આઇએમએફના ડેપ્યુટી મેને. ડિરેક્ટરપદે ભારતવંશી ગીતા ગોપીનાથન્

Wednesday 08th December 2021 09:09 EST
 
 

વોશિંગ્ટનઃ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)માં ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કાર્યરત ભારતવંશી ગીતા ગોપીનાથનની ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ આઇએમએફના પ્રથમ ડેપ્યુટી મેને. ડિરેક્ટર જ્યોફ્રી ઓકામોતોના અનુગામી બનશે. ઓકામોતો તેમના હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા હોવાથી તેમના સ્થાને ગીતા ગોપીનાથનની વરણી થઇ છે. આઇએમએફ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું ચે કે ગીતા ગોપીનાથન્ આગામી જાન્યુઆરીમાં હાવર્ડ યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક જવાબદારી નિભાવવા માટે પાછાં ફરવાના હતાં, પરંતુ હવે તેમણે આ નિર્ણય મોકૂફ રાખ્યો છે અને તેમણે આઇએમએફના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર તરીકેનું પદ સ્વીકાર્યું છે. ગીતા ગોપીનાથન્ આગામી ૨૧ જાન્યુઆરીથી આ હોદ્દાનો કાર્યભાર સંભાળશે.

ગીતા ગોપીનાથન હવે અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે, પણ તેમનો જન્મ ભારતમાં થયેલો છે. ગીતા ગોપીનાથન્ બાળપણમાં અભ્યાસમાં તેજસ્વી નહોતા. સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ ગીતાએ મૈસુરમાં મહારાજા પીયુ કોલેજ જોઇન કરી હતી અને સાયન્સનો અભ્યાસ કર્યો હતો. અહીં તેમણે સારા માર્ક્સ મેળવ્યા હતા. બાદમાં તેઓ એન્જિનિયરિંગ કે મેડિસિનમાં જઈ શકતાં હતાં પણ તેમણે ઇકનોમિક્સમાં બીએ (ઓનર્સ) કરવાનો નિર્ણય કર્યો હતો. ગીતાએ બાદમાં દિલ્હી ખાતે લેડી શ્રીરામ કોલેજમાં ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. આ પછી દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ખાતે અર્થશાસ્ત્રમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી.
આ પછી ગીતા ગોપીનાથને ૧૯૯૪માં વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ૧૯૯૬થી ૨૦૦૧ સુધીમાં તેમણે પ્રિન્સટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં પીએચ.ડી. પૂર્ણ કર્યું હતું. પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન ગીતાની મુલાકાત ઇકબાલ સાથે થઈ હતી. બન્નેએ લગ્ન કર્યા હતા. હાલ તેમને ૧૮ વર્ષનો એક પુત્ર છે.
ગીતાએ ૨૦૦૧થી ૨૦૦૫ સુધી શિકાગો યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. એ પછીના ૫ વર્ષમાં તેમણે અહીં પ્રોફેસર તરીકે કામ કર્યું. વેપાર અને રોકાણ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંકટ, મુદ્રા નીતિઓ, ધિરાણ અને ઉભરી રહેલા બજારોની સમસ્યાઓ જેવા વિષયો પર ગીતાએ ૪૦ જેટલા રિસર્ચ પેપર્સ લખ્યા છે.

મેં ભણ‌વા માટે પુત્રી પર દબાણ કર્યું નથી: પિતા
એક મુલાકાતમાં ગીતાના પિતાએ જણાવ્યું હતું કે ગીતા ૭મા ધોરણ સુધી ૪૫ ટકા માર્ક્સ જ લાવતી હતી. પણ બાદમાં તે ૯૦ ટકા માર્ક્સ લાવતી થઈ હતી. ગીતાના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે મેં ક્યારેય ભણવા માટે બાળકો પર દબાણ કર્યું નથી કે તેમના પર ક્યારેય કોઈ પાબંદીઓ લાદી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter