રાષ્ટ્રવાદી મુસ્લિમનો ગુજરાતી નમૂનોઃ ગુલામ રસુલ કુરેશી

પ્રા. ચંદ્રકાંત પટેલ Tuesday 26th May 2020 07:24 EDT
 
 

ગુલામ રસુલ ગુજરાત કોલેજમાં ઈન્ટર આર્ટ્સમાં ભણે. ૧૯૨૦માં ગાંધીજી કલકત્તાનું કોંગ્રેસનું અધિવેશન પતાવીને અમદાવાદ પાછા આવેલા. ગુલામ રસુલ તેમને મળ્યા. ગાંધીજીની પારદર્શિતા, સત્યનિષ્ઠા અને દેશપ્રેમની અનુભૂતિ થઈ. ગાંધીજીએ અસહકારની લડતનું એલાન કરી દીધું હતું. શાળા-કોલેજના બહિષ્કારનું એલાન હતું. બ્રિટિશ સરકારના હાથ મજબૂત કરે તેવું શિક્ષણ ના લેવું. કોર્ટ-કચેરીનો બહિષ્કાર કરવો. યુવાન ગુલામ રસુલને વાત ગમી ગઈ. કોલેજ જવાનું છોડીને ધંધુકા પહોંચ્યાં. ધંધુકામાં વસતા મિયાં સાહેબ કાલુમિયાં એમના પિતા. મિયાં સાહેબ મોટા જમીનદાર. નજીકના ફેદરા ગામમાં એમની પાસે ૩૦૦ વીઘા જમીન અને નોકરચાકરનો કાફલો. મિયાં સાહેબનો દીકરો ભણીગણીને મોટો અમલદાર થાય અને સુખી થાય તેવાં સપનાં વિખેરાયાં છતાં મિયાં સાહેબે કે પરિવારમાં આ ના ગમવા છતાં ગુલામ રસુલને કંઈ ના કહ્યું.

અભ્યાસ અધૂરો છોડીને દીકરાએ ફેદરા જવા માંડ્યું. મજૂરોને હળીમળીને એમનાં દુઃખ જાણ્યાં. એમને મદદરૂપ થવા માંડ્યું. ગુલામ રસુલે લોકોને આઝાદી માટે જગાડવા વિચાર્યું. લોકોને ભેગા કરીને સરદાર પટેલ અને તેમની સાથે સાથે ગાંધીજીના આશ્રમમાં વસતા, ગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી સાથીદાર એવા ઈમામ અબ્દુલ કાદર બાવાઝીરને બોલાવવા વિચાર્યું. આમાં એમને સાથ મળ્યો ધંધુકામાં રહીને લોકસેવા કરતા ડોક્ટર પોપટલાલનો. તેમણે સૂચવ્યું, ‘નજીકમાં ભડિયાદ ગામમાં રજબ માસમાં ઉર્સ (મેળો) ભરાય ત્યારે ઘણા બધા લોકો આવે છે. તેમાં હિંદુ અને મુસલમાન બંને આવે છે.’ આ વિચારથી પોપટલાલ સાથે મળીને તેમણે ધંધુકામાં રાષ્ટ્રીય શાળા શરૂ કરી હતી. આથી ધંધુકા તાલુકાની રાષ્ટ્રીય પરિષદ ઉર્સ પ્રસંગે બોલાવવાનું ગોઠવ્યું. આ માટે વલ્લભભાઈ પટેલને અને ઈમામ અબ્દુલ કાદર બાવાઝીરને મળ્યા ને તેમણે આમંત્રણ સ્વીકાર્યું. આમ તેમને બે પ્રખર ગાંધીવાદી આગેવાનોનો પ્રથમવાર પરિચય થયો.
ભડિયાદના આ ઉર્સમાં બહારગામથી હિંદુ-મુસલમાન આવતા. ભડિયાદના હિંદુઓ ના આવતા, એટલું જ નહીં આવનારને ગામમાંથી કોઈ નાની-મોટી ચીજ આપવાનો મહાજને નિષેધ કર્યો હતો. આવનારને આથી મીણબત્તી કે ખાવા-પીવાની ચીજ લેવા ધોલેરા જવું પડતું. આ મુશ્કેલીની વાત કેટલાકે ગુલામ રસુલને કરી. ગુલામ રસુલે ઈમામ સાહેબને કહ્યું. ઈમામ સાહેબે વલ્લભભાઈને વાત કરવા સલાહ આપી. ગુલામ રસુલની રજૂઆતથી વલ્લભભાઈએ જુસ્સાદાર ભાષામાં મહાજનને હિંદુ-મુસ્લિમ એકતાની વાત કરતાં, મહાજને બહિષ્કાર પાછો ખેંચ્યો અને રાષ્ટ્રીય પરિષદમાં હિંદુ-મુસ્લિમ એકતા સ્થપાઈ.
સરદારે મુસ્લિમ યુવાનનું કૌવત પારખીને નરહરિભાઈને સૂચના કરતાં તેમને મહેમદાવાદ તાલુકાની હિંદી, ઉર્દૂ અને ગુજરાતી રાષ્ટ્રીય શાળાઓનું સંચાલન સોંપ્યું. અબ્દુલ કાદર બાવાઝીરને મુસ્લિમ યુવાન ગમ્યો અને પોતાની દીકરી અમીના માટે પસંદ કર્યો. મહાત્મા ગાંધીએ પોતાના નામે - પોતાના મિત્રની દીકરીને પોતાની દીકરી ગણીને - બધાંને કંકોતરી મોકલી.
ગુલામ રસુલ સસરા સાથે સાબરમતી આશ્રમની અમીના મંજિલમાં વસ્યા. અસહકારની લડત પાછી ખેંચાતાં રાષ્ટ્રીય શાળાઓ બંધ થતાં તેઓ ૧૯૨૩માં ગૂજરાત વિદ્યાપીઠના કામમાં જોડાયા. અહીં કામ કરતાં કરતાં ગાંધીમૂલ્યો અને રાષ્ટ્રીયતાની ભાવના દૃઢ થઈ. આશ્રમમાં રહેવાને કારણે મહાત્મા ગાંધીજી મળવા આવનાર અનેક લોકોને મળતાં માનસિક ઉદારતા વધી.
૧૯૨૮ના રેલસંકટમાં અને તે જ વર્ષે થયેલી બારડોલીની લડતમાં ભાગ લીધો. ગાંધીજીની દાંડીકૂચ માટે જે સ્થળોએ જવાના અને રોકાવાના તે સ્થળોએ વ્યવસ્થા કરવા અગાઉ પહોંચનારી અરુણ ટુકડીના આગેવાન તરીકે ગાંધીજી અને દાંડીયાત્રીઓ માટેની સવલતો કરી. દાંડીકૂચ પછીના સત્યાગ્રહોમાં ૧૯૩૨થી ૧૯૩૪ વિસનગર જેલમાં રહ્યા ત્યારે રવિશંકર મહારાજ, માવળંકર દાદા, સરદાર પટેલ સાથી હતા. તેમની સાથે જેલમાં વિચાર-વિનિમય થતાં દેશદાઝ અને સમજ વધ્યાં.
જેલમાંથી છૂટીને અમીના મંજિલ અને પછી જમાલપુરના મુસ્લિમ લત્તામાં રહ્યા. લોકોમાં હિંદુ-મુસ્લિમ એકતાની વાતો કરતાં અને પ્રેમ વધારવા મથતા ત્યારે ભાગલાવાદી લીગી મુસલમાનોએ તેમના ઘરમાં આગ લગાડી. પાડોશીઓએ બચાવ્યા. અંબાલાલ સારાભાઈએ એમને સલામત જગાએ રાખવા ગોઠવણ કરી પણ તેઓએ મકાન ના બદલ્યું અને પ્રેમની વાતો કરતા રહ્યા.
૧૯૫૨માં ધારાસભાની પ્રથમ ચૂંટણીઓમાં જીતીને મુંબઈમાં ધારાસભ્ય બન્યા. મુનિ સંતબાલજી સાથે ભાલનળ કાંઠાની જનતાની સેવામાં તેમણે ૧૯૮૬ સુધી કામ કર્યું. અંતે તબિયતના કારણે છૂટા થયા. ૧૯૬૯માં ગુજરાતમાં કોમી રમખાણો વખતે અમીના મંજિલમાં તોફાનીઓએ તેમના પરિવાર પર હુમલો કર્યો. ત્યારે ગવર્નર શ્રીમન્ન નારાયણે તેમના પરિવારને રાજભવનમાં રાખવા માટે તેડવા માણસ મોકલ્યો પણ ગાંધીવાદી અને નીડર કુરેશીભાઈ ના જ ગયા.
કુરેશીભાઈની સાદગી, સેવા અને સ્નેહસરભ વ્યક્તિત્વથી ગુજરાતમાં તેમના હજારો ચાહકો ઊભા થયા. મિષ્ટભાષી, સાદગી અને માનવ બિરાદરીને વરેલા ગુલામ રસુલ કુરેશીએ પોતાના જીવન અને આચારથી રાષ્ટ્રવાદી મુસ્લિમ કેવો હોવો જોઈએ એનો નમૂનો પૂરો પાડ્યો. દેશમાં આજે ગુલામ રસુલ કુરેશી જેવા મુસ્લિમોની ખોટ વર્તાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter