આ તો મોદી સરકારનું ‘અંતિમ જુમલા બજેટ’ઃ વિપક્ષ

Wednesday 06th February 2019 05:29 EST
 
 

નવી દિલ્હીઃ મોદી સરકારે રજૂ કરેલા બજેટને વિપક્ષે વર્તમાન સરકારનું ‘અંતિમ જુમલા બજેટ’ ગણાવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે માત્ર રોજના ૧૭ રૂપિયાની સહાયની જાહેરાત કરીને મોદી સરકારે ખેડૂતોનું અપમાન કર્યું છે. તો પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે સરકાર દાવો કરી રહી છે વિકાસ દર વધ્યો છે. જોકે આ દાવો તદ્દન જુઠો છે કેમ કે એક તરફ બેરોજગારી દર ૪૫ વર્ષનો રેકોર્ડ તોડી ચુક્યો છે અને બીજી તરફ સરકાર વિકાસ દર વધ્યાના દાવા કરી રહી છે. બેરોજગારી દર આટલો ઉંચો હોય તેવી સ્થિતિમાં વિકાસ દર કેવી રીતે વધી શકે તે સવાલ પૂર્વ નાણાં પ્રધાને સરકારને કર્યો હતો.
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે મોદી સરકારનું આ બજેટ આગામી લોકસભાની ચૂંટણીનો ચૂંટણી ઢંઢેરો જ છે. વિરોધ પક્ષોએ વચગાળાના બજેટને બદલે સંપૂર્ણ બજેટ રજુ કરી નાખવા બદલ પણ સરકારને ભીંસમાં લીધી હતી. વિપક્ષે આરોપ મૂક્યો હતો કે સરકારે બંધારણનું અપમાન કર્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મતદાતાઓને સરકાર લાંચ આપી રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે આ માત્ર ચૂંટણીનો મેનિફેસ્ટો છે, માત્ર ચૂંટણી જીતવા માટે સરકારે મતદારોને લાંચ આપવાનો પ્રયાસ કર્યો છે. પત્રકારોની સાથે વાતચીત કરતાં ચિદમ્બરમે જણાવ્યું હતું કે પિયુષ ગોયલે વચગાળાની સૌથી મોટી સ્પીચ આપી. આ બજેટ વોટ ઓન અકાઉન્ટ નહીં, પણ અકાઉન્ટ ફોર વોટ છે. સરકારના આ ચૂંટણીલક્ષી બજેટ પરથી પુરવાર થાય છે કે હવે સરકારને પણ લાગી રહ્યું છે કે તે સત્તામાં આવે તેવી સ્થિતિમાં હાલ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter