વૃક્ષ તળે કદી કરતો હું વિચાર, આવી કેમ હશે દુનિયા?, સમજદાર હોય છે ’પરિપકવ’ ને મૂરખ રાચે છે ‘આત્મવિશ્વાસ’માં

આરોહણ

રોહિત વઢવાણા Wednesday 05th May 2021 00:33 EDT
 
 

'વૃક્ષ તળે કદી કરતો હું વિચાર,

આવી કેમ હશે દુનિયા?'

આવી કડીથી શરૂઆત કરીને મેં પાંચ-છઠ્ઠા ધોરણમાં ભણતો ત્યારે એક જોડકણાં જેવી કવિતા લખેલી અને છએક મહિના પછી ફુલછાબની 'બાળમેળો' નામની પૂર્તિમાં પોસ્ટકાર્ડ લખીને મોકલી આપેલી. આશ્ચર્યની વાત એ છે કે બીજા-ત્રીજા અઠવાડિયે તે છપાઈ પણ ગઈ અને એટલે બંદા બહાદુર તે પૂર્તિ લઈને આસપાસના સૌ લોકોને બતાવતા ફરતા. ખરેખર કોઈને ગમી હશે કે નહિ તે ખબર નહિ પણ સૌએ 'અરે વાહ...' કહીને વખાણ કરેલા. હવે લાગે છે કે આપણા આવા બાલિશ પ્રયત્નો અને તેમાં મળતી સફળતાથી કેટલો અનહદ આનંદ થતો. એ આનંદ અને સફળતા ખરેખર સમપ્રમાણ નહોતા એટલે કે સિદ્ધિ નાની પણ તેનો આનંદ અનેકગણો. બીજી રીતે કહીએ તો રોકાણ ઓછું અને નફો બેફામ. પણ હવે એવું થતું નથી. જેમ મોટા વેપારીને નાના મોટા નફા તો ધ્યાનમાં પણ ન આવે તેવું જ આપણી સાથે થાય છે.

જેમ ઉમર વધે તેમ તેમ આવો નિર્દોષ આનંદ માણવાની આવડત ભુલાતી જાય છે. ભાગ્યે જ કોઈ એવું હોય છે જે મોટી ઉંમરે પણ આવી નાની નાની ખુશીઓ શોધી શકે અને તેમાંથી આનંદ મેળવી શકે. ક્યારેક એવું લાગે છે કે જેમ નાના હતા ત્યારે શર્ટની બાંયથી શેડા લૂછી લેવા જેવી જે સગવડભરી આવડત હતી તે હવે સૂટની કે શર્ટની બાંયથી થઇ શકતું નથી. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોતી હશે જે મોટા થયા બાદ પણ આવી સરસ રીતે પોતાની સવલત સાચવવામાં નિપુણતા ધરાવતી હશે! સમજદારી અને પરિપક્વતા જેવા શબ્દો એવા તો મગજમાં ભરાઈ જાય છે કે ભોળાંપણું અને મૂર્ખતા જેવા સદ્ગુણો તદ્દન ભુલાઈ જાય છે. વળી બુદ્ધિમતાની એવી તો રાઈ આપણા મનમાં ભરાવી દેવામાં આવે છે કે આપણે ખરેખર મૂર્ખ હોવા છતાં પણ તેનો ગર્વ લઇ શકતા નથી! કેવી મૂર્ખાઈ કહેવાય. આટલા મૂર્ખ બનવા કરતા તો એ ભોળપણનો આનંદ માણવા જેટલી સમજદારી હોય તો કેવું સારું?

એડગર એલન પો જેવો લેખક લખે છે કે મને મૂર્ખ લોકોમાં ખુબ વિશ્વાસ છે, તે લોકો હંમેશા આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. વાત તો સાચી છે. શાણા માણસોને ક્યારેક શંકા ઉદ્ભવે પણ પોતાના ભેજામાં નાહકનો અક્કલનો ભાર લીધા વિના ફરનારા વિશુદ્ધ લોકો તો હંમેશા આત્મશ્રદ્ધાથી છલકાતા હોય છે. આવું હવે થઇ શકતું નથી. કોઈ કરે તો પણ ઈર્ષ્યા થાય છે, તેને નાદાન ગણીએ છીએ અને પોતાને હોશિયાર માની લઈએ છીએ. આવા પરિમાણોને કારણે જે સીમાઓ બંધાય છે તેની અંદર રહેવામાં બહુ સંક્ળાશ અનુભવાય છે. એટલે જ તો લોકો બાળપણના મિત્રોને શ્રેષ્ઠ મને છે કેમ કે તેમની સાથે તેઓ બાળપણ જેવી મૂર્ખાઈ કરી શકે છે અને જેનો કોઈ અર્થ ન નીકળે તેવી વાતો કરીને કલાકો વિતાવી શકે છે. નવા બનેલા પરિપક્વ થયા બાદના સંબંધોમાં તો માણસે પોતાની બુદ્ધિમતા જાળવી રાખવી પડે છે અને તેમાં એ નિર્દોષ ભાવ હોતો નથી. ખામીઓ દેખાઈ ન જાય એટલા માટે થતા પ્રયત્નોમાં એટલો સમય જતો રહે છે કે ખૂબીઓ વિષે ઝાઝો સમય આપી શકતો નથી.

આખરે એવું થાય છે કે બાળપણની એવી કેટલીય આવડતો આપણે વિકસાવતા નથી. નાના હોઈએ ત્યારે એક પગ અને એક હાથ ઊંચો કરીને આકાશમાં રોકેટની જેમ ઉડવાની ચેષ્ટા કરીએ છીએ અને બે-ચાર કુદકા પણ મારીએ છીએ. કેટલું ઊંચું ઉડાય છે તેનું મહત્ત્વ નથી, પરંતુ એ પ્રયત્ન કરવા જેવી હિમ્મત અને નાદાની બાદમાં જતા રહે છે. કોઈનેય ખરેખર આસમાનમાં ઉડવું હોતું નથી પણ એક ચેષ્ટા હોય છે જે આનંદ આપે છે. પછી એવા પ્રયત્નોને બાલિશતા ગણીને આપણે બંધ કરી દઈએ છીએ અને એટલે જ ઈચ્છા અને ક્ષમતા હોવા છતાં આવા પ્રયાણ કરતા અચકાઈએ છીએ જે ખરેખર કરીએ તો વધારે સફળતા મળી શકે. પરંતુ કોઈ ગાંડા કહેશે તેવું વિચારીને કોઈ પહેલ ન કરનારા આપણે ચોકઠામાં ગોઠવાઈ જઈએ છીએ, પરંપરાઓમાં અને નિયમોમાં બંધાઈ જઈએ છીએ અને એ મુક્ત, મૂર્ખ, નિર્દોષ પરંતુ નાવીન્યભર્યા આનુભવો બંધ થઇ જાય છે.

મોટા થયા પછી આવા જોડકણાં લખતા નથી, શર્ટની બાંયમાં શેડા લૂછતાં નથી ! અને રોકેટની જેમ આકાશમાં ઉડવા માટે કૂદકો મરાતો નથી. કઈં પણ કરતા પહેલા આસપાસના લોકો જુએ છે અને તેમનું રિએક્શન શું છે તેની નોંધ લેવાની આદત પડી ગઈ છે. નિજાનંદમાં રાચતી એ બાળપણની મૂર્ખતા જતી રહી છે.

(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter