બજેટથી ગરીબોને શક્તિ, શ્રમિકોને સન્માનઃ વડા પ્રધાન

Thursday 07th February 2019 05:29 EST
 
 

નવી દિલ્હીઃ બજેટ રજૂ થયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની ઉપલબ્ધિ રજૂ કરતાં કહ્યું હતું કે આ વચગાળાનું અંદાજપત્ર છે. ચૂંટણી પછી આ બજેટ દેશને સમૃદ્ધિ તરફ લઈ જશે. ભારતીયો માટે ન્યૂ ઈન્ડિયા સાકાર કરનારું બજેટ છે. આ બજેટમાં મધ્યમ વર્ગથી માંડીને કામદારો માટે, ખેડૂતની ઉન્નતિથી માંડીને વેપારીઓ સુધી, આવકવેરાથી માંડીને માળખાકીય સુવિધા સુધી, ઉત્પાદન ક્ષેત્રથી માંડીને એમએસએમઈ સુધી, અર્થતંત્રને નવી ગતિ આપવાથી માંડીને ન્યૂ ઈન્ડિયા તરફની ગતિનું ધ્યાન રખાયું છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે સંખ્યાબંધ ટ્વિટ કરીને લખ્યું હતુંઃ બજેટે ફરી પુરવાર કર્યું છે કે મોદી સરકાર દેશના ગરીબો, ખેડૂતો અને યુવાનોની આશા-આકાંક્ષાને પૂરી કરવા સમર્પિત છે. દેશના ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસમાં આ નિર્ણય સીમાચિહ્ન સાબિત થશે.
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સમાજના તમામ વર્ગને તેનો લાભ મળશે. અરુણ જેટલીએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે બજેટ લોકોની ખર્ચશક્તિ વધારવાની સાથોસાથ નાણાંકીય અનુશાસન જાળવનારું છે. કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુએ બજેટને આવકારતાં જણાવ્યું હતું કે બજેટ વર્ષ ૨૦૨૨ના ન્યૂ ઈન્ડિયા તરફ દોરી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter