વોશિંગ્ટનઃ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ભારત પર દુનિયામાં સૌથી વધુ 50 ટકા ટેરિફ નાંખ્યો છે. એટલું જ નહીં ટ્રમ્પે અમેરિકન કંપનીઓને ભારતમાં રોકાણ કરતાં પણ અટકાવવા પ્રયત્નો કર્યા છે, જેના પગલે ભારત-અમેરિકાના સંબંધોમાં કડવાશ આવી છે. જોકે, અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી ફોરમના અધ્યક્ષ જ્હોન ચેમ્બર્સનું કહેવું છે કે, કોઈપણ અમેરિકન કંપની ભારત વિરુદ્ધ નહીં જાય, કારણ કે ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતા અર્થતંત્રોમાંનું એક છે. વર્લ્ડ બેન્કથી લઈને આઈએમએફ સહિતની તમામ વૈશ્વિક એજન્સીએ પણ કબૂલ્યું છે કે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ભારત અને અમેરિકા લાંબા સમયથી મોટા વ્યાપારિક ભાગીદાર રહ્યા છે. જોકે, તાજેતરના સમયમાં ટેરિફના તણાવ વચ્ચે બંને દેશોના સંબંધો કથળ્યા છે.
અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી ફોરમ (યુએસઆઈએસપીએફ)ના અધ્યક્ષ જ્હોન ચેમ્બર્સે કહ્યું કે, કોઈપણ અમેરિકન સીઈઓ ભારત વિરુદ્ધ દાવ નહીં લગાવે. મોટાભાગના બિઝનેસ ભારત-અમેરિકાના સંબંધોને ચૂંટણી તબક્કા અથવા ત્રિમાસિક પરિણામોની દૃષ્ટિએ જોતા નથી. તેઓ બંને દેશના સંબંધોને 5, 10 અને 15 વર્ષના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખે છે. નવી વેપાર સમજૂતી પર હજુ સુધી નહીં થવા છતાં અમેરિકન કંપનીઓ ભારત પ્રત્યે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તેમણે વર્તમાન સ્થિતિને માત્ર ટૂંકાગાળાનો અવરોધ ગણાવ્યો હતો અને કહ્યું કે, તે લાંબા ગાળાના દ્વિપક્ષીય વિકાસમાં અવરોધ ઊભા નહીં કરે.
જ્હોન ચેમ્બર્સે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, બે દાયકા પહેલાં તેમણે સિસ્કો સિસ્ટમને બીજા વૈશ્વિક મુખ્યાલય તરીકે ભારતની પસંદગી કરી હતી ત્યારે ભારત વૈશ્વિક જીડીપીમાં 12મા ક્રમે હતું અને હવે ચોથા ક્રમે પહોંચી ગયું છે. અમે એ અંગે ચર્ચા કરી છે કે શું ભારત એક સ્ટાર્ટઅપ રાષ્ટ્ર બની શકે છે? અને સ્ટાર્ટઅપ માટે સમગ્ર દુનિયામાં નંબર-વન આઈપીઓ બજાર બની શકે છે? તો તેનો જવાબ છે તે ભારત જ છે. અનેક અમેરિકન કંપનીઓ હવે ભારતમાં ઉત્પાન વધારવા પર દાવ લગાવી રહી છે. અમારા ફોરમની 450 કંપનીઓ ભારતના ભવિષ્યમાં સંપૂર્ણપણે સામેલ છે અને રોકાણ કરી રહી છે. એક દિવસ ભારત દુનિયાનું નંબર-1 જીડીપીવાળો દેશ બની જશે તેની અમને આશા છે.


