ભારતે પાઠ ભણાવ્યોઃ પાક.ની ચીજવસ્તુઓ પર ૨૦૦ ટકા આયાત ડ્યૂટી લાદી

Wednesday 20th February 2019 06:19 EST
 
 

નવી દિલ્હીઃ આતંકવાદને પાળતા-પોષતા પાકિસ્તાનને આર્થિક ફટકો મારવા ભારત એક પછી એક પગલાં લઇ રહ્યું છે. પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો છીનવ્યાના બીજા જ દિવસ ૧૬ ફેબ્રુઆરીએ ભારતે પાકિસ્તાનથી આયાત થતી તમામ વસ્તુઓ પર ૨૦૦ ટકા આયાત ડયુટી લાદી દીધી હતી. પરિણામે હવે ભારતના વ્યાપારીઓ અને ઉદ્યોગો પાકિસ્તાનથી ચીજવસ્તુઓની આયાત નહીં કરે, જેથી પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઇ શકે છે.
પાકિસ્તાનની વસ્તુઓ પર ૨૦૦ ટકા આયાત ડયુટી નાખવામાં આવી હોવાથી પાકિસ્તાનને ભારતના આ પગલાથી આશરે ૩૫૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડશે. ૨૦૧૭માં ભારતે પાકિસ્તાન પાસેથી ૩૪૮૨.૩ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ આયાત કરી હતી.
પાકિસ્તાનથી જે વસ્તુઓની સૌથી વધુ આયાત થાય છે તેમાં સિમેન્ટ, ફળ મુખ્ય છે. આ બન્ને પર હાલ કસ્ટમ ડયુટી ૩૦થી ૫૦ ટકા અને ૭.૫ ટકા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની વસ્તુઓ પર ૨૦૦ ટકા આયાત ડયુટી લાદવાનો સીધો મતલબ એ છે કે પાકિસ્તાનની વસ્તુઓ પર પ્રતિબંધ મુકવો.
આ ઉપરાંત ભારત હજુ પણ પાકિસ્તાનની આર્થિક રીતે કમર તોડવા માટે વધુ આકરા પગલા લઇ શકે છે, જેમ કે આગામી દિવસોમાં પોર્ટ સંલગ્ન પ્રતિબંધો પણ મૂકાઇ શકે છે. પાકિસ્તાન ભારતને જે મુખ્ય વસ્તુઓની નિકાસ કરે છે તેમાં ચામડું, પેટ્રોલિયમ વસ્તુઓ, સિમેન્ટ, ફળ, મસાલા, રબરની વસ્તુઓ, મેડિકલના કેટલાક સાધનો, પ્લાસ્ટિકની વસ્તુઓ, સ્પોર્ટ્સ સંબંધિત વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ વસ્તુ ભારત પાકિસ્તાન પાસેથી ખરીદતું આવ્યું છે, જોકે હવે ૨૦૦ ટકા આયાત ડયુટી ઝીંકીને એક રીતે આ વસ્તુઓ પર સીધી રીતે પ્રતિબંધ જ મુકી દેવાયો છે. જ્યારે ભારત પાકિસ્તાનમાં જે વસ્તુઓની નિકાસ કરે છે તેમાં મુખ્યત્વે કપાસ, કપાસના ઉત્પાદનો, કેમિકલ્સ, પ્લાસ્ટિક્સ વગેરેનો સમાવેશ થાય છે.

વિશેષ દરજ્જો છીનવ્યો

૧૫ ફેબ્રુઆરીએ વડા પ્રધાન મોદીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની બેઠકમાં પાંચ મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લેવાયો છે. આથી આયાત-નિકાસમાં મળતી છુટ રદ થઈ જતી હોય છે. બેઠકમાં વડા પ્રધાન ઉપરાંત સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન્, નાણાં પ્રધાન અરુણ જેટલી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ હાજર હતા. મિટિંગ બાદ જેટલીએ કહ્યું હતું કે કેટલાક નિર્ણયો સુરક્ષા સંદર્ભે જાહેર કરી શકાય તેમ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter