સફળતાના શીખરે પહોંચવું હશે તો અંતરાયને ઓળંગ્યા વિના નથી કોઇ આરોવારો

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 03rd May 2022 12:16 EDT
 
 

બકરીને રસ્તામાં આગળ વધતાં વચ્ચે પથ્થર આવે તો તે કાં તો તેને ઓળંગી જાય છે અથવા તો વળાંક લઈને આગળ નીકળી જાય છે. બકરી જેવું જાનવર પણ રસ્તામાં આવતા વિઘ્નોથી અટકતું નથી, પાછું વળતું નથી, તો વિચારો કે આપણા નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવામાં જો વચ્ચે કોઈ અવરોધ આવે તો અટકી જવું હિતાવહ છે? જરાય નહિ. ક્યારેય માર્ગમાં આવતા અંતરાયને તમારા પર વિજય ન મેળવવા દેશો, તેમને કારણે પોતાનું લક્ષ્ય ન છોડશો. કેમ કે જે સરળ રસ્તો પકડીને ચાલે છે તેનું જીવન એવું સામાન્ય બની રહે છે કે તેની નોંધ તે પોતે પણ લઇ શકતા નથી, તો પછી સમાજ તો તેને શું ઓળખવાનો.

જીવનમાં જેમણે પણ કંઈક અસર છોડી જાય તેવું કામ કર્યું છે તેઓએ માર્ગમાં આવતા વિઘ્નોને પાર કરવાનું કષ્ટ વેઠયું છે. તેઓને સામા પ્રવાહે તરવું પડ્યું છે. જો હોડીને પવનના આધારે તરતી મૂકી દઈએ તો તે ક્યારેય બંદરે ન પહોંચે. એટલા માટે જ વહાણોમાં સઢ ચઢાવવા પડે છે અને હોડકાઓમાં હલેસાં મારવા પડે છે. તેમાં આળસ કરનારને પરિણામ તરત જ મળી જાય છે - નિષ્ફળતા. આવી સફળતા કે નિષ્ફળતાનો પુરેપુરો દારોમદાર આપણી મહેનત અને કોઠાસૂઝ પર છે. ક્યારે કપરા ચઢાણ ચઢીને પર્વતો ઓળંગવા કે ક્યારે ખીણમાં ઉતરીને આગળ વધવું તે વ્યક્તિના શાણપણથી નક્કી થાય છે, પરંતુ તેના માટે મહેનત તો કરવી જ પડે છે. ક્યારેય પણ એવું બનતું નથી કે બીજાના જોરે આખી સફર ખેડાઈ જાય, વિના પ્રયત્ને પહાડ ઓળંગી જવાય.
કહેવાય છે ને કે ‘બેઠેલાનું બેઠું રહે, વિમાસણે વેળા જુએ નહિ વાટ જી', તેમજ તો આપણે પણ હડપ કરીને વાટ ન પકડીએ, અને ભલે હળવે હળવે પરંતુ ચાલતા ન રહીએ તો આપણું ભાગ્ય પણ વિમાસણે જ પડ્યું રહે. આમેય ક્યારેય સાંભળ્યું છે કે સુતેલા સિંહના મુખમાં મૃગ પ્રવેશ્યું હોય? આખરે એ જ તો સંસારનો નિયમ છે, સિંહે એટલે કે જંગલના રાજાએ પણ પોતાનો શિકાર તો જાતે જ કરવો પડે છે. અને જો સિંહ એ કામ પણ ન કરે તો ક્યારેક સસલાં પણ તેને છેતરીને કુવામાં કુદાવી દે. વ્યક્તિ કાર્યશીલ રહેવાથી ન માત્ર પ્રગતિ કરે છે પરંતુ દુનિયાની સમજણ અને શાણપણ પણ હાંસલ કરે છે. જે ફરે તે ચરે અને તેનું જ મગજ ચાલે, નહીંતર જરૂર મંદ પડી જાય અને ધીરે ધીરે બહેર મારવા લાગે. ઉમર જતાં જે ડિમેન્શિયા એટલે કે ભૂલવાની બીમારી થાય છે તેનું એક કારણ પણ એ જ હોય છે કે મગજનો ઉપયોગ ઓછો થાય છે. કૂતરો પણ જો નિયમિત ન દોડે તો ચાંપલો થઇ જાય છે, તેના પગના હાડકાં વળી જાય છે અને તેમાં શક્તિ રહેતી નથી.
ઉપરાંત એ પણ હકીકત છે કે જે મહેનત કરે છે તે ક્યારેય એળે જતી નથી, આજે નહિ તો કાલે તેનું પરિણામ તો મળે જ છે. ગીતાનો સંદેશ પણ એ જ કહે છે કે કરેલું કઈંક વિફળ જતું નથી, પરંતુ ફળની આશા રાખવી પણ નાહક છે. તેનો સ્પષ્ટ અર્થ તો એ જ થયો કે આપણે મહેનત કરવા પરનો અધિકાર જતો કરવા જેવો નથી, રસ્તામાં અંતરાય આવે તો તેને ઓળંગવા કે વળાંક લઈને પાર કરવાનો પ્રયત્ન તો આપણે કરવો જ જોઈએ અને કરવો જ પડશે. જે લોકો અહીં ચૂક કરી જાય છે તેઓ કોઈ જ રીતે ફળના અધિકારી બની શકતા નથી એ તો નિશ્ચિત જ છે. પરંતુ જે કોઈ બકરીની માફક ધીમે ધીમે આગળ વધ્યા કરે છે તે ખરેખર ખુબ સારી પ્રગતિ કરે છે અને સંતોષકારક પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરે છે. જયારે પણ તક મળે અને આવશ્યક હોય ત્યારે નિશ્ચય કરવામાં જરાય વિલંબ કે દ્વિધા ન થવી જોઈએ, નિર્ણય તુરંત અને સ્પષ્ટ હોવો જોઈએ - યા હોમ કરીને કૂચ કરી જ દેવી, ફતેહ આગળ મળવાની જ છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter