વેદ ધર્મના પ્રચારક અને પ્રસારકઃ જગદ્‌ગુરુ શંકરાચાર્ય

Wednesday 04th May 2022 08:53 EDT
 
 

પૃથ્વી પર જ્યારે અધર્મનું જોર વધી ગયું અને વેદ ધર્મ પણ લુપ્ત થવા માંડ્યો હતો ત્યારે દેવોને ચિંતા થઈ. તેઓ ભગવાન શિવ પાસે જઈ પહોંચ્યા અને વેદ ધર્મને બચાવવા માટે વિનંતી કરવા લાગ્યા. આ સમયે દેવાધિદેવ મહાદેવે આશ્વાસન આપતાં કહ્યું કે ‘તમે ગભરાશો નહીં. વેદ ધર્મને બચાવવા માટે હું પોતે ધરતી પર અવતાર લઈશ. અજ્ઞાનના અંધકારમાં અટવાયેલી પ્રજાને માટે જ્ઞાનનો દીપક પ્રગટાવીશ.’ ત્યારપછી ઈ.સ. 788ના વૈશાખ સુદ પાંચમ (આ વર્ષે 6 મે)ના રોજ કાલાદી નિવાસી પૂજારી શિવગુરુની પત્ની સુભદ્રાના ખોળે એક તેજસ્વી બાળકે જન્મ લીધો. આ બાળક એટલે સાક્ષાત્ શિવજીના અવતાર રૂપ જગદગુરુ શંકરાચાર્યજી.

• જીવનચરિત્રઃ શંકરાચાર્યજી જીવ્યા બહુ અલ્પકાલીન, પરંતુ કેવું જીવવું જોઈએ એ તેમણે સાબિત કરી આપ્યું. દક્ષિણ ભારતની પશ્ચિમ દિશામાં કેરળના મલબારકાંઠા ઉપર કાલાદી નામનું ગામ છે ત્યાં મલબાર કાંઠે વૃષાદી પર્વત ઉપર સ્વયંભૂ શિવજી જ્યોતિર્લિંગના રૂપે પ્રગટ થયા. પ્રદેશના રાજા રાજશેખરને સ્વયંભૂ શિવજીએ સ્વપ્નમાં દર્શન આપ્યાં. રાજાએ શિવજીની આજ્ઞા મુજબ શિવાલયની સ્થાપના કરી ત્યાં પૂજન-અર્ચન કરવા પંડિત વિદ્યાધીરાજ (શિવગુરુ)ની વરણી થઈ. તેમની પત્ની (પૂજારીની) સુભદ્રાને શિવકૃપાથી, શિવઉપાસનાથી ઘણાં જ કષ્ટને અંતે અત્યંત બુદ્ધિશાળી, પણ અલ્પ આયુષ્યવાળા બાળકનો જન્મ થયો. તે તિથિ હતી વૈશાખ સુદ - પંચમી. બાળકનું નામ શંકર રાખ્યું.
જન્મતાંવેંત જ બાળકમાં મેધા અને પ્રજ્ઞા બંને દિવ્યમાન હતા. જન્મતાં જ સરળ સંસ્કારી મીઠી વાણી પ્રગટ થઈ. બીજા ત્રીજા વર્ષે તો લેખન-વાંચનનું જ્ઞાન પણ મેળવી લીધું. બાળકના પાંચમા વર્ષે પિતાશ્રી શિવગુરુનું કૈલાશગમન થયું. કુટુંબીજનોએ પિતાની ઈચ્છા મુજબ પુત્ર શંકરને ઉપનયન સંસ્કાર કર્યા. બાળ શંકરે બાર વર્ષની વેદવિદ્યા માત્ર એક વર્ષમાં શીખી લીધી. આ ઉપરાંત ગુરુ આજ્ઞાથી શિષ્યોને વેદ અભ્યાસ પણ કરાવતાં. ગુરુ ગોવિંદાચાર્યને આજે એક અલૌકિક અધિકારી શિષ્યની પ્રાપ્તિ થઈ હતી.

• સંન્યાસ આશ્રમમાં પ્રવેશઃ એક કાળા માથાના માનવી માટે જીવનના ક્રમિક વિકાસ માટે ચારેય આશ્રમનું આગવું મહત્ત્વ છે, પરંતુ આ તો મેધાવી શંકરાચાર્યજી હતા. તેઓ ખૂબ જ નાની વયે બ્રહ્મચર્યથી સીધા જ સંન્યાસ આશ્રમમાં પ્રવેશ્યા. સંન્યાસી બન્યા બાદ ભારતનાં ઘણાં રાજ્યોમાં પદયાત્રા કરી. એક સમયે દક્ષિણ ભારતની વિજયયાત્રા વખતે તેમને પોતાની માતાની યાદ આવી ગઈ. તરત જ પોતાના વતન કાલાદી આવી પહોંચ્યા. એ સમયે માતા સુભદ્રા ખૂબ જ સ્વસ્થ અને નિરોગી હતા. પ્રસન્ન પણ હતાં. માતાએ કહ્યું: ‘હે પુત્ર, મારો અંતકાળ આવી ગયો છે. તું મને ઉપદેશ આપ.’ પુત્ર શંકરાચાર્યે માતાની ઈચ્છા મુજબ નિગુર્ણ નિરાકાર બ્રહ્મનો ઉપદેશ આપ્યો અને ગોવિંદાષ્ટક સ્તોત્રનું ગાન કર્યું. માતા આ સ્તોત્ર ગાતાં ગાતાં શ્રીકૃષ્ણમાં લીન થઈ ગયાં. માતાની ઈચ્છા મુજબ પોતે માતાના અગ્નિસંસ્કાર કર્યા. સંન્યાસી અગ્નિ સ્પર્શ ન કરે છતાં પણ અગ્નિસંસ્કાર કરી માતૃઋણમાંથી મુક્ત થયાં.

• વેદધર્મના પ્રણેતા-પ્રચારકઃ જગદગુરુ શંકરાચાર્યજીને ભગવાન શિવજીનો અવતાર માનવામાં આવે છે. તેઓ શિવ સંપ્રદાય અને વેદ ધર્મના પ્રણેતા અને પ્રચારક છે. `જીવાત્મા જ બ્રહ્મ છે અને પ્રકૃતિ એ તો માયા છે.’ આ સિદ્ધાંત જગદ્‌ગુરુ શંકરાચાર્યજીએ સમાજને આપ્યો.
શ્રીમદ્‌ જગદ્‌ગુરુ શંકરાચાર્યજી અદ્વૈત સિદ્ધાંત મુજબના સંપ્રદાયના પ્રણેતા છે. ભગવાન શ્રીમન્નનારાયણે ધર્મની સ્થાપના કરવા માટે મુખ્ય ચાર વ્યક્તિને આજ્ઞા કરી જેમાં શ્રીમહાલક્ષ્મીજી, શ્રી બ્રહ્માજી, શિવજી અને સનકાદિક મુનિ. હાલમાં સમગ્ર ભારતવર્ષમાં આ ચારેય દ્વારા સ્થાપિત ધર્મ જોવા મળે છે. જેમાં બ્રહ્માજી દ્વારા બે સંપ્રદાયો સ્થાપવામાં આવ્યાઃ એક, શ્રી શંકરાચાર્યજીનો અદ્વૈત સંપ્રદાય અને બીજો, માધવાચાર્યજીનો દ્વૈત સંપ્રદાય.

• ચાર મઠની સ્થાપનાઃ જગદ્ગુરુ શંકરાચાર્યજીએ અદ્વૈત મત અનુસાર ભક્તિમાર્ગ અને સનાતન ધર્મનો પ્રચાર કર્યો. પંચદેવ ઉપાસના પ્રણાલીની સ્થાપના કરી. મૂર્તિપૂજાનો પ્રચાર કર્યો. સાથે સાથે પશ્ચિમ દિશામાં દ્વારકામાં શારદા મઠ, પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધન મઠ, દક્ષિણ રામેશ્વરમાં શંકર મઠ અને ઉત્તર દેવપ્રયાગમાં જ્યોતિષ મઠની સ્થાપના કરી. આ રીતે સમગ્ર ભારતવર્ષમાં વેદ ધર્મનાં ગૂઢ રહસ્યો સરળ ભાષામાં સમજાવી વેદ ધર્મને બચાવ્યો. ધર્મની ભાવના દૃઢ કરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter