ભારતમાં કઇ રીતે થશે કોરોના વેક્સિનેશન?

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 12th January 2021 03:19 EST
 
 

યુકેમાં લોકોને રસીકરણ શરૂ થઇ ગયું છે. વાંચકોને આતુરતા હશે કે ભારતમાં રસીકરણ ક્યારે શરૂ થવાનું છે.

ભારતમાં પણ મીડ-જાન્યુઆરીથી રસીકરણ શરૂ થઇ રહ્યું છે. તેના અંતર્ગત જે લોકો આરોગ્યક્ષેત્રે કે બીજી કોઇ રીતે ફ્રન્ટલાઈન વર્કર હોય તેમને પહેલા રસી મળશે. ૫૦ વર્ષથી વધારે ઉંમરના અથવા તો બીજી કોઈ બીમારી ધરાવતા લોકો ત્યાર પછીના ક્રમે આવશે અને ત્યાર બાદ બાકીના લોકોને રસી ઉપલબ્ધ કરાવશે.
જેમને રસીકરણ માટેની યાદીમાં નામ આવતું જશે તેમને એસએમએસથી જાણ કરવામાં આવશે કે તેમને ક્યારે અને ક્યાં સ્થળે રસીકરણ માટે જવાનું છે.
રસીકરણ માટે નોંધણી - રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવાયું છે. CoWINની વેબસાઈટ પર જઈને વ્યક્તિએ સરકાર દ્વારા અપાયેલ કોઈ ઓળખપત્રનો ફોટો ઉપલોડ કરવાનો છે. તેની ખરાઈ બાયોમેટ્રિક, ઓટીપી કે બીજી કોઈ રીતે થશે. એક વાર રજીસ્ટર થયા પછી વ્યક્તિને રસીકરણ માટે સમય અને તારીખ આપવામાં આવશે. જે તે જિલ્લાનું વહીવટી તંત્ર રસીકરણ માટેના લાભાર્થીઓને પ્રમાણિત કરીને તેમના માટે સ્થળની ફાળવણી કરશે. ત્યારબાદ લાભાર્થીને એક એસએમએસ આવશે કે તેને રસીકરણ માટે ક્યાં જવાનું છે. જેને રસીના ડોઝ મળી જશે તેને પણ એસએમએસ આવશે. રસીના બધા જ ડોઝ મળી જશે પછી QR કોડ બેઝડ સર્ટિફિકેટ પણ વ્યક્તિના મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. એ વાત પર વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું છે કે નોંધણી માત્ર વેબસાઈટ પર જ થશે. ઓનસાઈટ નોંધણી કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
રસીકરણ માટે નોંધણી કરતી વખતે વ્યક્તિએ આધાર કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ / વોટર આઈડી / પાન કાર્ડ / પાસપોર્ટ / નોકરીનું કાર્ડ / પેંશનના કાગળ કે એવું કોઈ ફોટોવાળું ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. તેના ઉપરાંત બીજા કેટલાક સરકારી ઓળખપત્રોને પણ માન્ય ગણવામાં આવ્યા છે. પરંતુ આ ફોટોવાળું ઓળખપત્ર માત્ર વેબસાઈટ પર નોંધણી કરાવતી વખતે જ નહિ પરંતુ રસી લેવા જતી વખતે પણ પ્રસ્તુત કરવાનું રહેશે.
જયારે વ્યક્તિ રસીકરણના સ્થળ પર જાય ત્યારે ત્યાં પણ કેટલાક પ્રોટોકોલ જાળવવાના છે. રસી મળ્યા બાદ વ્યક્તિએ અડધો કલાક આરામ કરવાનો છે અને જો કોઈ પ્રકારની તકલીફ કે અસ્વસ્થતા જણાય તો નજીકના આરોગ્ય અધિકારીને તરત જ જાણ કરવાની છે. રસીકરણના સ્થળે પણ વ્યક્તિએ માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ અને સેનિટાઇઝેશનના નિયમોનું ચુસ્તપણે પાલન તો કરવાનું જ છે.
રસીના બે ડોઝ આપવામાં આવશે અને તે ૨૮ દિવસના અંતરે અપાશે. રસીનો બીજો ડોઝ લીધા પછી લગભગ બે અઠવાડિયામાં સુરક્ષાત્મક એન્ટીબોડીઝ શરીરમાં વિકસે છે અને તેનાથી કોવિડ સામે રક્ષણ મળે છે.
રસીકરણને લઈને કેટલીક અફવાઓ અને ખોટી માહિતીઓ ફેલાઈ રહી છે. ભારતમાં પણ એવું થયું છે. કેટલાક લોકોએ એવી માહિતી ફેલાવી છે કે ભારતમાં રસી ફરજિયાત છે. પરંતુ માયગોવઇન્ડિયા અનુસાર રસીકરણ સ્વૈચ્છિક છે પરંતુ સલાહનીય છે જેથી વાઇરસનો ફેલાવો અટકાવી શકાય. કેટલાક લોકોનો પ્રશ્નએ એ પણ છે કે ભારતીય રસી વિદેશી રસીની સરખામણીમાં ઓછી અસરકારક છે? પરંતુ તેવું નથી. મહત્ત્વની વાત તો એ છે કે ભારત રાશિનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવવામાં આવેલી રસીનું ઉત્પાદન પુણેમાં આવેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં થઇ રહ્યું છે.
અત્યાર સુધીમાં ભારતમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવાયેલી Covishield અને ભારત બાયોટેક દ્વારા બનાવાયેલ Covaxin એવી બે રસીઓને મંજૂરી મળી છે. આ ઉપરાંત ZyCov-Di અમદાવાદમાં ઝાયડસ-કેડિલા દ્વારા, હૈદરાબાદમાં બાયોલોજીકલ ઈ દ્વારા, અને એક પુણેમાં સ્થિત જીનોવા કંપની દ્વારા પણ રસી વિકસાવવામાં આવી રહી છે અને તેઓ અપ્રુવલના અલગ અલગ સ્તરે છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter