સરકાર સાથે વધતા ઘર્ષણ વચ્ચે રિઝર્વ બેંકના ગવર્નર ઊર્જિત પટેલનું રાજીનામું!

Wednesday 12th December 2018 05:56 EST
 
 

નવી દિલ્હીઃ સરકાર સાથે વધતા ટકરાવ વચ્ચે રિઝર્વ બેંકના ગવર્નર ઊર્જિત પટેલે સોમવારે રાજીનામું આપી દીધું હતું. જોકે, આ નિર્ણયનું કારણ અંગત ગણાવાયું છે. પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને બીજો કાર્યકાળ નહીં આપીને મોદી સરકારે ૫ ડિસેમ્બર, ૨૦૧૬ના ઊર્જિત પટેલની આરબીઆઈ ગવર્નર તરીકે નિમણૂક કરી હતી. ૨૪મા ગવર્નર તરીકે ઊર્જિતનો કાર્યકાળ ૧૯૯૨ બાદ સૌથી નાનો રહ્યો છે. તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થવામાં હજી આઠ મહિના બાકી હતા. ઊર્જિત પહેલાં ૧૯૯૨માં એસ. વેંકટરામનનો કાર્યકાળ બે વર્ષથી ઓછો રહ્યો હતો. આરબીઆઈ ગવર્નર બનતા પહેલાં ઊર્જિત પટેલ ડેપ્યુટી ગવર્નર હતા.
રાજનના કાર્યકાળમાં તેઓ આર્થિક નીતિ વિભાગ સંભાળતા હતા. તેઓ કોર્પોરેટ બેકગ્રાઉન્ડવાળા ગણતરીના ગવર્નર્સમાં સામેલ છે. ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ આરબીઆઈના કામમાં સરકારી હસ્તક્ષેપ વધ્યો હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યાર પછી સરકાર અને આરબીઆઈ વચ્ચે તણાવના સમાચાર આવ્યા હતા. આથી ઘણા સમયથી ઊર્જિતના રાજીનામાની આશંકા વ્યક્ત થઈ રહી હતી.

ઘણા મતભેદ

આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીના રિસર્ચ હેડ એ પ્રસન્નાએ કહ્યું કે, બોર્ડ મિટિંગ પહેલાં રાજીનામું આપ્યું એનાથી જણાય છે કે હજુ પણ સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે મુખ્ય મુદ્દા પર ઘણા મતભેદ છે. રાજીનામાને કારણે રિઝર્વ બેંકની સ્વાયતત્તાનો મુદ્દો ફરી ગરમાયો છે. લંડન સ્થિત પાઈનબ્રિજ ઇન્વેસ્ટમેન્ટના ફંડ મેનેજર એન્ડર્સ ફોર્જમેને કહ્યું કે, રાજીનામું સરકારની દખલથી આપ્યું છે. આથી બેંકની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થશે. નવા ગવર્નર સામે નીતિ જાળવી રાખવાની પણ સમસ્યા રહેશે.

રાજકારણ પર અસર

સીબીઆઈ અને પછી આરબીઆઈનો પ્રશ્ન ઊછળવાથી વિપક્ષ આક્રમક રહેશે. સંસદનું સત્ર શરૂ થવાનું છે ત્યારે સરકારે જવાબ આપવો ભારે પડશે. કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષ એવું કહે છે કે સરકાર લોકતાંત્રિક સંસ્થાઓ પર હુમલા કરી રહી છે. ચિદમ્બરમે તો ત્યાં સુધી કહ્યું કે કોઈપણ સ્વાભિમાની આ સરકારમાં કામ કરી શકે નહીં. વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવાની વાત કરી છે. રાહુલે કહ્યું કે તમામ વિપક્ષ એક વાત પર સહમત છે કે આરબીઆઈ જેવી સંસ્થાઓ ઉપર હુમલા બંધ થવા જોઈએ.

દરેક ભારતીય માટે ચિંતાનો વિષયઃ રાજન

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ઊર્જિત પટેલે આ અંતિમ પગલું કેમ લીધું તે આપણે ઊંડાણપૂર્વક વિચારવું જોઈએ. દરેક ભારતીય માટે આ ચિંતાનો વિષય છે. વિકાસ અને વૃદ્ધિ માટે સંસ્થા મહત્ત્વની છે. આરબીઆઈ સાથેના પોતાના સંબંધોમાં સરકારે ઘણી જ સંભાળ લેવી રહી એમ તેમણે ઉમેર્યું હતું. આરબીઆઈના સૌથી સિનિયર ડેપ્યુટી ગવર્નર એન. એસ. વિશ્વનાથન પટેલના સ્થાને હાલમાં આરબીઆઈના કાર્યવાહ વડા તરીકે ફરજ બજાવે તેવી વકી છે.

ચરોતરના વતનીઃ ઉજ્જવળ કારકિર્દી

વર્ષ ૧૯૩૨માં ઊર્જિતના દાદા પરષોત્તમભાઇ ખેડા જિલ્લાના મહુધાથી કેન્યા જઇને સ્થાયી થયા હતા. સુખી પરિવારના પરષોત્તમભાઇના પુત્ર રવિન્દ્રભાઈએ ઉચ્ચ અભ્યાસ બાદ કેન્યામાં રેક્સો પ્રોડક્ટ નામે કંપની સ્થાપી હતી. આ કંપની ઓઇલ પેઇન્ટમાં વપરાતા થીનરનું ઉત્પાદન કરતી હતી. રવિન્દ્રભાઇની મુલાકાત ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા મંજુલાબહેન સાથે થઈ અને તે પ્રેમલગ્નમાં પરિણમી. મંજુલાબહેન અને રાજેન્દ્રભાઈને સંતાનમાં એક પુત્ર એટલે ઊર્જિતભાઈ અને પુત્રી ઋજુતાબહેન. ઊર્જિત પટેલનો જન્મ કેન્યામાં જ થયો હતો.
૨૮ ઓક્ટોબર, ૧૯૬૩ના રોજ કેન્યાના નૈરોબીમાં જન્મેલા ડો. ઊર્જિત પટેલે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી બીએ અને વર્ષ ૧૯૮૬માં ઓક્સફર્ડમાંથી અર્થશાસ્ત્રમાં એમ ફિલની ડિગ્રી લીધી. એ પછી તેમણે ૧૯૯૦માં અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું હતું.
આરબીઆઈમાં ડેપ્યુટી ગવર્નર પદે તેમની નિમણૂક થઈ એ પહેલાં તેઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)માં કેન્યન નાગરિક તરીકે જોડાયા હતા. ૧૯૯૧-૯૪માં વૈશ્વિક અર્થતંત્રમાં મોટા ફેરફારો થઈ રહ્યા હતા ત્યારે ડો. ઊર્જિત પટેલે આઈએમએફમાં ભારત, અમેરિકા, બહામાસ અને મ્યાંમારનું ડેસ્ક સંભાળ્યું હતું. આઈએમએફ વતી જ તેઓ આરબીઆઈમાં ડેપ્યુટેશન પર આવ્યા હતા, જ્યાં તેમણે ડેબ્ટ માર્કેટના વિકાસ તેમજ બેંકિંગ અને પેન્શન ફંડ ક્ષેત્રમાં સુધારા કરવા સલાહકારની ભૂમિકા ભજવી હતી.
૧૯૯૮થી ૨૦૦૧ એનડીએ સરકાર વેળા ડો. ઊર્જિત પટેલ નાણાં મંત્રાલયના કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા. સરકારના વિવિધ વિભાગોમાં સેવા આપ્યા પછી ૧૧ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ તેમને ત્રણ વર્ષ માટે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા.
આ ઉપરાંત તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની (આઈડીએફસી) સાથે જુદા જુદા હોદ્દા પર એક યા બીજા સમયે કામ કરી ચૂક્યા છે.
ઊર્જિત પટેલે વિવિધ વિષયો પર પુષ્કળ લખ્યું પણ છે. ઈન્ફ્રાસ્ટ્રકચર, ઇન્ટરનેશનલ ટ્રેડ, પબ્લિક ફાઇનાન્સ, મેક્રો-ઇકોનોમિક્સ અને મોસમના બદલાતા મિજ્જ એટલે કે કલાઇમેટ ચેન્જની દેશ-દુનિયાનાં અર્થકારણ પર થતી અસર વગેરે એમના પસંદગી વિષય છે.

પરિવારવાદી વ્યક્તિત્વ

અંગત જિંદગીમાં પિતાના સ્વર્ગવાસ પછી માતા મંજુલાબહેનની સાથે મુંબઈમાં રહેતા ઊર્જિત જ માતાની સંભાળ રાખે છે. મીતભાષી, નિર્વ્યસની, સરળ અને પરિવારવાદી ઊર્જિતભાઈ પટેલની વડીલો ઉપાર્જિત પાંચ વીઘા જમીન આવેલી છે. બે ખેતરોની કાળજી હાલમાં તેમના પિતરાઈ ભાઈ જગદીશભાઈ લે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter