માતાનો ખાલીપો અનુભવતા રાજકુંવરોએ પ્રિન્સેસ ડાયેનાની ૫૬મી જન્મજયંતિએ અંજલિ આપી

ભાઇ અર્લ સ્પેન્સરે બહેનને ઇતિહાસમાં સ્થાન આપવા અપીલ કરી

સંકલન: કોકિલા પટેલ Wednesday 05th July 2017 09:32 EDT
 
પ્રિન્સ વિલિયમ એમનાં પત્ની કેટ અને બે બાળકો પ્રિન્સ જયોર્જ, પ્રિન્સે શાર્લોટ સાથે ૧લી જુલાઇએ માતા પ્રિન્સેસ ડાયેનાને ૫૬મી વર્ષગાંઠે અંજલિ આપવા અર્લ થોર્પના ઓવલ લેક પર જઇ રહ્યા છે.
 

રવિવાર, ૧લી જુલાઇએ પ્રિન્સેસ ઓફ વેલ્સ સ્વર્ગસ્થ ડાયેનાની ૫૬મી જન્મજયંતિ નિમિત્તે એમના બે રાજકુવરો અને પરિવારજનોએ અંજલિ આપતા એક ખાનગી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. નોર્થેમ્પટનશાયરના અલથોર્પ પાર્કના પ્રાકૃતિક ઉદ્યાન વચ્ચે આવેલ "ધ ઓવલ" નામક સરોવરની મધ્યમાં પ્રિન્સેસ ડાયેનાને દફનાવવામાં આવ્યાં છે એ સ્થળે પ્રિન્સ વિલિયમ એમનાં પત્ની કેટ અને એમના બે બાળકો પ્રિન્સ જયોર્જ, પ્રિન્સેસ શાર્લોટ તેમજ પ્રિન્સ હેરીએ જઇને સદગત માતા પ્રિન્સેસ ડાયેનાને ૫૬મી વર્ષગાંઠે અંજલિ આપી હતી. આ બન્ને પ્રિન્સ વિલિયમ્ અને પ્રિન્સ હેરી સાથે એમના મામા (પ્રિન્સેસ ડાયેનાના ભાઇ) લોર્ડ અર્લ સ્પેન્સર પણ ઉપસ્થિત રહ્યા હતા. સરોવરની મધ્યમાં "ધ ઓવલ" ખાતે ડાયેનાની કબર સમક્ષ સૌ બેઠા હતા એ વખતે આર્ચ બિશપ ઓફ કેન્ટરબરીએ પ્રિન્સેસના ટૂંકા આયુષ્ય દરમિયાન કરેલા સદકાર્ય પર પ્રકાશ પાડી એમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. પ્રિન્સેસ ડાયેનાના પૌત્ર પ્રિન્સ જ્યોર્જ અને પૌત્રી પ્રિન્સેસ શાર્લોટે કમનસીબે દાદીમાને જોયાં કે એમના વાત્સલ્યનો અનુભવ નથી કરી શક્યાં પણ તેઓ કોના માટે પ્રાર્થના કરી રહ્યાં છે એની બરોબર સમજ હતી એમ પ્રિન્સ વિલિયમે એક નિવેદનમાં જણાવ્યું.

પ્રિન્સ ચાર્લ્સ કેનેડાના પ્રવાસે

ડાયેનાના બન્ને રાજકુંવરો, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રી જયારે નોર્ધમ્પટનશાયર ખાતે અંજલિ આપી રહ્યાં હતાં ત્યારે એમના ભૂતપૂર્વ પતિ પ્રિન્સ ચાર્લ્સ એમનાં પ્રેમિકા એવં પત્ની કેમિલા સાથે કેનેડાનો પ્રવાસ કરતા હતા. કેટલાકનું માનવું છે કે પ્રિન્સ ચાર્લ્સ અને કેમીલાએ જાણી કરીને જ આ પારિવારીક દુ:ખદ પળને અળગી રાખી હશે. જો કે સત્તાવાર સૂત્રોનું કહેવું એમ છે કે પ્રિન્સ વિલિયમ અને હેરીએ આ પ્રાર્થનાનું આયોજન કર્યું એ પહેલાં એક વર્ષ અગાઉથી કેનેડાના સત્તાવાર પ્રવાસનું આયોજન થઇ ગયું હતું. કેનેડાની સાર્વભૌમત્વ સંઘની ૧૫૦મી જયંતિની ઉજવણી નિમિત્તે સત્તાવાર પ્રવાસે ગયેલા પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા શનિવારે (૧લી જુલાઇએ) પ્રિન્સ એડવર્ડ કાઉન્ટીના ફૂડ એન્ડ વાઇન વીનયાર્ડની મુલાકાતે ગયાં હતાં. ત્યાં કેમિલાના પિતા મેજર બ્રુશ સેન્ડના ૯૨ વર્ષીય મિત્ર એડવર્ડ રોઝને મળ્યાં હતાં અને નોર્થ આફ્રિકામાં પિતાજીની વીરતા અને હીટલરના સમયે જર્મનીના ફ્રેન્કફર્ટ ખાતેના વોરકેમ્પમાંથી કેવી રીતે ભાગી છૂટેલા એની વાતો યાદ કરી પિતા સેન્ડને અંજલિ આપી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિન્સ ચાર્લ્સ જાણતા હતા કે બન્ને રાજકુંવરો એમની માતાને મળેલા વારસાને યાદ કરી જન્મદિને અંજલિ આપવાનું આયોજન કરી રહ્યા છે પણ એ અંગે કોઇ તનાવ થયો હોય એમ લાગતું નથી. શાહી કુટુંબ તરફથી અર્લથોર્પ ખાતે એક પુષ્પગુચ્છ મોકલાયો હતો.

માની યાદમાં વ્યથિત રાજકુંવરોએ હૈયું ખોલ્યું

બાલ્યાવસ્થામાં જ વાત્સલ્યસભર માતાનું છત્ર ગુમાવનાર બન્ને રાજકુંવરોના હૈયે હજુ અકાળે મોતને ભેટેલી માતાનો આઘાત તાજો છે. ૧લી જુલાઇ ૧૯૯૭, ડાયેનાની જિંદગીની છેલ્લી ૩૬મી વર્ષગાંઠની સવાર જાતજાતના ૯૦ જેટલા ફલાવર બૂકે સાથે થઇ હતી અને એ સાથે ૧૨ વર્ષના પ્રિન્સ હેરીએ માતાને સ્કૂલેથી ફોન કરી "હેપી બર્થ ડે"ની શુભેચ્છા પાઠવી હતી. એ પળ આજે પ્રિન્સ હેરીને ખૂબ વ્યથિત બનાવી દીધા હતા.

તાજેતરમાં ન્યુઝવીક મેગેઝીનમાં પ્રસિધ્ધ થયેલ પ્રિન્સ હેરીના ઇન્ટરવ્યુમાં દિલખોલીને જગજાહેર કરેલી વાતમાં પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે, “૩૧ ઓગષ્ટ ૧૯૯૭ના ગોઝારા દિવસે મારી ૩૬ વર્ષની માતાનું પેરિસમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે હું ૧૨ અને વિલિયમ ૧૫ વર્ષના હતા એ વખતે મારી માતાની અંતિમયાત્રા વેળાએ અમારે બન્ને ભાઇઓને મૃત માના કોફિન પાછળ લાંબા સુધી ચાલવાનું હતું અને હજારો લોકો રસ્તા ઉપર અને કરોડો ટી.વી ઉપર અમને જોઇ રહ્યા હતા. આવી કરૂણાજનક સ્થિતિમાં કોઇપણ બાળકને આવી રીતે એની મૃત માની અંતિમયાત્રામાં ચાલવાનો કહેવામાં આવે. મને લાગતું નથી કે આજે આવું બની શકે!! ઉપરાંત માતાના વિરહમાં વ્યથિત પ્રિન્સ હેરી જયારે વીસી (20s) વટાવી રહયા હતા ત્યારે માનસિક રીતે સાવ તૂટી ગયા હતા એમ જણાવ્યું હતું.

"મેન્સ સ્ટાઇલ" મેગેઝીનમાં પ્રિન્સ વિલિયમે પણ માતાનો ખાલીપો વર્તાય રહ્યો હોવાનું જણાવી કહ્યું હતું કે, “વાત્સલ્યમયી માતાના મૃત્યુ થયું એવું સ્વીકારતાં મને ૨૦ વર્ષ લાગ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, કેટ અને મારાં બે સંતાનો મારી માને મળી ના શક્યાં એનો હૈયે ખૂબ અફસોસ છે. શનિવારે અલથોર્પના ઓવલ લેકના શાંત વાતાવરણ વચ્ચે કબરમાં સૂતેલી માતા સમક્ષ બન્ને પ્રિન્સે જઇ એમના વારસાનું જતન કરી રહ્યા હોવાનું અને એમની ચિરવિદાયથી માતાનો ખાલીપો અનુભવતા બન્ને રાજકુંવરોના જીવન પર કેવી વિપરીત અસર થઇ હતી એ વિષે વાતો રજૂ કરી હતી.

ડાયેનાની યાદમાં ભાઇની ડોક્યુમેન્ટરી

પ્રિન્સેસ ડાયેનાના ભાઇ લોર્ડ અર્લ સ્પેન્સરે જણાવ્યું હતું કે, “એમની બહેન ડાયેનાને ઇતિહાસ યાદ કરે એવું થવું જોઇએ. અર્લ સ્પેન્સરે યુ.એસ ડોક્યુમેન્ટરીમાં પોતાના હૈયાની વાત રજૂ કરતાં જણાવ્યું કે, એમની બહેન ડાયેનાને ઇતિહાસમાં સ્થાન મળવું જોઇએ અને સદકાર્યો બદલ "આગ્રહ સાથે આદર સહ" યાદ કરવાં જોઇએ. "ધ સ્ટોરી ઓફ ડાયેના" નામની આ ડોક્યુમેન્ટરી ઓગષ્ટની ૯ અને ૧૦ના રોજ ABC ટી.વી ઉપર રજૂ થશે. ૯૯.૯ ટકા લોકોએ એમને જોયાં નથી, મળ્યા નથી પણ એમની મોહક પ્રતિભા અને કર્તવ્યપરાયણતાથી લોકો અંજાય જતા. બે ભાગમાં ચાર કલાકની આ ડોક્યુમેન્ટરીના ઇન્ટરવ્યુમાં અર્લ સ્પેન્સરે જણાવ્યું કે, ડાયેનાના જીવનમાં સૌથી અધિક એમના સંતાનો હતાં. એના સંતાનો માટે એ ખૂબ પઝેસીવ હતા. ડાયેના એક વખત મિડિયા પર અત્યંત ગુસ્સે ભરાયાં હતાં એ વાત યાદ કરતાં કહ્યું કે, “બાળપણમાં પ્રિન્સ હેરી સ્કૂલે જઇ રહ્યા હતા ત્યારે કોઇ પત્રકાર સામે બાળસહજ જીભ કાઢી ચાળા કરતા છાપામાં પ્રિન્સને અસંસ્કારી કે તોફાની કહેતાં પ્રિન્સેસ ડાયેના ખૂબ ક્રોધિત થયાં હતાં. પ્રિન્સેસની આ ડોક્યુમેન્ટરીમાં અર્લ સ્પેન્સરે બહેનની બાળપણથી માંડી આજીવન સુધીની તમામ વાતો રજૂ કરી છે.

ડાયેનાની યાદમાં સ્મારક રચાશે

નોર્ધમ્પટનશાયરમાં ૧૩,૦૦૦ એકરમાં પથરાયેલ ૫૦૦ વર્ષ જૂના કરોડોની કિંમતના એસ્ટેટમાં આવેલ સરોવર વચ્ચે દફનાવેલાં પ્રિન્સેસ ડાયેનાની કબર ઉપર ૨૦૧૪ના ઓગષ્ટમાં એમના પર્સનલ શૈફ ડરેન મેકગ્રેડી પુષ્પ ચડાવી અંજલિ આપવા ગયા ત્યારે ડાયેનાની કબર ઉપર શેવાળ જામી ગયો હોવાનું જણાવ્યું હતું. એ વાતને લક્ષ્યમાં લઇ લોર્ડ સ્પેન્સરનાં કેનેડીયન પત્ની કેરને અર્લથોર્પના ઓવલ લેકને ફરીથી સરસ રીતે ડિઝાઇન કરી પ્રિન્સેસ ડાયેનાની સ્મૃતિને માનવંતી બનાવવા તૈયારી આદરી છે.

બન્ને શાહી રાજકુંવરોએ પણ એમની માતાની યાદમાં સ્મારક રચવાનું નક્કી કર્યું છે. લંડનમાં જયાં પ્રિન્સેસ ડાયેના રહેતા હતાં એ કેન્સીંગ્ટન પેલેસના પબ્લીક ગાર્ડનમાં ડાયેનાનું સ્ટેચ્યુ મૂકાશે સાથે સાથે પ્રિન્સેસની સહ્દયતા, કરૂણા અને સેવાકાર્યોના સદગુણોને સ્મૃતિરૂપે ઉજવવા સ્થાપિત કરાયેલી ચેરિટી સંસ્થા "ડાયેના" એવોર્ડ દ્વારા વર્ષભરના કાર્યક્રમોને પણ તેમણે ટેકો આપ્યો છે. ફંડની વેબસાઈટ જણાવે છે કે,‘આ પ્રિન્સેસ જેમને મળ્યાં હતાં તે તમામ લોકો તેમનાં ઉષ્માપૂર્ણ વ્યવહાર અને તેમના સંજોગો અને મુશ્કેલીઓ અંગે દાખવેલા સાચા રસ થકી આજે પણ યાદ કરે છે. તેમણે અંગત ઉત્કટતાથી પોતાના ચેરિટી કાર્યમાં ઝૂકાવી દીધું હતું, તે જેમને મળતી તેમની મુશ્કેલીઓ અને અંગત વાતો-વ્યથાને સાંભળવા અગણિત કલાકો વીતાવતાં હતાં.

દીનદુ:ખિયાનાં બેલી પ્રિન્સેસ

સદા પ્રસન્ન વદન ધરાવતાં પ્રિન્સેસ ડાયેના સહ્દય, નિખાલસ હતાં એટલું જ નહિ પણ ગરીબ, અનાથ, નિ:સહાય, અશક્ત અને નાઇલાજ રોગીઅો પ્રત્યે અપાર સહાનુભૂતિ ધરાવતાં હતા. એમના ટૂંકા જીવનકાળ દરમિયાન અનેક સદકાર્યો કર્યાં છે જેની ઇતિહાસ નોંધ લેશે. ૧૯૮૭માં યુ.કે.માં નિર્માણ થયેલ સૌ પ્રથમ HIV એઇડ્સ યુનિટ ડાયેનાના હસ્તે ખુલ્લું મૂકાયું. ૧૯૮૮માં રેડક્રોસ ચેરિટીનાં પેટ્રન બન્યાં, ૧૯૮૯માં લંડનની ગ્રેટ અોર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલનાં પ્રેસિડેન્ટ બન્યાં. ૧૯૯૦માં લેપ્રસી મિશનનાં પેટ્રન બન્યાં. ૧૯૯૧માં જીવલેણ એઇડ્સ પીડિત દર્દીઅોને હોસ્પિટલમાં મળી સ્નેહથી ભેટેલાં પ્રિન્સેસ ડાયેનાની દુનિયાભરના ટી.વી. અને સમાચાર માધ્યમોએ અત્યંત પ્રશંસા કરી હતી. ૧૯૯૨માં ચાર્લ્સ અને ડાયેનાના છૂટા થયાં એની જાહેરાત થઇ, ૧૯૯૩માં ઝીમ્બાબ્વે રેફયુઝી કેમ્પમાં જઇ પ્રિન્સેસ ડાયેનાએ અનાથ, બેસહારા બાળકોને પ્રેમથી તેડી, ખોળે લીધા અને ભૂખ્યાંને ભોજન આપ્યાં. ૧૯૯૬માં પ્રિન્સ ચાર્લ્સ સાથે ડિવોર્સ થયા.

પ્રિન્સેસનું સ્ટાઇલીશ જીવન

સૌંદર્ય સામ્રાજ્ઞી સમા પ્રિન્સેસ ડાયેનાનું સમગ્ર જીવન સ્ટાઇલીશ હતું. એમની સાથે કામ કરનારા સહકાર્યકરોએ ૫૬મી વર્ષગાંઠે કેમેરામાં કંડારાયેલ સ્ટાઇલીશ, પ્રતિભાને અંજલિ આપતી તસવીરો પ્રગટ કરી છે. જેમાં નોર્થેમ્પટનમાં રહેતાં ૧૯ વર્ષીય લેડી ડાયેના સ્પેન્સરથી માંડી શાહી પરિવારના પુત્રવધૂ, વિશ્વભરની સત્તાવાર શાહી મુલાકાતો, વાત્સલ્યમયી માતા અને દીનદ:ખિયાના બેલી બની જનકલ્યાણ કાર્યો કરનાર સદભાવી પ્રતિભા સહિત અસંખ્ય તસવીરો "ડાયેના- સેલીબ્રેટીંગ આ લાઇફ ઇન સ્ટાઇલ" નામના સન્ડે ટેલીગ્રાફ મેગેઝીનમાં પ્રસ્તુત થઇ છે. “વોગ"ની બ્યુટી એડિટર ફેલીસીટી કલાર્કે એમની PAજેનની નાની બહેન ૧૪ વર્ષની ડાયેનાને પહેલીવાર જોયાં ત્યારે કેવાં હતાં. ડિઝાઇનર જાસ્પર કોનરને લખ્યું છે કે, “૧૯૮૧માં ગ્લોસ્ટરશાયરના લેટબરી ખાતે સૌ પ્રથમવાર જાહેરમાં મળવાનું હતું એ માટે "વોગ"ની ભલામણથી ડાયેનાનો લાલ ડ્રેસ તૈયાર કર્યો હતો પણ અમને એ વખતે ખબર નહોતી કે આ ઓર્ડર અમને કોના માટે મળ્યો છે.” ૧૯૮૫માં પ્રિન્સેસ ડાયેના યુએસએની સત્તાવાર મુલાકાતે ગયાં ત્યારે "સ્ટાઇલ અોફ સ્ટ્ેટસ વુમન" નામના મેગેઝીનમાં "ડાયેનાની ફેશન વિષે લખનાર એલરી લીને જણાવ્યું કે, “સોફેસ્ટીકેટેડ પ્રિન્સેસની પ્રતિભા કેવી રીતે ઉપસાવી શકાય એ ડાયેનાને બરોબર ખબર હતી એટલે વ્હાઇટ હાઉસની મુલાકાત વખતે ડાર્ક નેવી બ્લુ વેલવેટનો "વિકટર એડલ્સ્ટેઇન ગાઉન" પહેરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એ વખતે નેન્સી રેગનના સૂચનથી જહોન ટ્રાવોલ્ટા સાથે ડાન્સ કર્યો હતો. એ વખતે ઘેરદાર બ્રિટીશ સ્ટાઇલ ગાઉનમાં સજ્જ પ્રિન્સેસ અત્યંત મોહક દેખાતાં હતાં. શાહીદંપતિ જાપાન, ભારત, અોસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ઇત્યાદિ સ્થળોએ ગયું ત્યારે પ્રિન્સેસે કેવા સ્ટાઇલીશ પોશાક પહેર્યા હતા એનું વર્ણન કરાયું છે. ડિઝાઇનર જેકી અઝાગરીએ કહ્યું કે, “૧૯૯૫માં બીબીસી પેનોરમા"માં માર્ટીન બશીરને લાઇવ ઇન્ટરવ્યુ આપવા જવાના હતાં ત્યારે પ્રિન્સેસે મને ખાસ બોલાવ્યો હતો અને કહ્યું હતું કે, "હું જયારે ટી.વી સ્ટુડિયો બહાર કારમાંથી ઉતરું ત્યારે મને સેંકડો કેમેરા તાકી ઉભા હશે. એ વખતે હું સુંદર દેખાઉ એવો સેક્સી ડ્રેસ તૈયાર કરવો છે. શાહી પરંપરા મુજબ કોઇના શોક વખતે કાળો પોશાક પહેરાય છે પણ પ્રિન્સેસે શોર્ટ બ્લેક ડ્રેસ પહેર્યો હતો. "


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter