં રાજ્ય અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર રાજ્ય નિયંત્રણ કરી શકે છે. શોષણવિહીન સમાજની સ્થાપનાના હેતુથી ભારતના દરેક નાગરિકને શોષણ વિરુદ્ધનો અધિકાર પણ અપાયો છે. મનુષ્યનો વ્યાપાર, વેઠપ્રથા, દાસત્વ અને બાળમજૂરી પ્રતિબંધિત છે. વગર વેતને કે લઘુમતી વેતન કરતા ઓછા વેતનથી કામ કે મજૂરી કરાવવી એ ગુનો બને છે. 14 વર્ષથી નીચેના બાળકને હોટલ, લારી-ગલ્લા કે ઘરનોકર તરીકે પણ કામ કરાવવાની મનાઈ છે. આ ઉપરાંત ભારતના કોઈ પણ નાગરિકને મનપસંદ ધર્મ અને માન્યતાનું પાલન કરવાનો અને તેનો પ્રચાર- પ્રસાર કરવાનો મૂળભૂત અધિકાર છે.
રાજ્યોનો પોતાનો કોઇ ધર્મ નહીં
ભારતના બંધારણ મુજબ રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી. રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાને આધારે ચાલતું નથી. રાજ્ય કોઇ સંપ્રદાયની ધાર્મિક બાબતો અને માન્યતામાં દખલગીરી કરી શકતું નથી. કોઇ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકતું નથી. બંધારણે નાગરિકોને સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્કો પણ આપ્યા છે. લોકોને પોતાની અલગ ભાષા, લિપિ અને સંસ્કૃતિની ઓળખ જાળવી રાખવાનો અધિકાર છે. રાજ્યની ગ્રાન્ટ પર ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષાના કારણસર પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાતો નથી. ચૂંટણીમાં ધર્મ, જાતિ કે ભાષાના ધોરણે મતની અપીલ કરી શકાતી નથી.
ન્યાય માંગવાનો અધિકાર બંધારણનો આત્મા
આ સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનો ભંગ થાય ત્યારે હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાય માંગવાનો દરેક નાગરિકને અધિકાર છે. આ અધિકારને ડો. આંબેડકરે બંધારણનો આત્મા ગણાવ્યો છે. નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી સર્વોચ્ચ અદાલતની છે. એવા કિસ્સામાં અદાલત આદેશ, સૂચના કે હુકમ કરવાની વિશાળ સત્તા ધરાવે છે અને તેની કાર્યવાહી સામે કોઇ વાંધો લઈ શકતું નથી, ભારતના બંધારણમાં સુધારાવધારાનો સંસદને અધિકાર છે, પરંતુ બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો અધિકાર નથી. બંધારણની સમીક્ષા અને બંધારણીય જોગવાઇઓનું અર્થઘટન કરવાની પણ સુપ્રીમ કોર્ટ પાસે સત્તા છે. બંધારણની મૂળ પ્રત સુપ્રીમ કોર્ટમાં સચવાઇ છે. સુપ્રીમ કોર્ટ બંધારણની રક્ષક છે. બંધારણ લોકશાહીનો આત્મા છે. બંધારણનું પાલન કરવાની અને કરાવવાની જવાબદારી શાસકોની છે. બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે યોગ્ય જ કહ્યું છે કે, ‘જો ચૂંટાયેલા લોકપ્રતિનિધિ સક્ષમ, ચારિત્રયવાન અને વિશ્વાસપાત્ર હશે, તો બંધારણની કદાચ કોઇ ક્ષતિ છતાં એ લોકો બંધારણીય જોગવાઇઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરશે, પણ જો તેમનામાં આ ગુણોનો અભાવ હશે તો બંધારણ પણ દેશને મદદ નહીં કરી શકે. અંતે તો બંધારણ પણ નિર્જીવ જ છે. એનામાં જીવ પૂરવાનું કામ તો તેના પ૨ કાબૂ ધરાવતા અને તેને ચલાવતા લોકો દ્વારા જ કરવામાં આવે છે.’

•••

ભારતીય સંવિધાનઃ જાણવા જેવું
• ભારતના બંધારણને ઘડવામાં 2 વર્ષ 22 મહિના અને 18 દિવસ લાગ્યા હતા.
• સંવિધાનનો મુસદ્દો તૈયાર કરવા માટે 7635માંથી 2473 સુધારા પર ચર્ચા કરવામાં આવી હતી.
• આ સમયમાં સંવિધાન સભાનાં સભ્યોએ દેશનાં સર્વોચ્ચ કાયદાને આખરી ઓપ આપવા 166 બેઠકો કરી હતી.
• આટલા મોટા દેશનું બંધારણ હિન્દી અને અંગ્રેજીમાં હાથથી લખવામાં આવ્યું હતું. તેની મૂળ નકલ સંસદની લાયબ્રેરીમાં આજે પણ સચવાયેલી છે.
• આ લેખનકાર્ય પ્રેમબિહારી નારાયણ રાયજાદાએ કર્યું હતું.
• ભારતનું બંધારણ કોઈ પણ સાર્વભૌમ દેશનું સૌથી મોટું લખેલું બંધારણ છે.
• સ્વતંત્ર ભારતનાં પહેલા કાયદા પ્રધાન બી. આર. આંબેડકરને બંધારણનાં મુખ્ય ઘડવૈયા ગણવામાં આવે છે.
• 73 વર્ષ પહેલાં 1949માં 26 નવેમ્બરનાં રોજ દેશનું બંધારણ રચાઈને તૈયાર થયું હતું.
• ત્યારથી આજ સુધીમાં બંધારણમાં 101 સુધારા કરવામાં આવ્યા છે.
• બંધારણ સભામાં પાસ થયા પછી તેની 26 જાન્યુઆરી 1950થી અમલ કરવામાં આવ્યો હતો.
• બંધારણ અમલી બન્યા પહેલાં ભારતની શાસનવ્યવસ્થા અનેક અધિનિયમો હેઠળ ચાલતી હતી.
ભારતીય બંધારણઃ આંકડાઓમાં
• 502 પાન q 12 અનુસૂચિ q 465 આર્ટિકલ q 25 પાર્ટ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter