રિચમંડ પાર્કના હરણાઅોની જોવા જેવી લડાઇ

બાળકને આવા સાબરશિંગ ઘસીને પિવાડાવાતા હતા તે યાદ છે?

Tuesday 05th January 2016 11:06 EST
 

લંડન અને બ્રિટનમાં આજકાલ શિયાળો જામતો જાય છે અને થથરી જવાય તેવી ઠંડીનો અનુભવ સૌ કોઇને થઇ રહ્યો છે ત્યારે સાઉથ વેસ્ટ લંડનના રિચમંડ પાર્કમાં આપણે જેમને સાબર કહીએ છીએ તે અણીદાર વાંકાચૂકા શિંગ ધરાવતા સાબર એટલે કે રેડ ડીયર અને ફાલો ડીયર મોજ ફરમાવી રહ્યા છે.

આપને કદાચ યાદ હશે કે પહેલાના યુગમાં એવી માન્યતા હતી કે સાબરનું શિંગ બાળકને ઘસીને પીવડાવવાથી બાળકનું આરોગ્ય સારૂ રહે છે અને તે કારણે ઘણાં બાળકોને તેમની દાદી-નાની આવા સાબરના શિંગ પાણી સાથે ઘસીને પિવડાવતી હતી.

તસવીરમાં દેખાય છે તે નર હરણો એકબીજાના શિંગડામાં શિંગડા પરોવીને લડાઇ કરવાના મૂડમાં છે. આ હરણનો સંવનન કાળ સામાન્ય રીતે પાનખરનો એટલે કે સપ્ટેમ્બર - અોક્ટોબરનો હોય છે. પરંતુ અત્યાર સુધી ઠંડીનું પ્રમાણ અોછું હતું તેથી તેમનો સંવનન કાળ લંબાતા નર હરણો માદા હરણીને પામવા હજુ લડી રહ્યા છે. પાર્કમાં આ સમય દરમિયાન રેડ ડિયર અને ફાલો ડિયર માદાને પામવા માટે ત્રાડો પાડીને લડે છે અને જેમ બને તેમ વધુને વધુ માદા હરણીઅોને તેમની લડાઇ જોવા આકર્ષે છે. આ નર હરણોની લડાઇ એટલી જોરદાર હોય છે કે અમુક સંજોગોમાં હરીફ હરણનું મોત પણ નિપજે છે. હરણના જન્મ સામાન્ય રીતે મેથી જુલાઇના સમય દરમિયાન થાય છે.

વડોદરાના જાણીતા કમાટીબાગ ઝૂમાં પણ માદા સાબર માટે શનિવારની રાતે બે નર સાબરો વચ્ચે લડાઇ થતાં ૯ વર્ષના નર સાબરે જીવ ગુમાવ્યો હતો. કમાટીબાગ ઝૂમાં ૩૦ જેટલા સાબરો છે. સાબર જ્યારે ગુસ્સે થાય છે ત્યારે પોતાના અણીદાર અને વાંકાચૂકા શિંગડાનો ઉપયોગ હુમલો કરવા કરે છે. જે ઘણી વખત જીવલેણ ઈજા પહોંચાડતા હોય છે.

રિચમંડ પાર્કના સંચાલકો દ્વારા હરણોના સંવનન કાળ અને તેમના જન્મ સમયગાળા દરમિયાન હરણ અને તેમના સંતાનો થી ૫૦ મીટર દૂર રહેવા ચેતવણી આપવામાં આવે છે. એક સમયે રિચમંડ પાર્ક શાહી પરિવાર માટે શિકારનું સ્થળ હતું. પરંતુ હવે ત્યાં શિકાર પર પ્રતિબંધ છે અને તેની જાળવણી નેશનનલ નેચર રિઝર્વ તરીકે થાય છે. ફરવાની મઝા આવે તેવા રિચમંડ પાર્કમાં કુલ ૩૪૫ જેટલા રેડ ડિયર અને ૩૧૫ જેટલા ફાલો ડિયરની વસતી છે અને ઇ.સ. ૧૫૨૯થી હરણો અહિ મુક્તમને હરી ફરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter