સુરત: કોરોના વાયરસના સંક્રમણના કારણે એક તરફ કાપડ ઈન્ડસ્ટ્રી પાસે નવા ઓર્ડર કે નવું ઉત્પાદન નથી ત્યાં શહેરના ગણતરીના ઉત્પાદકો કાપડ પ્રોડક્શનમાં નવું ઈનોવેશન લાવી રહ્યા છે. શહેરના પલસાણા સ્થિત ભાસ્કર મિલના કાપડ ઉત્પાદક અશોક ટીબરેવાલ દ્વારા કોરોના વાયરસની ડિઝાઈનવાળા સાડી, લહેંગા અને ડ્રેસ તૈયાર કર્યા છે. જે સુરત કે ગુજરાતમાં જ નહીં, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ડિમાન્ડમાં છે.
હાલ શહેરના કાપડ ઉત્પાદકો પાસે જ્યાં એક તરફ માસ્ક અને પીપીઈ સુટ તૈયાર કરવાની સાથે કાપડના જૂના ઓર્ડરને ક્લિયર કરવાનું કામ મર્યાદિત પ્રમાણમાં છે ત્યાં શહેરના પલસાણા ખાતે તાતીથૈયામાં મિલ ધરાવતાં કાપડ ઉત્પાદક અશોક ટીબરેવાલે કોરોનાની પ્રિન્ટવાળી સાડી બનાવીને મોટા પ્રમાણમાં પ્રોડક્શન શરૂ કરી દીધું છે. આ અંગે અશોક ટીબરેવાલ જણાવે છે કે, દેશમાં બનતાં મોટા ઈવેન્ટની પ્રિન્ટવાળી સાડી દેશના વિવિધ કાપડ માર્કેટમાં પ્રચલિત બનતી રહી છે ત્યારે આ વખતે કોરોના વાયરસની ડિઝાઈનવાળું કાપડ તૈયાર કરવાનો વિચાર ઉદ્દભવ્યો હતો. જેના આધારે અમે સૌ પ્રથમ બે લાખ મીટર કાપડનો ઓર્ડર પૂર્ણ કર્યો હતો. ધીરે-ધીરે તેની ડિમાન્ડ વધતાં આજે અમારી પાસે કુલ આઠ લાખ મીટર કોરોના વાયરસની ડિઝાઈનવાળા કપડાની ડિમાન્ડ છે. જેમાંથી ખાસ કરીને લહેંગા, સરારા, સાડી અને ડ્રેસ મટીરિયલ્સ તૈયાર થાય છે.
સુરતની સાથે રાજ્યમાં તેમજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ હાલ અમારું કાપડ ભારે ડિમાન્ડમાં છે. અત્યાર સુધી અમે ૫ લાખ મીટરનો ઓર્ડર પૂર્ણ કરી દીધો છે. આવનારા દિવસમાં અમે બાકીનું ૩ લાખ મીટર કાપડનો પણ ઓર્ડર પૂર્ણ કરી દઈશું. અને નવા ઓર્ડરની ઇન્કવાયરી ચાલુ જ છે.