યુગોયુગોથી માનવની અવિરત વિકાસયાત્રા ચાલતી આવી છે. સમય સમય પર એવા સતપુરુષો આપણને સાંપડે છે કે જેમણે નવી કેડી કંડારી હોય અથવા તો કોઈ નાના શા રસ્તાને ધોરી માર્ગમાં પરિવર્તીત કર્યો હોય. સમય, શક્તિ અને સાધનના સમન્વયથી આવા મહાપુરુષો સદા સર્વદા માનવ જીવનની મહેંક વધુ બળવત્તર બનાવે છે.
આવા ઉત્કૃષ્ઠ માનવ વિરલાઓમાં પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજને હું વર્ષોના સ્વાનુભવના પ્રતાપે ગણું છું. તા. ૭ ડીસેમ્બર ૧૯૨૧ના રોજ વડોદરા નજીકના ચાણસદ નામના એક નાનકડા ગામમાં તેમનો જન્મ, ૧૯ વર્ષની વયે તેમના ગુરુ બ્ર. સ્વ. પૂ. શાસ્ત્રીજી મહારાજ પાસે તેમણે દિક્ષા મેળવી, ભગવાન સ્વામીનારાયણે સ્થાપેલ આ આધ્યાત્મિક પરંપરાના તેઓ પાંચમા વારસદાર છે. પૂ. શાસ્ત્રીજી મહારાજ, પૂ. યોગીજી મહારાજ અને ત્યાર બાદ પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજનું અનુદાન બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં પ્રમુખ રહ્યું છે તે નિર્વિવાદ છે.
પૂ. પ્રમુખ સ્વામી મહારાજે ૫૦ દેશોમાં ૧૭,૦૦૦ શહેર, નગર અને ગામડાઓમાં અઢી લાખ જેટલા નિવાસસ્થાનોમાં વિચરણ કર્યું. વ્યક્તિગત રીતે લગભગ સવા આઠ લાખ લોકોને પ્રત્યક્ષ મળવાનો, માર્ગદર્શનનો અને શાતાનો લાભ સાંપડ્યો છે. પૂ. પ્રમુખ સ્વામીએ મળેલા પત્રોના ૭ લાખથી વધુ પ્રત્યુત્તર આપ્યા છે. ૨૦ હજાર કરતા વધારે પ્રવચનો આપ્યા છે. આ સૌના પરિપાકરૂપ BAPSને તેમના યોગકાળમાં દેશ દેશાવરમાં ૧૧૦૦ મંદિરો ઉપર ધર્મધજા ફરકાવવાની એક વિક્રમજનક સિદ્ધી હાંસલ કરવાનો સુઅવસર પૂ. પ્રમુખ સ્વામી મહારાજે પ્રાપ્ત કર્યો છે અને આજે BAPSમાં ૯૦૦ ઉપરાંત સંતો અને તેમાંય વળી ત્રીજા ભાગના તો અત્યંત સુશિક્ષિત (દાક્તર, એંજીનીયર, ફાર્મસીસ્ટ, ધારાશાસ્ત્રી, એકાઉન્ટમન્ટ ઇત્યાદી) વ્યવસાયી જોડાય તે કેવું અદભૂત અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ કહેવાય.
માત્ર ૨૮ વર્ષની વયે BAPS સંસ્થાના પ્રમુખ તરીકે શાસ્ત્રીજી મહારાજે આ યુવક સાધુને નિમ્યા. આજે પોતાની વય અને આરોગ્યની કેટલીક મર્યાદાઓ છતાં સતત આ સાધુ પુરુષ કાર્યરત છે. તેમણે પોતાના ગુરુનો ‘રાજીપો’ પ્રાપ્ત કર્યો છે અને આખા વિશ્વભરના તેમના હજારો સેવકો ખડે પગે પૂ. પ્રમુખ સ્વામીનો ‘રાજીપો’ મેળવવા થનગની રહ્યા છે.
૧૯૯૫માં નીસડન સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે રીડર્સ ડાયજેસ્ટ મેગેઝીને આ ભવ્ય મંદિરને વિશ્વની આઠમી અજાયબી તરીકે બીરદાવ્યું હતું. મંદિરના શીલારોપણ અગાઉથી હું વ્યક્તિગત રીતે આ સમગ્ર આયોજનના સાક્ષી જ નહીં પરંતુ અલ્પ પ્રમાણમાં સેવક પણ રહ્યો છું અને તેનું મને ગૌરવ છે.
પશ્ચિમી જગતમાં સનાતન હિન્દુ સંસ્કૃતિના શીરમોર સમાન આ મંદિરની સ્થાપનાને ૨૦ વર્ષ થયા તેની ઉવજણી થઈ રહી છે. તેમાં ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઈસ’ સાપ્તાહિકોના એક નમ્ર અનુદાન તરીકે આ નાની શી પૂર્તિમાં યથાશક્તિ વાંચન સામગ્રી અમે સાદર કરી છે. સૌ સંતો અને હરીભક્તોના કર કમળમાં તેને અર્પણ કરતા મારા કાર્યાલયના સૌ સાથીઅો વતી સૌને જય શ્રી સ્વામિનારાયણ.
સી.બી. પટેલ