સામાજિક આડંબર અને અંધશ્રદ્ધાને ચાબખા મારતા અખાના છપ્પા

આરોહણ

રોહિત વઢવાણા Monday 19th October 2020 07:46 EDT
 
 

ગુજરાતી ભાષાને વિકસાવવા અને સમૃદ્ધ બનાવવામાં અનેક લેખકો અને કવિઓનો ફાળો છે. સદીઓથી તેની માવજત કરી કરીને તેઓએ સાહિત્ય, જ્ઞાન અને મનોરંજનનો છપ્પન ભોગ ગુજરાતીઓને પીરસ્યા કર્યો છે. તેનાથી ગુજરાતી પ્રજાને આખરે ફાયદો જ થયો છે. આવા ભાષા-ભક્તોને કારણે જ આપણી ગરવી ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ અને અભિવ્યક્તિ ક્ષમતા દિવસે દિવસે વિસ્તરી છે.

મધ્યકાલીન ગુજરાતી ભાષાને જ્ઞાનમાર્ગથી સીંચનારા સાહિત્યકારોમાં એક મોટું કામ અને નામ અખાનું છે. અખો તેના સમયનો જ નહિ પરંતુ ગુજરાતી ભાષાનો પણ એક અગ્રણી જ્ઞાનમાર્ગી કવિ છે. તેનો જીવનકાળ ઈ.સ. ૧૫૯૧થી ૧૬૫૬ સુધીનો ગણાય છે. જેતલપુરમાં જન્મેલો અખો પછીથી અમદાવાદમાં સોનીકામ કરવા સ્થિત થયો હતો. જાત અનુભવ વિના જ્ઞાન ક્યાંથી? એ ન્યાય અખા સાથે સાચો ઠરે છે. તેની જ્ઞાનમાર્ગી કવિતા અંગત કડવા અનુભવોમાંથી જન્મેલા વૈરાગ્યને કારણે વધારે ધારદાર બની છે.
તેની માનેલી બહેન માટે સોનાની કંઠી બનાવવામાં પોતાની ગાંઠનું સોનુ નાખ્યું પરંતુ ‘સોની તો સગી માનું પણ ચોરે’ તેવા શકને કારણે બહેને બીજા સોની પાસે તપાસ કરાવી. સાચી વાત સામે આવતા અફસોસની મારી બહેને અખા પાસે આવીને પોતાની ભૂલ કબૂલ કરી. બહેને કરેલી શંકાથી અખાનું મન ઘવાયું. ત્યાર બાદ બીજા પણ કેટલાય અનુભવો થયા જેને કારણે તેને વિરક્તિ આવી.
આખાએ અનેક છપ્પા, પદ, દુહા અને સાખીઓ લખી. અખાએ હિન્દીમાં પણ લેખન કાર્ય કર્યું છે. સામાન્ય રીતે અખાની ખ્યાતિ જે છ પદની ષટ્પદી ચોપાઈથી પ્રસરી તે કાવ્યપ્રકાર છપ્પા તરીકે ઓળખાયો.
‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’, ‘છીંડું ખોલતા લાધી પોળ, હવે અખા કર ઝાકમઝોળ’, ‘જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ, સામસામે બેઠા ઘૂડ’ જેવી પંક્તિઓ તરત જ આપણી જીભે બેસી જાય છે. તેની સામાન્ય ભાષામાં ઊંડું જ્ઞાન આપવાની ક્ષમતા સમાજના જ્ઞાનવર્ધનમાં ઉપયોગી બની છે.
‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન,
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.'
જેવા છપ્પામાં તે સમાજમાં વ્યાપેલ આડંબર અને અંધશ્રદ્ધાને લલકારે છે. તેના ચાબખા જેવા છપ્પાઓ લોકોને આકરા તો ખરા પરંતુ સાચા પણ લાગે છે.

‘સમજુ સાખી અરધ ઓચરે, તેની તરોવડ શું પંડિત કરે?
પંડિતને પંડિતાઈનું જોર પણ અંતઃકરણમાં અંધારું ઘોર’

જેવા છપ્પામાં તે અંતરના અજ્ઞાનમાં રાચતા પંડિતોની ટીકા કરે છે.
સદ્ગુરુનો મહિમા તેના મનમાં છે, પરંતુ સદ્ગુરુ મળવા આસાન નથી. અખો પણ ગુરુ કરવામાં ભૂલ કરે છે તેવું તેના આ છપ્પા પરથી સમજાય છે:

'ગુરુ કર્યા મેં ગોકુલનાથ, નગુરા મનને ઘાલી નાથ;
મન મનાવી સગુરો થયો, પણ વિચાર નગુરાનો નગુરો રહ્યો’

પણ તેમ છતાં સદ્ગુરુની આવશ્યકતા દર્શાવતા અખો કહે છે કે ‘સેવો હરિ ગુરુ સંતને’ અને તેના દ્વારા જ્ઞાનમાર્ગે મુક્તિ તરફ આગળ વધવાની હિમાયત અખો કરે છે. ઉમાશંકર જોશી અખાને ‘હસતો કવિ’ કહે છે પરંતુ તેનું હાસ્ય ક્યારેક કટાક્ષ સમું હોય છે.
અખાની યથાર્થ ઉપમા આપવાની ક્ષમતા અને આવડતથી તેનું ગહનજ્ઞાન પણ લોકોને ખુબ સરળ થઇ પડે છે. અખાની અનેક રચનાઓ પૈકી સૌથી મહત્ત્વની ગણાવી શકાય તેવી ‘અખે ગીતા’ અંગે કવિ શ્રી ઉમાશંકર જોશીએ યથાર્થ જ કહ્યું છે કે ‘મધકાલિન જ્ઞાનાશ્રયી કવિતાનું એક ઊંચું શિખર કે તેની ગણનાપાત્ર સિદ્ધિ ગણાય તેવી સત્વવન્તિ કૃતિ છે.’ વાચકો અખાના છપ્પાઓ યુટ્યુબમાં પણ સાંભળી શકે છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter