અમેરિકાના મત સામે અમારો પણ મત છેઃ વિદેશ મંત્રી જયશંકરે રોકડું પરખાવ્યું

Thursday 21st April 2022 07:18 EDT
 
 

વોશિંગ્ટનઃ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેની ટુ પ્લસ ટુ મંત્રણામાં માનવાધિકારના મુદ્દે કોઇ ચર્ચા થઈ નથી. જોકે તેમણે કહ્યું કે જ્યારે પણ આ મુદ્દા પર ચર્ચા થશે ત્યારે ભારત પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં લગારેય ખચકાશે નહીં. એસ. જયશંકરે કહ્યું કે લોકો ભારત વિશેના વિચારો રજૂ કરી શકે છે. ભારત પણ અમેરિકામાં માનવાધિકારોની સ્થિતિ પર નજર રાખે છે. વિદેશ પ્રધાને કહ્યું કે ભારત વિશે એક પ્રકારની લોબી અને વોટ બેંક આ પ્રકારના (માનવાધિકાર ભંગના) મુદ્દાઓને આગળ લાવે છે.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને એવું નિવેદન કર્યું હતું કે અમેરિકા ભારતમાં તાજેતરની કેટલીક ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે. ભારતમાં કેટલાક રાજ્યો, પોલીસ અને જેલ અધિકારીઓ દ્વારા માનવાધિકારના ઉલ્લંઘનમાં વધારો થયો છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે એન્ટની બ્લિંકનને તેની જ ભાષામાં જવાબ આપીને બોલતી બંધ કરી દીધી છે. જયશંકરે એન્ટની બ્લિંકનને વળતો જવાબ આપતાં જણાવી દીધું હતું કે ભારત પણ અમેરિકામાં ભારતીયોના માનવાધિકારના ઉલ્લંઘન પર નજર રાખી રહ્યું છે. જયશંકરના આ કડક નિવેદન પર સોશિયલ મીડિયામાં વાહવાહ થઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter