મજેદાર સ્નેક્સના અગ્રણી ઉત્પાદકો યુરોપ સ્નેક્સ અને કોલકનું સંયુક્ત જૂથ રચાશે

Friday 04th November 2016 05:55 EDT
 
 

લંડનઃ યુરોપ સ્નેક્સ અને કોલક ફૂડ સ્નેક્સ લિમિટેડે એકબીજા સાથે સહયોગ કરવાની જાહેરાત કરી છે. યુેકમાં ખાનગી લેબલ બ્રાન્ડ્સના મજેદાર સ્નેક્સના અગ્રણી ઉત્પાદકો તરીકે નામના ધરાવતા યુરોપ સ્નેક્સ અને કોલક આ સેક્ટરમાં ટોચ પર પહોંચવા પોતાના પોર્ટફોલિયો અને ટેક્નિકલ એક્સપર્ટાઈઝનો સમન્વય કરી રહ્યા છે. નવા રચાયેલા ગ્રૂપમાં આશરે ૨૫૦ મિલિયન યુરોના વેપાર સાથે ૧,૪૦૦ કર્મચારીનો સમાવેશ થાય છે. ફ્રાન્સ અને યુકેમાં છ ઉત્પાદન સ્થળોથી ૭૫૦ પ્રકારના પ્રોડક્ટ્સના વાર્ષિક ૧.૪ બિલિયનથી વધુ પેકેટનું ઉત્પાદન કરવામાં આવે છે. સમગ્ર યુરોપ તથા ૨૦૦ જેટલા રીટેઈલર્સ અને ડિસ્કાઉન્ટ સ્ટોર્સ સાથે તેમની ભાગીદારી છે.
નવા ગ્રૂપના સીઈઓ ક્રિસ્ટોફ ફેનાર્ટે જણાવ્યું હતું કે,‘યુરોપ સ્નેક્સ અને કોલકને સાથે લાવીને અમે ક્રિસ્પ્સ અને સ્નેક્સની સંપૂર્ણ રેન્જ્સમાં ઈનોવેશન લાવવા સાથે અમારા કસ્ટમર્સની બ્રાન્ડ્સની પસંદગીના સમગ્ર યુરોપીય પાર્ટનર બનવાના ધ્યેય તરફ આગેકૂચ કરી રહ્યા છીએ. બંને બિઝનેસીસ એન્ટ્રેપ્રીન્યોરશિપની ભાવના ધરાવે છે અને અમારા કસ્ટમર્સને ગુણવત્તા અને મૂલ્ય આપવા માટે પ્રતિબદ્ધ છે.’
કોલકના મેનેજિંગ ડિરેક્ટર રિકિન લાખાણીએ ઉમેર્યું હતું કે,‘મને ક્રિસ્ટોફ અને યુરોપ સ્નેક્સની ટીમ સાથે કામ કરવામાં આનંદ છે. આ વિલિનીકરણથી અમને અને અમારા કસ્ટમર્સ માટે પ્રાપ્ત થનારી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તકથી હું ઘણો જ રોમાંચિત અને ઉત્સાહી છું.’ કોલકના સહસ્થાપક અને પૂર્વ ચેરમેન તથા વર્તમાન સીઈઓ અશોક લાખાણી ગ્રૂપ બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જોડાશે, જ્યારે સહસ્થાપક ભરત લાખાણી અન્ય વર્તમાન શેરહોલ્ડર્સની સાથે અલગ થશે. રિકિન લાખાણી અને નિકોલસ એમેઉદ મેનેજિંગ ડિરેક્ટર્સ તરીકે અનુક્રમે યુકે અને ફ્રેન્ચ બિઝનેસનું વડપણ સંભાળશે. બંને કંપનીઓ પોતાની પ્રસ્થાપિત બ્રાન્ડ નેમ હેઠળ જ કામગીરી ચાલુ રાખશે.
કોલક ફૂડ સ્નેક્સ
બ્રિટિશ માર્કેટમાં લીડર કોલકની સ્થાપના ૧૯૮૪માં થઈ હતી. આગવા લેબલ હેઠળ કોલક તેના ઉત્પાદનોમાં પોટેટો ક્રિસ્પ્સ, હાથબનાવટના ક્રિસ્પ્સ, ફ્રાઈડ અને પોપ્ડ સ્નેક્સ, પોપકોર્ન, અને સ્ટેક્ડ ચિપ્સની વિશાળ રેન્જની ઓફર કરે છે. કોલક લંડન નજીકના બે ઉત્પાદન કેન્દ્રો ઓપરેટ કરે છે અને ૧,૦૦૦થી વધુ લોકો ત્યાં કામ કરે છે.
યુરોપ સ્નેક્સ
ફ્રાન્સના મજેદાર સ્નેક્સ માર્કેટમાં આગવી બ્રાન્ડ સાથે સ્ટેક્ડ ચિપ્સના અગ્રણી ઉત્પાદક અને મોખરાની કંપની યુરોપ સ્નેક્સની સ્થાપના ૧૯૯૧માં થઈ હતી. એક્સ્ટ્રુડેડ ટેકનોલોજીસ, સ્ટેક્ડ ચિપ્સ, ક્રેકર્સ અને પોપ્ડ સ્નેક્સની નિષ્ણાત કંપની પશ્ચિમ ફ્રાન્સમાં ચાર ઉત્પાદન કેન્દ્ર ધરાવે છે અને ૪૦૦થી વધુ લોકો ત્યાં કામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter