સમાજવ્યવસ્થા સાથે સંકળાયેલા ગંભીર પ્રશ્નોનો ઉકેલ પણ સમાજે જ શોધવો રહ્યો

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 09th June 2020 03:49 EDT
 

મોંઘા સૂટ-બૂટમાં સજ્જ લગભગ પચાસેક વર્ષની ઉંમરનો એક વ્યક્તિ, તેની લક્ઝરી કારમાંથી બહાર નીકળે છે. તેની પાસે એક ગરીબ, ભૂખને કારણે અતિશય કમજોર થઇ ગયેલ વૃદ્ધ આવે છે અને ખાવા માટે પૈસા માંગે છે. આ માણસ તેને અવગણીને પબમાં જતો રહે છે. ત્યાં જઈને મિત્રો સાથે પાર્ટી કરે છે અને હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. અડધી રાત્રે પાર્ટી પુરી થાય છે એટલે બિલ આપ્યા બાદ વેઈટરને પણ રૂઆબથી મોટી નોટ ટીપમાં પકડાવે છે. થોડા નશાની અસરમાં તે પોતાની ગાડી તરફ આવે છે તો જુએ છે કે જે વૃદ્ધ તેની પાસે પૈસા માંગવા આવેલો તે જમીન પર પડ્યો હતો.

પહેલા તો તે વૃદ્ધને અવગણીને કારનો દરવાજો ખોલીને પોતાની સીટ પર જઈ બેસે છે. સ્પોર્ટ્સ કાર હતી એટલે પોતે જ ચલાવતો હતો. ઇગ્નીશન કી નાખીને કાર ચાલુ કરી. પરંતુ ચલાવતા પહેલા અચાનક તેના મનમાં કૈંક વિચાર આવ્યો. તે બહાર આવ્યો અને ઢળી પડેલા વૃદ્ધ પાસે જઈને બેઠો. તેણે જોયું તો ખબર પડી કે તે વૃદ્ધ તો મરી ચુક્યો હતો. તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો અને તેના આવતા સુધી ત્યાં રોકાયો. બાદમાં ખબર પડી કે ભૂખને કારણે તે વૃદ્ધનુ મૃત્યુ થયું હતું. તેને અફસોસ તો ખુબ થયો પરંતુ પછી શું થાય? તે ઐયાશ વ્યક્તિએ વૃદ્ધને ખાવા માટે થોડા પૈસા ન આપ્યા પરંતુ પાર્ટીમાં અને ટીપમાં હજારો રૂપિયા વેડફી નાખ્યા.
આપણા માટે આ કિસ્સો અનેક પ્રશ્નો ઉભા કરે છે: ૧) શું તે કાયદાકીય રીતે ગુનેગાર છે? ૨) શું તે સામાજિક રીતે ગુનેગાર છે? ૩) શું તે નૈતિક રીતે ગુનેગાર છે? આ ત્રણેય પ્રશ્નો તપાસવા જેવા છે.
કાયદાકીય રીતે જોઈએ તો તે વ્યક્તિનો કોઈ જ ગુનો બનતો નથી. પોતાના પૈસા કેવી રીતે વાપરવા તેનો સંપૂર્ણ અધિકાર દરેક વ્યક્તિને છે. તેના પૈસા ન આપવાથી કોઈનું ભૂખને કારણે મૃત્યુ થઇ જાય તો તેના માટે તે ગુનેગાર ઠરતો નથી.
આપણી સામાજિક વ્યવસ્થા જ એવી છે કે કેટલાક લોકો ગરીબ અને કેટલાક અમીર છે. સંસાધનોની વહેંચણી સમાન રીતે થયેલ નથી. એટલે સામાજિક વ્યવસ્થાનો દોષ દેવો હોય તો દઈ શકાય પરંતુ તેમાં વ્યક્તિગત રીતે કોઈ કેવી રીતે ગુનેગાર ઠરે?
નૈતિક રીતે તો આપણી સૌની ફરજ છે કે પોતાનાથી બનતું જરૂરિયાતમંદ લોકો માટે કરવું. પરંતુ તેમાં જો ચૂક થઇ જાય તો? શું આપણે સૌ દરેક જરૂરિયાતમંદને પૈસા આપીએ છીએ? શું આપણે દરેક પાર્ટી કરતી વખતે કે કંઇક મોંઘી વસ્તુ ખરીદતી વખતે એવું વિચારીએ છીએ કે આ પૈસાની જરૂરિયાત કોઈ ગરીબને માટે કેટલી હોઈ શકે? આપણે જયારે કોઈ મોંઘા રેસ્ટોરાંમાં મિત્રો સાથે ડિનર કરવા જઈએ ત્યારે એટલા પૈસા ખર્ચી નાખીએ છીએ કે જેમાંથી કોઈ ગરીબના ઘરનું આખા મહિનાનું રાશન આવી જાય.
ગાંધી અને વિનોબા ભાવે જેવા મહાનુભાવોએ તો આ પ્રસંગને ખુબ આકરા શબ્દોમાં વખોડ્યો હોત. આપણે પણ વખોડી શકીએ. શું નૈતિકતાને જ કાયદામાં પરિવર્તિત કરી શકાય? શા માટે નૈતિકતા અને કાયદામાં ફરક છે? શા માટે જે સામાજિક રીતે અયોગ્ય હોઈ શકે તે કાયદાકીય રીતે ગુનો નથી? આ બધા ગંભીર પ્રશ્નો છે, સમાજવ્યવસ્થાના. પરંતુ આવા નિર્ણયો વ્યક્તિએ એકલાએ નહિ પરંતુ સમાજે મળીને કરવાના હોય છે.
રામરાજ્યની સંકલ્પના જ કદાચ આવી ધાર્મિક-નૈતિક વ્યવસ્થા પર ટકેલી છે. પરંતુ ફરીથી એક પ્રશ્ન એવો પણ થાય કે શું રામના સમયમાં પણ બધું જ નૈતિક રીતે યોગ્ય હતું? શું મંથરાની ખટપટથી રામને વનવાસ અપાયો તે નૈતિક, સામાજિક કે કાયદાકીય રીતે યોગ્ય હતો? (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter