ગાંધીનગર: જામનગર પાસેના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપી દીધી છે. તેઓએ કહ્યું કે સૌરાષ્ટ્રમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું બનશે કેમ કે હવે જામનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબનું નવું અલંગ આકાર પામશે.
સચાણાનું શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત થતાં જ આ જિલ્લામાં અને આસપાસના વિસ્તારોમાં હજારો લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે રોજગારીની તકો ખૂલશે. હવે પછીથી અલંગમાં મોટા અને વિશાળ જહાજો જ્યારે સચાણામાં નાના અને મધ્યમ કદના જહાજો શિપ બ્રેકિંગ માટે આવશે, જેની પાછળનો ઉદેશ્ય સચાણાને ફરીથી ધમધમતુ કરવાનો હોવાનું તેમણે ઉમેર્યું હતું. મુખ્ય પ્રધાન રૂપાણીએ સચાણાની જમીનની હદ અંગેના વિવાદનો અંત લાવવા માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના પણ કરી છે.