ગુજરાતમાં ૫૮ અબજોપતિઃ અદાણી પહેલા, પટેલ બીજા

Wednesday 31st October 2018 06:27 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતના ૫૮ બિલિયોનેરની યાદીમાં કોર્પોરેટ જાયન્ટ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ ૭૧,૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પહેલું સ્થાન મેળવ્યું છે. જ્યારે કેડિલા હેલ્થ કેરના ચેરમેન એમિરેટ્સ પંકજ પટેલે ૩૨,૧૦૦ કરોડ રૂપિયાની અસ્ક્યામત સાથે બીજું સ્થાન મેળવ્યું છે.
હુરુન ઇંડિયા રિચ લિસ્ટ ૨૦૧૮ અનુસાર ભારતમાં કુલ ૮૩૧ અબજોપતિ છે, અને રિલાયન્સ જૂથના સર્વેસર્વા મુકેશ અંબાણી ૩.૭૧ લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે આ યાદીમાં સતત સાતમા વર્ષે ભારતના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. દેશના રાજ્યોમાં અબજોપતિઓની સંખ્યા અને સંપત્તિની બાબતમાં ગુજરાત ચોથા ક્રમે છે.
ગુજરાતના ૫૮ અબજોપતિઓમાંથી ૪૯ અમદાવાદમાં વસે છે. જ્યારે ૫ રાજકોટમાં, ૩ સુરતમાં અને એક વડોદરામાં રહે છે. ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતના આ ૫૮ અબજોપતિમાંથી ૨૮ આપબળે અબજોપતિ બનેલા છે.

અંબાણી સૌથી આગળ

ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સંપત્તિની બાબતમાં નિતનવા વિક્રમો કરી રહ્યા છે. ગુજરાતના સૌથી અમીર ૫૮ અબજોપતિઓની સંપત્તિનો સરવાળો કરો એ પછી પણ મુકેશ અંબાણી એકલા આ બધાથી ઘણા આગળ છે. ગુજરાતના આ ૫૮ અબજોપતિઓમાં દરેકની પાસે ઓછામાં ઓછા ૧૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગુજરાતના ૫૮ સૌથી વધુ ધનવાનોની કુલ સંપત્તિ ૨.૫૪ લાખ કરોડ રૂપિયા છે. અન્ય ધનવાનોની નેટવર્થ અને મુકેશ અંબાણીની નેટવર્થ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે. અલબત્ત, મુંબઇમાં હેડ ક્વાર્ટર ધરાવતા મુકેશ અંબાણી મૂળ સૌરાષ્ટ્રના ચોરવાડના વતની છે.

અમદાવાદમાં સૌથી વધુ

ગુજરાતના ૫૮ અબજોપતિની યાદીમાં અમદાવાદના ગૌતમ અદાણી ૭૧,૮૦૦ કરોડની અસ્ક્યામતો સાથે સૌથી વધુ શ્રીમંત વ્યક્તિ જાહેર થયા છે, પણ ભારતના ૮૩૧ અબજોપતિઓની યાદીમાં તેઓ આઠમા ક્રમે છે. જ્યારે કેડિલા હેલ્થ કેરના ચેરમેન એમિરેટ્સ પંકજ પટેલ ગુજરાતના સૌથી ધનાઢયોની યાદીમાં બીજું સ્થાન ધરાવે છે, પણ ભારતની યાદીમાં તેઓ ૨૨મા ક્રમે છે.
નેટવર્થમાં AIA એન્જિનિયરિંગના ભદ્રેશ શાહનો આંકડો ૯૭૦૦ કરોડ રૂપિયા, નિરમા જૂથના કરસનભાઇ પટેલનો આંકડો ૯૬૦૦ કરોડ રૂપિયા અને ટોરેન્ટ ગ્રૂપના પ્રમોટર સમીર અને સુધીર મહેતાનો આંકડો ૮૩૦૦ કરોડ રૂપિયા છે.
ગુજરાતના ૫૮ ધનકુબેરોની યાદીમાં ૧૦ મહિલાઓ પણ સ્થાન ધરાવે છે. આ મહિલાઓ નિરમા ગ્રૂપ, ટોરેન્ટ ગ્રૂપ અને ઇન્ટાસ ગ્રૂપ જેવા બિઝનેસ હાઉસ સાથે જોડાયેલી છે.
ગુજરાતના તમામ ૫૮ અબજોપતિમાંથી ૮૪ ટકા વ્યક્તિઓ અમદાવાદમાં રહે છે. અબજોપતિની યાદીમાં સામેલ ૧૦ મહિલામાં શાંતાબહેન કરસનભાઈ પટેલ (નિરમા ગ્રૂપ)નો પણ સમાવેશ થાય છે. અબજોપતિની યાદીમાં સ્થાન મેળવનારાઓ ફાર્માસ્યુટિકલ્સ અને કન્સ્ટ્રક્શન તથા એન્જિનિયરિંગ સેક્ટર સાથે સંકળાયેલા હોવાનું જોવા મળી રહ્યું છે.

ભારતમાં અબજોપતિઓ વધ્યા

અબજોપતિની આ યાદીમાં આઈટી સેક્ટર અને સર્વિસ સેક્ટરના અબજોપતિની સંખ્યા વધારે હોવાનું જાણવા મળ્યું છે. ૧૦૦૦ કરોડથી વધુ સંપત્તિ ધરાવનારાઓને આ યાદીમાં સ્થાન અપાયું છે. ૨૦૧૭ની સાલમાં તૈયાર કરાયેલી આવી યાદીમાં અબજોપતિની સંખ્યા ૬૧૭ હતી, તે આ વર્ષે ૨૦૧૮માં વધીને ૮૩૧ની થઈ છે. ૩૧મી જુલાઈ ૨૦૧૮ના રોજ વ્યક્તિની નેટવર્થ કેટલી હતી તેના આધારે આ યાદી તૈયાર કરવામાં આવી છે. ૮૩૧ વ્યક્તિની યાદીમાં રિલાયન્સ ગ્રૂપના માલિક મુકેશ અંબાણી સતત સાતમે વર્ષે આ યાદીમાં પ્રથમ ક્રમે રહ્યા છે.
૮૩૧ અબજોપતિ પાસેની કુલ અસ્ક્યામતો ૭૧૯ બિલિયન અમેરિકી ડોલરની છે. આ વરસની યાદીમાં ૩૦૬ નવા ચહેરાઓએ સ્થાન મેળવ્યું છે. તેની સામે ગયા વર્ષની યાદીમાં સ્થાન મેળવનાર ૭૫ ચહેરા નીકળી ગયા છે. અબજોપતિની આ યાદીમાં મુંબઈમાંથી સૌથી વધુ ૨૩૩ અબજોપતિએ સ્થાન મેળવ્યું છે. ગુજરાતના અબજોપતિની યાદીમાં ૧૭ એવા છે જેમને વારસામાં આ મિલ્કતો મળી છે.

ગુજરાતના ટોપ-ટેન અબજોપતિ

• ગૌતમ અદાણી - ૭૧,૮૦૦ કરોડ (અદાણી એન્ટરપ્રાઈઝ) • પંકજ પટેલ - ૩૨,૧૦૦ કરોડ (કેડિલા હેલ્થ કેર) • ભદ્રેશ શાહ - ૯,૭૦૦ કરોડ (એઆઈએ એન્જિનિયરિંગ) • કરસન પટેલ - ૯,૬૦૦ કરોડ (નિરમા) • સમીર મહેતા - ૮,૩૦૦ કરોડ (ટોરેન્ટ ફાર્મા) • સુધીર મહેતા - ૮,૩૦૦ કરોડ (ટોરેન્ટ ફાર્મા) • રાકેશ કે. પટેલ - ૫,૯૦૦ કરોેડ (નિરમા) • સંદીપ પ્રવીણભાઈ - ૫,૩૦૦ કરોડ (અસ્ટ્રાલ પોલી ટેકનિક) • સંજય એસ. લાલભાઈ - ૪,૯૦૦ (અરવિંદ) • અચલ બકેરી પરિવાર - ૪,૮૦૦ કરોડ (સિમ્ફની)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter