૨૧મી સદી જૈન જ્ઞાન મંદિરોની : ડો.સુલેખ જૈન

Tuesday 30th May 2023 12:18 EDT
 
 

આ નવી સદીમાં વિશ્વ ગ્લોબલ વીલેજ બની ગયું છે. આ યુગ તત્ક્ષણ કોમ્યુનિકેશનનો, આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો, ટ્રેડ, કોમર્સ, કનેક્ટીવીટી, નવા નવા આઇડીયાઓ વગેરેના અસ્ખલિત પ્રવાહથી ખૂબ જ ઝડપભેર વિવિધ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. વિશ્વભરમાં પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે. પરંતુ જૈન ધર્મની જાણકારીમાં પછાત છે. આજના યુગમાં ય જૈન ધર્મની જાણકારી જૂજ લોકોને છે. અરે! દુનિયામાં જ શા માટે? ભારતમાં પણ એના વિષે બહુ ઓછાને જાણ છે. આવા સંજોગોમાં જૈનો પોતાની ભૂમિકા ભજવવા આગળ આવ્યા છે. જૈન ધર્મ અને એના શિક્ષણના પ્રચાર માટે અમેરિકન જૈનો સજાગ બન્યાં છે.
 સદીઓથી જૈનો દહેરાસરો તો નિયમિતપણે બાંધતા આવ્યા છે. પૂજા-સાધના-ધ્યાન-ચિંતન માટે દેરાસરોનું અસ્તિત્વ હોવું જરૂરી છે. પરંતુ જૈન ધર્મની ફિલોસોફી અને એના સિધ્ધાંતોનો પ્રચાર જ્ઞાન મંદિરો બાંધી કરવાની ય તાતી જરુર છે. જૈન ધર્મના ત્રણ અમૂલ્ય રત્નો છે. • સમ્યક્ દર્શન • સમ્યક્ જ્ઞાન અને • સમ્યક્ ચરિત્ર.
સમ્યક્ જ્ઞાન, જીનવાણી મંદિરો બાંધવાથી જ મળશે. જૈન તત્વજ્ઞાન, આધ્યાત્મિકતા, કલા, સંસ્કૃતિ અને ઇતિહાસના પ્રચાર-પ્રસાર માટે, સમાજમાં જાગ્રતતા લાવવા જ્ઞાન મંદિરો ઉભા કરવા જરૂરી છે.
હાલ યુ.એસ.એ. અને કેનેડામાં ૧૫૦,૦૦૦ થી વધુ જૈનો વસવાટ કરી રહ્યાં છે. તેઓએ એમના મૂળિયાં મજબૂત કરવા નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઓલ જૈન (JAINA)ની સ્થાપના કરી છે. (એ જ રીતે બ્રિટનમાં ય "ઓલ જૈન"ની સ્થાપના કરાઇ છે અને ૩૨ જેટલી સંસ્થાઓ એનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ૪૦,૦૦૦જેટલા જૈનોની વસ્તી હોવાનો અંદાજ છે.) ૭૦ થી વધુ પૂજા માટે દહેરાસરો બાંધ્યાં છે. અને સારી એવી સંખ્યામાં (૧૦૦થી વધુ) સંસ્થાઓ સ્થાપી છે. જૈનોની યુવા પેઢી મોટી સંખ્યામાં યુ.એસ.એ. અને કેનેડાની સુવિખ્યાત યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહી છે.(એ જ રીતે યુ.કે-યુરોપની યુનિવર્સિટીઓમાં પણ અગ્રસ્થાને છે) પરંતુ કમનસીબે ભારત કે વિદેશોમાં જૈન ધર્મના શિક્ષણની એકેડેમીક ક્ષેત્રે જોગવાઇ નથી.
વાસ્તવમાં જૈન ધર્મ વિષેની જાણકારી નહિવત્ પ્રવર્તે છે. કેટલાક તો એને ફૂટનોટ ટ્રેડીશન કહે છે! અન્ય ધર્મોની સરખામણીમાં જૈન ધર્મના શિક્ષણ કે સંશોધન માટે કોલેજો કે યુનિવર્સીટીઓમાં જોગવાઇ નથી. જૈન ધર્મના શિક્ષણ કે ઇન્ફ્રાસ્ટ્રકચરના અભાવની પૂર્તિ માટે અમેરિકન જૈનાએ જ્ઞાન મંદિરો ઉભા કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ૨૦૦૫માં એક સપના સાથે જ્ઞાન મંદિરો બનાવવાની દિશામાં શુભારંભ કર્યો છે. અને એ સિધ્ધ ન થાય ત્યાં સુધી નહિ અટકવા વચન-બધ્ધ છે.
શા માટે જૈન ધર્મનું શિક્ષણ જરૂરી છે?
એક સધ્ધર અને સબળ સમાજ માટે નૈતિક મૂલ્યો અને એના પાલનની અગત્યતા છે. આજે ઠેર ઠેર હિંસા પ્રવર્તિ રહી છે. નિતિમત્તાનો અભાવ છે. મારા-તારાની ખેંચતાણ છે. નાની વયમાં જ બાળકો સ્ટ્રેસનો ભોગ બને છે. મા-બાપ, વડિલો કે શિક્ષકોની આમન્યા કે સન્માન સચવાતાં નથી. રાતોરાત અમીર બનવાના સપનામાં રાચતું આજનું યુવા-ધન ક્યાં જઇ અટકશે? આવા અનેક સવાલોના જવાબ ધર્મના નૈતિક મૂલ્યો જાણવા અને અમલમાં મૂકવાથી જ સમૃધ્ધ સમાજ ઉભો થઇ શકશે.
આજના આધુનિક યુગમાં જૈન ધર્મ અને જીનવાણી વિષેની જાણકારી તથા અમલથી પર્યાવરણના પ્રશ્નને હલ કરવામાં તેમજ
સમાજમાં પ્રવર્તતી અસમાનતા દૂર કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. એન્થ્રોપોલોજી, બાયોએથીક્સ, બીઝનેસ એથીક્સ, ફુડ અને સિક્યોરિટી, ફીલોસોફી અને પબ્લીક હેલ્થ, લો અને સોસીયલ જસ્ટીસ, જૈન ડાયટ, જૈન યોગા આદીના જ્ઞાનથી સમાજમાં પરિવર્તન લાવવાની આ ઝૂંબેશ એક સારા સમાજનું ઘડતર કરવામાં મદદરૂપ થઇ પડશે.
 મેડીસીન્સ અને ટેસ્ટીંગમાં પ્રાણીઓના ઉપયોગ ન કરી પ્રાણીઓના હક્કોનું જતન, એ માટે વિગનનો પ્રચાર, શાંતિ અને સંઘર્ષના નિરાકરણ માટે ક્ષમાપનાની મહત્તા, અનેકાન્તવાદ, માનવીય હક્કો, મહિલા હક્કોનું સન્માન, ઉંચ-નીચ, ગરીબ-તવંગર, જાતિ-રંગ ભેદભાવથી પર થવાની ભાવના, દયા-કરૂણા જેવા માનવીય મૂલ્યોનો અમલ, સામાજિક ન્યાય, સ્વ-સંભાળ માટે આધ્યાત્મિક અને વિવિધ ધ્યાનના વિકાસ અને એ માટે વૈકલ્પિક સંશાધનોનો ઉપયોગ જેવી અનેક બાબતોમાં જૈન ધર્મ માર્ગદર્શક બની શકે. વિજ્ઞાન, ગણિત, ઔષધ, ખગોળ શાસ્ત્ર જેવા અનેક વિષયોમાં જૈનોનું અનુદાન, કોવીદ-૧૯ના કપરા સમયમાં જૈનોની ભૂમિકા અને પ્રદાન આ બધી જાણકારી ધર્મના મૂળભૂત સિધ્ધાંતોનો પરિચય કરાવી શકે. અત્રે જૈન ધર્મનું જ્ઞાન મેળવી પ્રોફેસર બનેલ વિદ્વાનોના મંતવ્યો જાણીએ.
“Jain Dharma offers a different pair of eyeglasses or a prism through which to view the world, its problems, and opportunities. This is why I teach Jainism at University of Texas at Austin.”  
- (Professor Donald Davis, University of Texas at Austin)
“I want to hear everyone talking about Jainism. I want religion and philosophy departments teaching it. I want ecologists and agricultural technicians exploring its sustainability models. I want animal ethicists investigating it. I want metaphysicians engaging its textual and cosmological claims. I want economics departments examining its charitable giving and solvency. I want diplomats, nonviolent practitioners and just war theorists scrutinizing it as a viable political way of life. In short, I want it on the lips of every discipline, colliding with existing wisdom, challenging epistemological strongholds, and generally throwing a wrench into any sentiment that would dismiss as impractical the possibilities of humans living in a fundamentally different manner in our current and future worlds”
- (Professor Brianne Donaldson, University of California Irvine)
જૈન ધર્મ એ એક જીવનશૈલી છે. એમાં ગ્લોબલ પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ છે. એમાં જીવન, વ્યાપાર, પરિવાર સમાજ બધા જ સદા સ્વસ્થ રહી શકે જો એના સિધ્ધાંતોનો અમલ થાય તો! એમાં વિજ્ઞાન, આરોગ્ય, વ્યક્તિગત અને સામૂહિક ખુશી છૂપાયેલ છે. દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ હાવર્ડ, ઓકસ્ફર્ડ, કેમ્બ્રિજ પણ હવે આ ધર્મને જીવનશૈલી કહે છે. એના સિધ્ધાંતોમાં એપોલોજી (ક્ષમાપના), અહિંસા, અનેકાન્તવાદ, અપરિગ્રહ અને આહારચર્યા એમ પાંચ
Aનો અમલ જીવન જીવવા જેવું બનાવે છે.
વૈશ્વિક સ્તરે જૈન ધર્મને ઉચ્ચ શિક્ષણમાં સ્થાન મળે એ માટે "ઇન્ટરનેશનલ સ્કુલ ફોર જૈન સ્ટડીઝ" જૈનાએ (ISJS)ની સ્થાપના કરવામાં આવી. www.isjs.in આ પ્રોગ્રામ હેઠળ જૈન એકેડેમીક એજ્યુકેશન માટેની જાગ્રતતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સફોર્મિંગની કવાયત શરુ કરી. જે અન્વયે ૨૦૦૫માં નવી દિલ્હી ખાતે શરૂ થયેલ પ્રથમ પ્રોગ્રામમાં ૭ જણે ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રોગ્રામ હેઠળ આજ સુધીમાં ૯૫૦થી વધુ જૈન સ્કોલર્સ ઘણી બધી યુનિવર્સિટીઓ અને દેશોમાંથી તૈયાર થયા છે. ISJS એ અકલ્પ્ય સિધ્ધિ મેળવી છે. આ પ્રાગ્રામ ગેમ ચેન્જર છે. જો કે આ તો શરૂઆત છે. હજી લાંબી મજલ કાપવાની છે અને એમાં સૌના સાથ-સહકારની જરુર છે એમ ડો.સુલેખ જૈન જણાવે છે.
નોર્થ અમેરિકાના જૈન સમાજે શૂન્યમાંથી સર્જન કર્યું છે. જૈન સમાજે પંદરેક વર્ષ દરમિયાનમાં કેટલાક દાતાઓના સૌજન્યથી નોર્થ અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં જૈન ધર્મના અભ્યાસ
માટે શૈક્ષણિક અને સંશોધન સુવિધા ઉભી કરવામાં સફળતા મેળવી છે.
આજે એની વિશ્વ વ્યાપી પ્રગતિના આંકડા જોઇશું તો અવશ્ય ગૌરવ ઉપજશે :
• ૧૧ ચેર્સ સ્થાપિત કરી. • ૧૦ પ્રોફેસરશીપ ઉભી કરી. • યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ, યુ.કે.માં ૩ જૈન સ્ટડીઝની જગ્યા ઉભી કરી. આ એક ઐતિહાસિક સિધ્ધિ છે. • ૮ પોસ્ટ ડોક્ટરલ ફેલોશીપ્સ • ૯ લેક્ચરશીપ અને વાર્ષિક લેકચર્સ * યુ.એસ.એ.માં ૧૦ સ્કોલર્સ પી.એચ.ડી. કરી રહ્યાં છે. જેમાંના ૫ ને દાતાઓ તરફથી આર્થિક સહાય સાંપડી છે. • ૧૫ યુનિવર્સિટીઓમાં જૈન ધર્મના ક્લાસીસની ઓફર છે. * અરિહંત એકેડેમી: ઓન લાઇન જૈન યુનિવર્સિટી ઝડપી અને સિમા ચિહ્ન સમી પ્રગતિ કરી રહેલ છે. • જેરૂસલેમ, ઇઝરાયલની હિબ્રુ યુનિવર્સિટીમાં જૈન ચેર ઉભી કરાઇ છે. • વારાણસી, ભારતમાં BHU ખાતે ફંડેડ જૈન સેન્ટર ઉભું કરાયું છે. • બ્રાઝીલ અને પાકિસ્તાનની કેટલીક યુનિવર્સિટીઓમાં જૈન ધર્મના અભ્યાસની ઓફર મળી છે. • ફિલપાઇન્સમાં જૈન અભ્યાસ માટેના દ્વાર ખૂલી રહ્યા છે. • યુ.એસ.એ., ઇઝરાયલ, યુરોપ અને દ.આફ્રિકાની કેટલીક યુનિવર્સિટીઓમાં જૈન ધર્મના અભ્યાસ માટેના ચક્રો ગતિમાન થયા છે. • જૈન શાસ્ત્રો આગમોની વાણી ઉકેલવા પ્રાકૃત તેમજ સંસ્કૃત ભાષા શિક્ષણ માટે ભગવાન મહાવીર વર્ષભરની સ્કોલરશીપ ઉભી કરી જેમાં ૨૦૧૯-૨૦માં યુનિવર્સિટી ઓફ શિકાગો અને SOASમાંથી ૩ સ્કોલર્સ, ૨૦૨૧-૨૨માં ત્રણ સ્કોલર્સ યુ.એસ.એ. અને ભારતમાંથી તૈયાર થયા છે અને ૨૦૨૨-૨૩માં યુ.એસ.એ. અને ભારતથી ૩ સ્કોલર્સ તૈયાર થઇ રહ્યાં છે. પ્રાકૃતમાં એમ.એ.ની ઓફર ઘેન્ટ યુનિવર્સિટી તરફથી છે. ભારતમાં પ્રાકૃત ભાષાનો વર્ષભરનો અભ્યાસ કરવા માટેનો સંપૂર્ણ ખર્ચ સાથે ૧૦ જણને ફેલોશીપ આપવામાં આવી છે.
ISJS એ તાજેતરમાં જૈન ધર્મ પરના શ્રેષ્ઠ પુસ્તક અને શ્રેષ્ઠ સંશોધન પેપર્સ માટે વાર્ષિક એવોર્ડ્સ આપવાની જાહેરાત પણ કરી છે. આ સાહસના ભાગીદાર થવા સૌને આહ્વાન આપવામાં આવ્યું છે અને સહાય માટે ઋણ સ્વીકાર પણ કરવામાં આવ્યો છે.
 (આ લેખની માહિતી ડો.સુલેખ જૈનના અંગ્રેજી લેખના આધારે )
(ભાવાનુવાદ : જ્યોત્સના શાહ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter