સુરત: કોરોનાકાળમાં દરેક ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતની તમામ હોટેલોને છેલ્લા પાંચ મહિનામાં અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જંગી નુક્સાન બાદ તબક્કાવાર અનલોકની સ્થિતિમાં પણ ઉદ્યોગ પોતાની પરિસ્થિતિ સુધારી શક્યો નથી. ખાવાપીવા માટે શોખીન સુરતીઓના કારણે શહેરના એક પણ રેસ્ટોરાં - હોટેલ ક્યારેય ખાલી રહેતા નહોતા, પરંતુ કોરોના કાળમાં હોટેલો ખાલીખમ જોવા મળી રહી છે. લોકડાઉનમાં હોટેલ ઈન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે બંધ રહી હતી, જેથી એક રૂપિયાનો પણ લાભ રેસ્ટોરાં કે હોટેલ સંચાલકોને થયો નહોતો. બાદમાં અનલોક એક અને બેમાં હોટેલો ૩૦ ટકા કર્મચારીઓ સાથે શરૂ તો થઈ, પરંતુ હોટેલમાં આવનારા લોકોની સંખ્યા નહીંવત્ જોવા મળી હતી. પાર્સલ સેવા શરૂ કરાઈ તેમાં પણ ૧૦થી ૨૦ ટકા આવક જ રેસ્ટોરાં માલિકોને થઈ છે.
રેસ્ટોરાં સંચાલક શેટ્ટીએ કહ્યું કે, અનલોકમાં માત્ર ૩૦ ટકા કર્મચારીઓ સાથે રેસ્ટોરાં શરૂ કર્યું હતું પરંતુ માત્ર ૧૦થી ૨૦ ટકા જેટલો વેપાર થયો અને તે પણ પાર્સલ સર્વીસના કારણે. હોટેલ તો શરૂ કરી છે, પણ લોકો હોટેલમાં આવી રહ્યા નથી. આમ માંડ ૩૦ ટકા જેટલો વેપાર થઈ રહ્યો છે. કર્મચારીઓની અછત પણ છે. અમે ટિકિટ મોકલીને બીજા રાજ્યમાં ગયેલા પોતાના કર્મચારીઓને બોલવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાત હોટેલ એસોસિએશનના પ્રમુખ પર સનત રેલિયાએ કહ્યું કે, છેલ્લા પાંચ મહિનાથી હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે. ૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. લોકડાઉન અને અનલોકના કારણે ખાસ કરીને હાઇવે પર આવેલી હોટેલોને પણ નુકસાન થયું છે. તકેદારી રાખવા માટે લોકો હોટેલ સુધી આવી રહ્યા નથી જેથી મોટો ફટકો ઉદ્યોગને પડ્યો છે.