નવી દિલ્હી: અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્કે તેમની સેટેલાઈટ ઈન્ટરનેટ કંપની સ્ટારલિંકને ભારતમાં લાઇસન્સ મળવામાં થઇ રહેલા વિલંબ મામલે હવે સીધા જ અંબાણી જૂથ અને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યા છે. મુકેશ અંબાણી ભારતના ‘સાચા વડાપ્રધાન’ છે? તેવો સવાલ કરનારા મસ્કે હવે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીને ‘વડાપ્રધાન’ તરીકે સંબોધ્યા છે. વાત અહીં પૂરી નથી થતી. આની સાથોસાથ તેમણે રિલાયન્સની કંપનીઓ દ્વારા ભાજપને રૂ. 385 કરોડનું ભંડોળ અપાય હોવાનો દાવો કર્યો હતો.
સ્ટારલિન્કને મંજૂરીમાં વિલંબ કઠ્યો
ભારતમાં સ્ટારલિંકની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા શરૂ થવામાં સતત વિલંબ થઈ રહ્યો છે, જેના માટે મસ્કે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીને જવાબદાર ગણાવી તેમની ટીકા કરી રહ્યા છે. મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ‘અંબાણી દેશના અસલી બોસ છે?’ તેવો સવાલ કર્યા પછી દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ‘વડાપ્રધાન’ ગણાવ્યા હતા.
રિલાયન્સ - ભાજપ વચ્ચે સાંઠગાંઠનો આક્ષેપ
મસ્કે એક્સ પર લખ્યુંઃ ‘પ્રિય, વડાપ્રધાન અંબાણી તમે જ ભારતના અસલી બોસ છો તે સમજી નહીં શકવા માટે મને માફ કરો. શું તમે સ્ટારલિંકને પ્રતિસ્પર્ધા કરવાની મંજૂરી આપવા પર વિચારી શકો? ભારતના ઘણા વિસ્તારમાં ઈન્ટરનેટ પહોંચ નથી. સ્ટારલિંક ત્યાં ઈન્ટરનેટ સુવિધા આપી તેમનું જીવન સારું બનાવવા માગે છે.’
મસ્ક માત્ર આ પોસ્ટ કરીને અટક્યા નહોતા. તેમણે વધુ એક પોસ્ટ કરી, જેમાં તેમણે રિલાયન્સ જૂથ અને શાસક પક્ષ ભાજપની સાંઠગાંઠનો આક્ષેપ કર્યો હતો. મસ્કે અનેક એવા સમાચારોના સ્ક્રીનશોટ શેર કર્યા, જેમાં આક્ષેપ કરાયો છે કે રિલાયન્સના ફંડિંગવાળી એક કંપનીએ સોશિયલ મીડિયા પર ભાજપને ચૂંટણી અભિયાનોને પ્રોત્સાહન આપવામાં મદદ કરી. મસ્કે પોસ્ટ સાથે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’નો 2024નો અહેવાલ શેર કર્યો છે, જેમાં દાવો કરાયો છે કે રિલાયન્સ જૂથ સાથે સંકળાયેલી ક્વિક સપ્લાયે ચૂંટણી બોન્ડ મારફત ભાજપને રૂ. 385 કરોડ અને શિવસેનાને રૂ. 25 કરોડનું દાન આપ્યું હતું.
જોકે, મસ્કના આક્ષેપોનો રિલાયન્સે કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ સરકારે અગાઉથી જ ખુલાસો કરી દીધો છે કે ભારતમાં કોઈ કંપનીને મોનોપોલીની મંજૂરી અપાઈ નથી. બધી કંપનીઓએ સુરક્ષા તબક્કામાંથી પસાર થવું પડશે.
બીજી બાજુ સોશિયલ મીડિયા પર ભારતીયોએ મસ્કની ઝાટકણી કાઢી છે. અનેક લોકોએ આક્ષેપો કર્યા કે અમેરિકા સુરક્ષાના કારણો આગળ ધરી વિદેશી કંપનીઓને તેના બજારમાં પ્રવેશ નથી આપતી અને બીજી બાજુ અન્ય દેશો પાસે તેમની કંપનીને તેમના બજારોમાં પ્રવેશ આપવાનું દબાણ કરે છે.
સ્ટારલિંક રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમીઃ પૂર્વ વૈજ્ઞાનિકની ચેતવણી
બીજી બાજુ દેશના ટોચના સંશોધન સંસ્થાન ડીઆરડીઓના પૂર્વ વૈજ્ઞાનિક રવિ કુમાર ગુપ્તાએ સરકારને ચેતવણી આપતા દાવો કર્યો છે કે સ્ટારલિંક ભારતમાં મફત ઈન્ટરનેટ આપે તો પણ પ્રવેશ આપવો જોઈએ નહીં. મસ્કની સેટેલાઈટ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડતી કંપનીને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ગણાવતા ગુપ્તાએ કહ્યું કે, આજના યુદ્ધો તલવારો અને દારૂગોળાના બદલે નેટવર્ક આધારિત થઈ ગયું છે. ઈન્ટરનેટ પોતાનામાં જ નવી દુનિયા બની ગયું છે. ઈન્ટરનેટ, પૂરું પાડનારા પાસે યુઝરના લોકેશનની બધી માહિતી હોય છે. અમેરિકાએ પણ ઈરાનમાં ખામેનેઈ પર સચોટ હુમલા ડેટાના ઉપયોગથી જ કર્યા હતા. આપણા દેશની સ્વાયત્તતા સાથે સમાધાન કરવું ખતરનાક છે. મસ્ક ભારતીય બજારમાં પોતાના કારોબારી હિત આગળ વધારવા માગે છે અને ભારતના આંતરિક રાજકારણમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહ્યા છે.


