BAPS સ્વામિનારાયણ મંદિર અને હવેલીના નિર્માણની અદભૂત ગાથા

Thursday 20th August 2015 09:21 EDT
 
 

આધુનિક કાળમાં ભારતની બહાર BAPS સ્વામિનારાયણ મંદિર જેટલું વિશાળ, મનોરમ્ય, કોતરકામથી સમૃધ્ધ અને પરંપરીક શિખરબધ્ધ મંદિર કદાચ ક્યાંય જોવા મળશે નહિં. નોર્થ વેસ્ટ લંડનના નિસડન ખાતે બંધાયેલ BAPS સ્વામિનારાયણ મંદિર પશ્ચિમી વિશ્વમાં અને ભારત બહાર બંધાયેલ સર્વપ્રથમ મંદિર છે. જ્યારે મંદિર નિર્માણનો સંકલ્પ કરાયો ત્યારે આવા વિશાળ અને ભવ્ય મંદિરનું નિર્માણ અશક્ય લાગતું હતું, પરંતુ લંડનની ધરતી પર નિર્મીત આ મંદિર તેના નિયત સમય પહેલા જ આકાર પામ્યું હતું. જ્યારે મંદિરના નિર્માણ માટેની તૈયારી કરવામાં આવતી હતી ત્યારે સૌ પહેલા તો બ્રિટનના કડક બાંધકામ નિયમોનું પાલન કરવાનું હતું અને સાથેસાથે જ પ્રાચીન ભારતીય સ્થાપત્યકલાના વાસ્તુશાસ્ત્રને બ્રિટનની ધરતી પર અનુસરવાનો પડકાર હતો. બીજો મોટો અને મહત્વનો પડકાર બ્રિટનની વિષમ આબોહવાનો હતો. ભારતીય સ્થાપત્ય મુજબ મંદિરના નિર્માણમાં બ્રિટનની આકરી ઠંડીનો સામનો કરે તેવા ટકાઉ અને મજબૂતી વધારવા પોલાદના ટેકા કે લોખંડના સળિયાનો ઉપયોગ કર્યા વિના ભાર સહન કરી શકે તેવા અને બારીક કોતરણી કરી શકાય તેવા સૌમ્ય પથ્થરની પસંદગી કરવાની હતી. ત્રીજો પડકાર ભારતમાં જ મળી શકે તેવા શ્રેષ્ઠ હિન્દુ શિલ્પકળાથી સજ્જ પથ્થર નોર્થ વેસ્ટ લંડનમાં કેવી રીતે પહોંચાડવા તેનો હતો.

ઘણાં સંશોધન, ચર્ચા-વિચારણા અને નૂતન ઈજનેરી કળાની સાથોસાથ આદરણીય પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન તેમજ મંદિરના નિર્માણ માટે થનગનતા હજારો સ્વયંસેવકોના અથાક પ્રયાસોના પરિણામે આ વિશાળ સમસ્યાઅોનો સુખદ ઉકેલ આવી ગયો હતો.

આશરે ૩,૦૦૦ ટન બલ્ગેરીયન લાઈમસ્ટોન અને ૧,૨૦૦ ટન જેટલા ઈટાલિયન કરારા માર્બલના વિશાળ જથ્થાને ભારત મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ૯૦૦ ટન જેટલા ભારતના અંબાજીનો ઉપયોગ કરાયો હતો. ૫,૦૦૦ ટનથી વધુ વજનના પથ્થરોના કુલ ૨૬,૩૦૦ શિલાખંડો પર ભારતમાં વિવિધ ૧૪ સ્થળોએ ૧,૫૦૦થી વધુ કુશળ અને નિષ્ણાંત કારીગરોએ પોતાના હાથના કસબની કમાલ કરી બતાવી હતી. આ શિલાખંડોને મંદિરની ડિઝાઇન મુજબ ક્રમ આપવામાં આવ્યો હતો અને વ્યવસ્થિત પેકિંગ કરી ભારતથી ૬,૩૦૦ માઈલ દૂર લંડન મોકલી અપવામાં આવ્યા હતા. આ શિલાખંડો કે પથ્થરમાં સૌથી મોટો પથ્થર ૫.૬ ટનન હતો અને સૌથી નાનો પથ્થર માત્ર ૫૦ ગ્રામ વજનનો હતો. પથ્થરના દરેક નંગને અહિં નીસડનમાં મંદિરના સ્થળે જ એસેમ્બલ કરવામાં આવ્યા અને માત્ર અઢી વર્ષના સિમિત સમયગાળામાં આકાશને આંબતું અને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની છડી પોકારતું મંદિર આપણા સૌની સામે છે અને લંડન જ નહિં સમગ્ર યુરોપમાં આપણા દેશ અને ધર્મની ગોરવગાથા રજૂ કરે છે.

કળા અને સ્થાપત્ય

ઈશ્વર પ્રત્યે અગાધ આદર, આરાધના અને કૃતજ્ઞતાના સમર્પણભાવથી કંડારાયેલું આ મહામંદિર દિવ્ય શક્તિની અવર્ણનીય અસીમ ભવ્યતા અને અનંત કીર્તિને વિનમ્ર અંજલિ સ્વરુપ હોવાના કારણે પ્રેમ અને કળાના સમન્વયની અદ્ભૂત કૃતિ બની રહ્યું છે. મંદિરની અંદર અને બહાર, સ્થંભ અને મોભ જેવા માળખાગત લાક્ષણિક હિસ્સાઓ પવિત્રતા, શાંતિ અને ધાર્મિરતાના પરંપરાગત હિન્દુ ભાત સાથે વિપુલપણે કોતરાયેલાં છે. અહીં તો કળા સ્થાપત્ય બની જાય છે અને સ્થાપત્ય ખુદ કળાનું સ્વરૂપ ધારણ કરે છે. કળા અને સ્થાપત્યનો સમન્વય દિવ્ય ભક્તિ સ્વરૂપ ધારણ કરે છે.

મંદિરનો બહારનો ભાગ

આરસના મુખ્ય દાદર પરની રુપચોકી મંદિર તરફ જતો પરંપરાગત પ્રવેશ છે. સ્થંભોની આસપાસ નૃત્યભંગિમાઓ દર્શાવતી પ્રતિમાઓ તેને ટેકારુપ હોવાની સાથોસાથ પુષ્પો, સુગંધ અને સંગીતની ભેટ સાથે મુલાકાતીઓનું સ્વાગત કરે છે. બહારના ભાગના શ્વેત બલ્ગેરીયન લાઈમસ્ટોનની બારીક કારીગરી-નકશીકામના પટ્ટાઓ સજાવેલા ગવાક્ષ અને ઝરુખાઓ સાથેની દીવાલ દૈવી પ્રતિમાઓથી સુશોભિત છે.

ઉપરની તરફ કેન્દ્રમાં મુખ્ય ઘુમ્મટ અને આસપાસ નાના ઘુમ્મટ ગોઠવાયેલાં છે. તેની પાછળ બારીક કોતરણીઓ સાથેના શિખરો જાણે આકાશ સાથે ગોઠડી કરતાં જણાય છે. દરેક શિખર પરના કળશો મંદિરની સંપૂર્ણતાનું પ્રતીક દર્શાવે છે. આ કળશોની સાથે રહેલી અને હવામાં લહેરાતી ધજાઓ સર્વસત્તાધીશ ઈશ્વરના નિવાસની ઘોષણા કરે છે. આ મંદિર છે, ઈશ્વરનું નિવાસસ્થાન છે.

મંદિરનો અંદરનો ભાગ

મંદિરના ઉપરના મજલાની અંદર આવેલો મહામંડપ કરારા અને અંબાજી આરસનું વ્યાપક કોતરણીસભર દૂધિયું શ્વેત પવિત્ર સ્થાન છે. તેની મધ્યમાં ૮.૫ મીટરની પહોળાઈ અને ૧૦ મીટરની ઊંચાઈ ધરાવતો નાજૂક નકશીદાર ઘુમ્મટ છે, જેની મધ્યમાંથી અઢી ટન વજનના શિલાખંડનું ઝુમ્મર જાણે કે નીચેની તરફ ઉતરતું દેખાય છે. આ ઝુમ્મરની આસપાસ દૈવીપ્રતિમાઓ આશીર્વાદ વરસાવતી હોય તે રીતે ગોઠવવામાં આવી છે. મહામંડપમાં તોરણો સાથેના અનેક સ્થંભો પણ બારીક નકશીકાર્યથી છવાયેલાં છે. છત પર પુષ્પાવલિઓ સાથે ભૌમિતિક ભાત સાથેની આકૃતિઓ જોવા મળે છે. મહામંડપથી આગળ વધતાં પવિત્રતમ ગર્ભગૃહ છે, જ્યાં સિંહાસનો પર દેવમૂર્તિઓ આરૂઢ છે.અહીં ઉભા રહીએ ત્યારે આધ્યાત્મિકતાની અસર હેઠળ ચિંતનાવસ્થામાં સરી ન જવાનું મુશ્કેલ છે.

મંદિરની એક ઝલક......

આ મંદિરની શોભામાં તેના ૭ શિખર છે અને ૬ ઘુમ્મટ અભિવૃધ્ધી કરે છે. મંદિરમાં કુ ૧૯૩ સ્થંભ છે અને ૩૨ ગવાક્ષ એટલે કે બારીઅો મૂકવામાં આવી છે જે કુદરતી પ્રકાશથી મંદિરને શોભાવે છે. મંદિરમાં ૪ ઝરુખાઓ આજુબાજુના દ્રશ્યને દર્શાવે છે.

સમગ્ર મંદિરમાં ૫૦૦ વિશિષ્ટ ડિઝાઈન્સનો સમાવેશ કરાયો છે. છતમાં ૫૫ ભિન્ન પ્રકારની ડિઝાઈન્સ ખૂબજ આકર્ષક છે. સમગ્ર મંદિરને કોતરણી અને રચનાત્મક બનાવવા ૨૬,૩૦૦ નંગ કોતરણીબદ્ધ પથ્થરના ટુકડાનો ઉપયોગ કરાયો છે. સૌના લોકપ્રિય બનેલા અને હજારો પરિવારો માટે આસ્થાનું પ્રતિક બનેલ આ મંદિરની ઊંચાઈ ૨૧ મીટર (૭૦ ફૂટ), પહોળાઈ ૨૨.૫ મીટર (૭૫ ફૂટ) અને લંબાઈ ૬૦ મીટર (૧૯૫ ફૂટ) જેટલી છે.

ભગવાન નિલકંઠનો અભિષેક મંડપ

મુખ્ય મંદિરના ભોંયતળીયાના ભાગે આવેલા આરસના આ કક્ષમાં ભગવાન સ્વામીનારાયણની તરુણાવસ્થાની શ્રી નિલકંઠ વર્ણીની પવિત્ર મૂર્તિ સ્થાપિત છે. નિલકંઠ વર્ણીની પિત્તળની મૂર્તિ પર સોનાનો ઢોળ ચડાવેલો છે અને તેમના કક્ષ ઈટાલિયન કરારા આરસથી તૈયાર કરાયો છે.

માત્ર ૧૧ વર્ષની કુમળી વયે પોતાના ઘરનો ત્યાગ કરી દીધા પછી ભગવાન સ્વામીનારાયણ આધ્યાત્મિક જાગૃતિની મહાયાત્રા પર નીકળ્યા હતા. આ મહાયાત્રા દરમિયાન તેમણે સમગ્ર ભારત, નેપાળ, તિબેટ, મ્યાંમાર (બ્રહ્મદેશ) અને બાંગલાદેશમાં વિચરણ કર્યું હતું. આ સમયે તેઓ નિલકંઠ વર્ણી નામે ઓળખાયા હતા.

સાતથી વધુ વર્ષ એકલા પગપાળા પ્રવાસમાં ભગવાન નિલકંઠે ૭,૦૦૦ માઈલથી વધુ અંતર કાપ્યું હતું અને કોઈ નકશા, ખોરાક અને નાણા સાથે રાખ્યા વિનાના આ પ્રવાસમાં તેમણે સંખ્યાબંધ નદીઓ ઓળંગી હતી, વિકરાળ પ્રાણીઓનો સામનો કર્યો હતો અને હિમાલયની પર્વતમાળામાં હાડ થીજાવતી ઠંડી પણ સહન કરી હતી. તેમણે મહાયાત્રાના માર્ગમાં આવતી ભૂમિને પવિત્ર કરવા સાથે સંખ્યાબંધ અધ્યાત્મમાર્ગીનો ઉદ્ધાર પણ કર્યો હતો. તેમનો એકલપ્રવાસ હિંમત, કરુણા અને જ્ઞાનના અવતરણની મહાકથા છે.

ભગવાન સ્વામીનારાયણની વિકટ યાત્રાના સ્મરણ અને આદરાંજલિના ભાવ સાથે પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે કર્મકાંડ સાથે છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ મંદિર ખાતે નિલકંઠ વર્ણીની મૂર્તિ સમર્પિત કરી હતી, જેનો નિયમીત દૈનિક અભિષેક અને પૂજા કરવામાં આવે છે.

અભિષેક ઈશ્વર પ્રતિ આદર અને શ્રદ્ધા વ્યક્ત કરવા તેમ જ તેમના આશીર્વાદ મેળવવા ઈશ્વરની પવિત્ર મૂર્તિ પર જળ ચડાવવાની પ્રાચીન હિન્દુ વિધિ છે. ઈશ્વરને આત્માની શુદ્ધિ માટે પ્રાર્થના કરવાની તક ભક્તને પ્રાપ્ત થતી હોવાથી જળાભિષેકનું ધાર્મિક મહત્ત્વ પણ વિશેષ છે. હાલમાં અભિષેક મંડપમાં નવસજ્જાની કામગીરી ચાલી રહી છે અને તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની મુલાકાત લેવાનું શક્ય નથી.

સભામંડપ

હવેલીનો હાર્દસમાન સભામંડપ પ્રવેશખંડની પાછળ આવેલો છે. પરંપરાગત હવેલી સ્થાપત્ય કળાથી પ્રેરિત આ સભામંડપ મંદિરમાં યોજાતી સાપ્તાહિક સભાઓ તેમ જ વર્ષ દરમિયાન મંદિર દ્વારા ઉજવાતા વિવિધ ધાર્મિક ઉત્સવોનું મહત્વનું કેન્દ્ર છે. આ સ્તંભરહિત સંપૂર્ણ ખુલ્લાં વિશાળ સભામંડપમાં ૨,૫૦૦ વ્યક્તિનો સમાવેશ થઈ શકે છે. ૯૦ ફૂટ લંબાઈના મુખ્ય મંચ પરથી નિયમિત ઉપદેશામૃત ઉપરાંત કાર્યક્રમો આપવામાં આવે છે. શાળાઓ અને ગ્રૂપ પ્રવાસો સમક્ષના પ્રદર્શન કે રજૂઆતો ઉપરાંત, મંદિરમાં અભ્યાસ, પૂજા અને ઉજવણીઓ માટે આવતાં હજારો ભક્તજનો માટે તે પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ છે. સભામંડપ ફોલ્ડિંગ પાર્ટિશન સાથે લાઈટિંગ અને ઓડિયો-વિઝ્યુઅલ સુવિધા સાથેના બે સ્વતંત્ર વિભાગમાં વહેંચી શકાય છે.

મંદિરનું મનમોહક ઉદ્યાન

મંદિરની આસપાસ એવોર્ડવિજેતા સમપૂરક ઉદ્યાન છે. વસંત અને ગ્રીષ્મ ઋતુઓમાં કોતરેલી પુષ્પક્યારીઓની રંગીનિયત જીવંત બની જાય છે. એકસમાન કપાયેલી ભરાવદાર હરિયાળી, કાપકૂપ દ્વારા વિશિષ્ટ આકાર અપાયેલાં છોડવાઓ, શંકુ આકારના અને ઘેરા રંગના સદાબહાર વૃક્ષો તમે સમગ્ર વર્ષ દરમિયાન નિહાળી શકો છો.

એક રીતે જોઈએ તો આ ઉદ્યાન બે સંસ્કૃતિનો સમન્વય છે. પ્રાચીન હિન્દુ તત્વોના વિષયને નવ-શાસ્ત્રીય ઈંગ્લિશ બાગાયતકળામાં રજૂ કરવામાં આવે છે. બે વિશિષ્ટ શૈલી એકસાથે હોવાના પરિણામે ઉદ્યાન પ્રાચીન હિન્દુ મંદિર અને ઉપનગરીય લંડન સ્થળ વચ્ચે પ્રાકૃતિક સંગમ રચે છે.

મંદિરની આગળની તરફ અને બન્ને બાજુએ ક્યારાઓની સુશોભિત ફૂલવાડી રચવામાં આવી છે, જેમાં કમળના પુષ્પ આકારમાં પાંચ ક્યારા હળવા લીલા રંગના ઘાસની ફ્રેમમાં રચાયેલા છે. તેની મધ્યમાં વિવિધરંગી ટુલિપ્સ અને ગુલાબની ગોઠવણી કરવામાં આવી છે. મંદિરમાં પથ્થરના બારીક શિલ્પકાર્ય અને કાષ્ઠશિલ્પનું અનુકરણ ઉદ્યાનમાં સાચા પુષ્પોની ડિઝાઈનો દ્વારા કરાયું છે. આનાથી મંદિરનો આનંદપૂર્ણ પરિચય પ્રાપ્ત થાય છે.

આ ઉપરાંત, મંદિરની ચોતરફ નાની જળખાઈ છે અને નાના ફૂવારાઓ દ્વારા ગ્રેનાઈટના કુંડમાં સતત જળધારા થતી રહે છે અને ફીણનો પ્રવાહ વાતાવરણને સુંદર આભા આપે છે.

મંદિરની પાછળની તરફ સુવ્યવસ્થિત એટલે કે ઔપચારિક ઉદ્યાન આવેલું છે. એકબીજાને સાંકળતા અને તારાઓના આકારમાં સૂર્ય (સૌથી મોટી), પૃથ્વી (મધ્યમ) અને ચંદ્ર (સૌથી નાની) એમ મુખ્ય ત્રણ પગદંડીઓ રચાય છે. સાથે મળીને આ પગદંડીઓ આપણી આસપાસ પ્રકૃતિ અને બ્રહ્માંડની સાથે આપણા નિકટતમ સંબંધનું પ્રતીક બનાવે છે.

સૂર્ય તારાની મધ્યમાં નાના ફૂવારા સાથે સુશોભિત પદ્મકુંડ છે, જ્યારે અન્ય વિસ્તારોમાં રંગબેરંગી વૃક્ષોનું સુશોભન જોવાં મળે છે.

આ ઉદ્યાનને સ્થાનિક કાઉન્સિલની ‘બ્રેન્ટ ઈન બ્લૂમ’ સ્પર્ધામાં ૨૦૧૨, ૨૦૧૦ અને ૨૦૦૯માં પ્રથમ ઈનામ જાહેર કરાયું હતું. ૨૦૦૯ના ‘લંડન ઈન બ્લૂમ’ અભિયાનમાં મંદિરના ઉદ્યાનને સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ પણ એનાયત કરવામાં આવ્યું હતું.

જોકે, અતિ ઠંડા અને તોફાની હવામાનની પરિસ્થિતિ તેમ જ વિશેષ વ્રત-અનુષ્ઠાનોનાં દિવસોએ ઉદ્યાનના વિસ્તારમાં પ્રવેશ બંધ રાખવામાં આવે છે.

પ્રકૃતિ પ્રત્યે આદર અને પર્યાવરણ સાથે મૈત્રી

અથર્વ વેદમાં ખૂબજ સુંદર વાક્યનું નિરૂપણ કરાયું છે અને તે છે ‘ઓ પૃથ્વી માતા! અમારા કાર્ય આપને ક્ષતિ પહોંચાડનારા બની ન રહે’ મંદિર નિર્માણમાં ધરતી માતાનું અહિત ન થાય, નુકશાન ન પહોંચે અને પર્યાવરણની જાળવણી થઇ રહે તે માટે ઝીણામાં ઝીણી માહિતીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

હિન્દુત્વમાં પ્રકૃતિ પ્રત્યે પૂજ્યભાવનું વિશેષ મહત્ત્વ છે ત્યારે મંદિરનિર્માણમાં પર્યાવરણ તરફ ધ્યાન અપાય તે પણ આવશ્યક છે. આથી, મંદિરની હવેલીના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા લાકડાથી માંડીને મહત્તમ ઉર્જા કઇ રીતે બચાવી શકાય તેનો વિશેષ ખ્યાલ રાખી પર્યાવરણલક્ષી લાક્ષણિકતાઓ મુજબ મંદિર અને હવેલીનું નિર્માણ કરાયું હતું.

• હવેલીના નિર્માણમાં બર્મીઝ ટીક વૃક્ષના લાકડાનો ઉપયોગ કરાયો છે. એક વૃક્ષ પાડવા સામે સંખ્યાબંધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. • હવેલીમાં કુલ ૨૨૬ ઈંગ્લિશ ઓક વૃક્ષના લાકડાનો પણ ઉપયોગ થયો છે. તેની સામે સાઉથ વેસ્ટ ઈંગ્લેન્ડના વિલ્ટશાયર ખાતે ૨૨૬ ઈંગ્લિશ ઓક રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

• 'થર્મલ હીટ એક્સેન્જર' હવેલીના સભાખંડમાં એકત્ર થર્મલ ઊર્જાની જાળવણી કરવા ઉપરાંત તે ઉર્જાને સંકુલના અન્ય વિભાગોમાં ગરમી આપે છે.

• સભાખંડમાં અને અન્યત્ર ઊર્જાની બચત કરતા લાઈટ બલ્બનો ઉપયોગ કરાયો છે તો બીજી તરફ ઊર્જાની બચત કરવા સભામંડપમાં આકાશી ઉજાસ અને પાર્ટિશનિંગની પણ મદદ લેવાઈ છે.

• ઊર્જાનો બગાડ અટકાવવા લાઈટિંગ અને હીટિંગ માટે ટાઈમર્સ, સેન્સર્સ અને વિભાગીય વ્યવસ્થા છે.

• પર્યાવરણને મદદ તેમ જ મંદિર માટે ભંડોળ એકત્ર કરવા કોક-પેપ્સી અને અન્ય પીણાના ૭૦ લાખથી વધુ એલ્યુમિનિયમ કેન્સ રીસાયકલિંગ માટે એકઠાં કરવામાં આવ્યાં હતા, જે યુકેમાં આ પ્રકારના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાં એક ગણાય છે.

મંદિર નિર્માણના આ પ્રયાસોની કદર કરીને મંદિરના ઉદ્ઘાટન પછી સ્થાનિક બ્રેન્ટ કાઉન્સિલે પર્યાવરણલક્ષી સામગ્રી અને ટેક્નિક્સના ઉપયોગ કરવા બદલ મંદિરને ૧૯૯૫માં 'બ્રેન્ટ ગ્રીન લીફ એવોર્ડ' એનાયત કર્યો હતો. મંદિરનિર્માણના પ્રત્યેક તબક્કામાં ભૂમિને આદર આપવો અને તેના પર નિર્માણ કરવાની પરવાનગી માગવી, નિર્માણકાર્ય સંપન્ન થયા પછી આભાર વ્યક્ત કરવો અને નિર્માણપ્રક્રિયામાં કોઈને પણ હાનિ પહોંચી હોય તેના માટે ક્ષમાયાચના સહિત પ્રકૃતિ સાથેના મૃદુ, સંવેદનાત્મક અને પૂજ્યભાવ સાથેના સંબંધોનું દર્શન થાય છે.

આજે પણ મંદિર દ્વારા પ્રકૃતિ સાથેના સંબંધો જાળવવા અને પર્યાવરણને મદદ કરવાના પ્રયાસ સતત ચાલતા રહે છે. આ પ્રયાસોમાં ઊર્જાબચતના પાઠ શીખવવા, ક્લોરિન-ફ્રી કાગળ અને રીસાઈકલ્ડ પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ, વનસ્પતિજન્ય તેલ આધારિત શાહીનો વપરાશ, ચુસ્ત શાકાહારને ઉત્તેજન, વિશ્વ પર્યાવરણ દિન અને અર્થ અવરની ઉજવણી સહિતનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter