યુગાન્ડન એશિયનોની આપવીતીનું પહેલા કદીય ન હતું એવું મહત્ત્વ હાલમાં શા માટે અપાયું છે?

લોર્ડ ડોલર પોપટ Wednesday 01st July 2020 09:53 EDT
 
 

૬૦,૦૦૦ યુગાન્ડન એશિયનોની હકાલપટ્ટી ક્રુર સરમુખત્યાર ઇદી અમીને કરી હતી એની આ ૪૮મી વર્ષગાંઠ છે. એ હાલાકીની યાદ પહેલા ક્યારેય ન હતી એના કરતા હાલ વધુ સુયોગ્ય લેખાય છે.
હોંગકોંગમાં એ ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે. ૧૯૭૭માં ચીનને હોંગકોંગ સત્તાવાર રીતે સુપરત કરવામાં આવ્યું હતું ત્યારે સંધિ-કરાર કરવામાં આવ્યો હતો કે, ચીને હોંગકોંગની સ્વાયત્તતા અને અલાયદી ઓળખ ઓછામાં ઓછા ૫૦ વર્ષ સુધી એટલે કે ૨૦૪૭ સુધી જાળવવી, હવે એ કરાર ફગાવી દેવામાં આવ્યો છે. આ સંધિને "ઐતિહાસિક દસ્તાવેજ" તરીકે એનું કોઇ વ્યવહારિક મહત્વ નથી રહ્યું એમ કહી બેજીંગ સરકારે રદિયો આપ્યો છે.
આ દેશના યુગાન્ડન એશિયન કોમ્યુનિટીના સભ્ય તરીકે હું કાંઇ મદદ કરી શકતો નથી પરંતુ આ ઘટનાક્રમથી ચિંતિત થયા વિના રહી શકતો નથી. પચાસેક વર્ષ પહેલા હું જન્મ્યો હતો એ દેશમાંથી ઇદી અમીને એશિયનોને હાંકી કાઢયા તે વખતના અનુભવો મને અને મારા જેવા ઘણા બધાં કુટુંબોને થયા હતા એના સ્મરણો સ્વાભાવિક રીતે આ વખતે તાજા થાય છે.
૧૯૭૨માં ઇદી અમીને તેના ઘાતકી અને અમાનુષી વટહુકમ બહાર પાડી ઝૂંબેશ આદરી ત્યારે એ વખતની એડવર્ડહીથની કન્ઝર્વેટીવ સરકારે એશિયનોને મદદ કરવાની બ્રિટનની ફરજ હોવા વિષે પોતાનો મક્કમ નિર્ણય દર્શાવ્યો હતો. મને ગર્વ છે કે, હોંગકોંગના કિસ્સામાં પણ બ્રિટીશ વડાપ્રધાન બોરીસ જ્હોન્સને અને ફોરેન સેક્રેટરી ડોમીનીક રાબે ૩ મિલિયન હોંગકોંગવાસીઓને બ્રિટીશ નાગરિકત્વ માટે અરજી કરવાનો વિકલ્પ આપી બ્રિટને પોતાની નૈતિક જવાબદારીની પરંપરા નિભાવવા કટિબધ્ધતા દાખવી છે.
એથી યુગાન્ડન એશિયનોની કથની આજે પહેલા કરતા વધુ બંધબેસતી છે અને એશિયન વોઇસ તથા ગુજરાત સમાચાર લઘુમતિ જૂથના ઇતિહાસનું સ્મરણ કરી યુગાન્ડન એશિયનોનો એકસ્લુઝીવ રીપોર્ટ તૈયાર કરી વિશેષાંક બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે એને હું આવકારૂં છું. આ અહેવાલ હજારો મૂળ યુગાન્ડન એશિયનોના સંસ્મરણોનો રેકોર્ડ માત્ર નહિ હોય પરંતુ આવા પ્રકારના પડકારોનો સામનો કરનાર કોમ્યુનિટીઓ બ્રિટન કે વિદેશોમાં રહેતી હોય એમના રેફરન્સ પોઇન્ટ તરીકે પણ એ મદદરૂપ થશે.
યુગાન્ડન બ્રિટીશ એશિયનોની કથા મને ગૌરવ ઉપજાવે છે, ખાસ કરીને બ્રિટિશ ભારતીયોની નવી પેઢીએ કરેલ પ્રગતિ જોઇ હું ભાવુક બની જાઉં છું. ૪૮ વર્ષમાં, બ્રિટનમાં ઘણી બધી સિધ્ધિઓ મેળવી આપણી કોમ્યુનિટીએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. અને બ્રિટને આપણને જે આપ્યું છે એનું ઋણ ચૂકવવાનું આપણે ચાલુ રાખીશું એવી આશા હું રાખું છું. ડેવિડ કેમેરોને આપણો ઉલ્લેખ કરતા ક્હ્યું છે, “કોઇપણ દેશનો કે કાળનો ઇતિહાસ જુઓ તો ઇમિગ્રન્ટ્સના સૌથી સફળ જૂથોમાંના એક આપણને ગણાવ્યા છે.”
યુગાન્ડન એશિયનોએ બ્રિટીશ સમાજનું કલેવર બદલવામાં અનુદાન આપ્યું છે, અને જેઓ અત્રે આવ્યા એમના બાળકો અને ગ્રાન્ડ ચિલ્ડ્રને ઘણાં બધાં ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. આજે બ્રિટનમાં યુગાન્ડન એશિયનો દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યા છે. રીચ લીસ્ટમાં ય યુગાન્ડન એશિયનોની સંખ્યા ગણનાપાત્ર છે એટલું જ નહિ, બ્રિટીશ રાજકારણમાં ય યુગાન્ડન એશિયનોનો પ્રભાવ વ્યાપક છે.
એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર વતી હું તમામ વાચકોને આ ઐતિહાસિક સમયે ઐતિહાસિક અહેવાલ તૈયાર કરવામાં સહકાર આપો એવી ભલામણ કરૂં છું. તમારો સહયોગ આવકાર્ય છે. આ અનોખા પ્રજેક્ટમાં એડીટોરિયલ બોર્ડ, એડવાઇઝરી પેનલ અને અગ્રદૂતો-એમ્બેસેડર્સ માટેના નામો આપવા સી.બી. પટેલની ભલામણ આવકારતા એમને સાથ આપવા હું વિનંતિ કરૂં છું. હું વાચકોને આ પ્રોજેક્ટમાં સહભાગી બનવા અને તેમની કથની, લેખો અને સંસ્મરણો મોકલી આપવા અનુરોધ કરૂં છું. એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર બીઝનેસીસ પાસેથી સ્પોન્સરશીપ અને જાહેરાતોને પણ આવકારે છે.
રસ ધરાવનારાઓ, આપનું નામ નોંધાવવા ઇમેઇલ કરો: [email protected]

(લોર્ડ ડોલર પોપટ, વડાપ્રધાનના યુગાન્ડા અને રૂવાન્ડા ખાતેના ટ્રેડ રાજદૂત છે.)
નોમીનેશન્સ, ભલામણો, સ્ટોરીઝ, આર્ટીકલ્સ અને સંસ્મરણો પ્રકાશક/ તંત્રી સી.બી.પટેલને મોકલવા ઇમેઇલ: [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter